યુકે, જર્મની અને ઇટાલીમાં ઓમિક્રૉન વેરિઅન્ટના કેસની પુષ્ટિ, ઇઝરાઇલે સરહદ બંધ કરી!
નવી દિલ્હી, 28 નવેમ્બર : ચીનના વુહાનથી ઉદભવેલો કોરોના વાયરસ બે વર્ષ પછી પણ અટકવાનું નામ નથી લઈ રહ્યો. કોરોનાની બદલાતી પ્રકૃતિ વિશ્વમાં તણાવ વધારી રહી છે. હવે કોરોનાના નવા વેરિઅન્ટે દેશોની ચિંતા વધારી દીધી છે. દક્ષિણ આફ્રિકામાં જોવા મળેલ કોરોનાનું નવું વેરિઅન્ટ ઓમિક્રોન (B.1.1.529) ડેલ્ટા કરતાં વધુ ખતરનાક છે. WHOએ આ વેરિઅન્ટને વેરિઅન્ટ્સ ઑફ કન્સર્નની શ્રેણીમાં મૂક્યું છે. આ દરમિયાન, બ્રિટન, જર્મની અને ઇટાલીમાં શનિવારે કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મળી આવ્યા હતા, ત્યારબાદ બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સને વાયરસને કાબૂમાં રાખવા માટે નવા નિયંત્રણોની જાહેરાત કરી હતી, જ્યારે મોટાભાગના દેશોએ ઓમિક્રોનના ગભરાટને કારણે દક્ષિણ આફ્રિકાથી આવતા યાત્રીઓ માટે પ્રતિબંધ મુક્યો છે.
બ્રિટનમાં ઓમિક્રોનના બે સંબંધિત કેસ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ સાથે સંબંધિત હતા, જેની માહિતી ત્યાંના આરોગ્ય પ્રધાન સાજિદ જાવિદે આપી હતી. બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને એક ન્યૂઝ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિએ યુકેમાં પ્રવેશ્યા પછી બીજા દિવસના અંત સુધીમાં આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવો પડશે અને નેગેટિવ ટેસ્ટ આવે ત્યાં સુધી સેલ્ફ-આઈસોલેટ રહેવુ પડશે.
બ્રિટિશ પીએમે વધુમાં કહ્યું કે જે લોકો ઓમિક્રોન શંકાસ્પદ લોકોના સંપર્કમાં આવ્યા છે તેમને 10 દિવસ માટે ક્વોરેન્ટાઇન રહેવુ પડશે. આ ઉપરાંત સરકાર માસ્ક લાગુ કરવા માટેના નિયમોને વધુ કડક બનાવશે, ત્રણ અઠવાડિયામાં વધુ પગલાંની સમીક્ષા કરવામાં આવશે. ઇઝરાયેલે કહ્યું કે તે તમામ વિદેશીઓને દેશમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકશે અને વેરિઅન્ટના ફેલાવાને રોકવા માટે એન્ટી-ટેરરિસ્ટ ફોન-ટ્રેકિંગ ટેક્નોલોજી ફરીથી શરૂ કરશે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (ડબ્લ્યુએચઓ) દ્વારા ઓમિકોનને વેરિઅન્ટ્સ ઓફ કન્સર્ન તરીકે લેબલ આપવામાં આવ્યું છે. તે સંભવિત રીતે કોરોનાના અગાઉના પ્રકાર કરતાં વધુ ચેપી છે, જો કે તેના વિશે વધુ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. આ વેરિઅન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં મળી આવ્યો હતો અને ત્યારથી તે બેલ્જિયમ, બોત્સ્વાના, ઈઝરાયેલ અને હોંગકોંગમાં મળી આવ્યો છે. વેરિઅન્ટના પરિવર્તન અને હાલની રસી અને સારવાર અસરકારક છે કે કેમ તે સમજવામાં વૈજ્ઞાનિકોને અઠવાડિયા લાગી શકે છે. ઉલ્લેખનિય છે કે કોરોનાના આ નવા વેરિઅન્ટની પુષ્ટિ થયા બાદ દુનિયાભરમાં ભયનો માહોલ છે અને સતત નવા પ્રતિબંધો આવી રહ્યા છે.