For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નશીલા પદાર્થો, શસ્ત્રો અને આતંક: કિમના ઉત્તર કોરિયામાંથી ભાગી છૂટેલા એક અધિકારીની આપવીતી

ઉત્તર કોરિયામાં તમે ગમે તેટલા વફાદાર હો કે ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચ્યા હો, તમારી કોઈ સલામતી હોતી નથી. બીબીસીને આપેલા એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં એક અધિકારીએ જણાવ્યું ઉત્તર કોરિયામાં કિમનું શાસન કેવી રીતે ચાલે છે. કિમ કુક

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

કિમ કુક-સોંગની રહસ્યમયી જૂની ટેવો હજીય ગઈ નથી.

ત્રણ અઠવાડિયાં સુધી વાતચીત ચાલી તે પછી તેમની સાથે ઇન્ટરવ્યૂનું નક્કી થયું. બધી તૈયારીઓ પછીય કોણ આ વાતો સાંભળી જશે એની ચિંતા તેમને હતી.

તેમણે કૅમેરા સામે કાળાં ચશ્માં પહેરી રાખવાની કાળજી લીધી હતી. અમારી ટીમમાંથી માત્ર બે જ જણને તેમનું સાચું નામ ખબર છે.

કિમ

કિમ છેલ્લાં 30 વર્ષની આકરી જહેમત પછી ધીમે-ધીમે બઢતી પામીને ઉત્તર કોરિયાની સૌથી શક્તિશાળી જાસૂસી એજન્સીમાં ઉચ્ચ સ્થાને પહોંચ્યા હતા. તેઓ કહે છે તે પ્રમાણે આ જાસૂસી તંત્ર જ "સર્વોચ્ચ નેતાનાં આંખ, કાન અને મગજ તરીકે કામ કરે છે."

તેમના દાવા અનુસાર એજન્સીના અધિકારીઓ નેતાનાં રહસ્યોને કદી બહાર આવવા દેતા નથી, તેમના ટીકાકાર હોય તેની હત્યા માટે મારા મોકલે છે અને 'ક્રાંતિકારી' પ્રવૃત્તિ માટેનું ફંડ એકઠું કરવા માટે ગેરકાયદે નશીલા પદાર્થની પ્રયોગશાળા પણ બનાવી હતી.

આવા જ એક ભૂતપૂર્વ સિનિયર કર્નલે આખરે પોતાની કહાણી બીબીસીને જણાવવા માટેનો નિર્ધાર કર્યો. પ્રથમ વાર પ્યોંગયાંગના કોઈ સિનિયર લશ્કરી અફસરે આ રીતે કોઈ મહત્ત્વની સમાચાર સંસ્થાને ઇન્ટરવ્યૂ આપ્યો હોય.

આ એક્સક્લુઝિવ ઇન્ટરવ્યૂમાં કિમે જણાવ્યું કે પોત "લાલચોળ લાલ" એટલે કે બહુ જ વફાદાર સામ્યવાદી સેવક હતા.


ઉત્તર કોરિયાની રણનીતિ

કિમ જૉંગ ઉન પિતા સાથે

આમ છતાં ઉત્તર કોરિયામાં તમે ગમે તેટલા વફાદાર હો કે ગમે તેટલા ઊંચા સ્થાને પહોંચ્યા હો, તમારી કોઈ સલામતી હોતી નથી.

2014માં આ ઑફિસરે પોતાનો જીવ બચાવવા માટે ભાગી નીકળવું પડ્યું અને ત્યારથી તેઓ સૉલમાં જ રહે છે અને દક્ષિણ કોરિયાના જાસૂસી તંત્ર માટે કામ કરે છે.

તેમણે ઉત્તમ કોરિયાની નેતાગીરીની વાત કરતાં કહ્યું કે તે યેનકેન પ્રકારે કમાણી કરવા માગે છે. તેના માટે મધ્ય પૂર્વ અને આફ્રિકામાં ગમે ત્યાં શસ્ત્રો અને કેફી દ્રવ્યો વેચવા માટે તૈયાર છે. પ્યોંગયાંગમાં કઈ રીતે નિર્ણયો લેવામાં આવે છે તેની વિગતો તેમણે અમને આપી.

દક્ષિણ કોરિયા પર આક્રમણની વિગતો પણ આપી અને જણાવ્યું કે દેશની ગુપ્તચર એજન્સીઓ અને સાયબર નેટવર્ક દુનિયામાં ગમે તે ખૂણે પહોંચી શકે છે.

તેમના આ દાવાની સ્વતંત્ર રીતે બીબીસી ખરાઈ કરી શકે તેમ નથી, પરંતુ તેમની ઓળખ અમે પાકી કરી હતી અને જ્યાં શક્ય હોય ત્યાં તેમના દાવા અને આક્ષેપો પ્રમાણે પુરાવાઓ પણ મેળવ્યા હતા.

અમે આ બાબતમાં લંડન તથા ન્યૂયૉર્ક ખાતેના ઉત્તર કોરિયાનાં રાજદૂતાલયોનો સંપર્ક કર્યો હતો, પરંતુ તેમના તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ મળ્યો નથી.


'આતંકી ટાસ્ક ફૉર્સ'

કિમ જૉંગ ઉન

કિમે છેલ્લાં થોડાં વર્ષો દરમિયાન ઉત્તર કોરિયાના ટોચના ઇન્ટેલિજન્સ યુનિટમાં કામ કર્યું હતું અને તેમની પાસે દેશના હાલના સર્વેસર્વા કિમ જોંગ-ઉનના પ્રારંભિક દિવસોની ઘણી માહિતી છે.

તેમના જણાવ્યા અનુસાર આ યુવાન પોતાને "લડાયક" નેતા સાબિત કરવા માટે મથતો રહ્યો હતો.

ઉત્તર કોરિયાએ 2009માં રિકૉનિસન્સ જનરલ બ્યૂરો નામની નવી જાસૂસી સંસ્થા ખોલી હતી. તે વખતે તેમના પિતાને હુમલો આવ્યો હતો અને તેમનું સ્થાન લેવા માટે કિમ જોંગ-ઉનને તૈયાર કરવામાં આવી રહ્યા હતા.

તે વખતે બ્યૂરો ચીફ તરીકે કિમ યોંગ-ચોલ હતા, જે ઉત્તર કોરિયાના નેતાના સૌથી વિશ્વાસુ સાથી બની રહ્યા હતા.

કર્નલના જણાવ્યા અનુસાર મે 2009માં ઉપલા સ્તરેથી ક્રમાનુસાર હુકમ આવ્યો હતો કે પક્ષપલટો કરીને દક્ષિણ કોરિયા જતા રહેલા ઉત્તર કોરિયાના એક ભૂતપૂર્વ અધિકારીની હત્યા કરવા માટે "આતંકી ટાસ્ક ફૉર્સ"ની રચના કરવામાં આવે.

કિમ કહે છે, "કિમ જોંગ-ઉન માટે સર્વોચ્ચ નેતા (તેમના પિતા)ના સંતોષ માટે આ પગલું લેવાનું હતું."

"હવાંગ જંગ-યોપની ગુપચુપ હત્યા કરી દેવા માટે એક 'ટેરર ફૉર્સ' તૈયાર કરવામાં આવી. મેં અંગત રીતે તે કામગીરી સંભાળી હતી અને કામ પાર પાડ્યું હતું."

હવાંગ જંગ-યોપ એક જમાનામાં દેશના સૌથી શક્તિશાળી અમલદાર હતા.

ઉત્તર કોરિયાના નીતિ નિર્ધારકોમાં તેઓ ટોચનું સ્થાન ધરાવતા હતા. 1987માં તેમણે પક્ષપલટો કરીને દક્ષિણ કોરિયા જતા રહેવાનું નક્કી કર્યું અને તે માટે તેમને ક્યારેય માફ કરવામાં આવ્યા નહીં.

તેઓ સૉલ પહોંચ્યા તે પછી સત્તાધીશોની આકરી ટીકાઓ કરી હતી અને તેના કારણે કિમ પરિવાર તેમની સામે બદલો લેવા માગતો હતો.

જોકે તેમની હત્યાનો પ્રયાસ નિષ્ફળ ગયો. તેમની હત્યાના પ્રયાસ બદલ ઉત્તર કોરિયાના બે આર્મી મેજર આજે પણ સૉલની જેલમાં 10 વર્ષની કેદ ભોગવી રહ્યા છે.

પ્યોંગયાંગમાંથી નકાર કરવામાં આવ્યો કે હત્યા માટેનો કોઈ પ્રયાસ થયો નહોતો અને ઊલટાનું દક્ષિણ કોરિયા પર હત્યાના પ્રયાસનો દેખાવ કરવાનો આક્ષેપ કર્યો હતો.

જોકે કિમ આ બાબતમાં જુદી જ વાત કરી રહ્યા છે.

"ઉત્તર કોરિયામાં રાજકીય રીતે ત્રાસવાદ એ કિમ જોંગ-ઇલ અને કિમ જોંગ-ઉનની પ્રતિષ્ઠા જાળવી રાખવાનું સાધન છે. વારસો મેળવનારા નેતા તરફથી પોતાના સર્વોચ્ચ નેતાને ભેટ આપવા માટેનો આ પ્રયાસ હતો."

હજી વધુ પ્રયાસો થવાના બાકી હતા. એક વર્ષ પછી 2010માં દક્ષિણ કોરિયાના નૌકાદળનું એક જહાજ ચેઓનન પર ટોર્પિડોથી હુમલો થયો અને તે ડૂબી ગયું.

તેમાં 46 લોકોનાં મોત થયાં. પ્યોંગયાંગે આ હુમલામાં પણ સંડોવણીનો કાયમ ઇનકાર કર્યો છે.

તે પછી ગયા વર્ષે નવેમ્બરમાં ઉત્તર કોરિયા તરફથી દક્ષિણ કોરિયાના ટાપુ યેઓંગપિયોંગ પર તોપમારો થયો. તેમાં બે સૈનિકો અને બે નાગરિકો માર્યા ગયા હતા.

આવો હુમલો કરવાનો આદેશે કોણે આપ્યો હતો તેની ચર્ચા હજીય થતી રહે છે.

કિમ કહે છે કે તેઓ પોતે "ચેઓનન અથવા યેઓંગપિયોંગના હુમલામાં સીધી રીતે જોડાયેલા નહોતા, પરંતુ તે આરજીબી ઑફિસરોથી અજાણ્યા નહોતા અને તેના અધિકારીઓ તેની ગુલબાંગો પોકારતા રહેતા હતા."

આ પ્રકારના હુમલા છેક ઉપરથી આદેશ ના થયો હોય ત્યાં સુધી ના થાય, એમ તેમનું કહેવું છે.

"ઉત્તર કોરિયામાં એક રસ્તો બનાવવાનો હોય તો તેનીય છેક ઉપરથી સુપ્રીમ લીડરની મંજૂરી લેવી જરૂરી હોય છે. નીચલા અધિકારીઓ ચેઓનન અથવા યેઓંગપિયોંગ ટાપુ પર તોપમારા જેવા નિર્ણયો કરી શકે નહીં.

"કિમ જોંગ-ઉનના વિશેષ આદેશો સાથે અને વિચારો પ્રમાણે આ પ્રકારના હુમલાઓ થતા હોય છે. તે એક સિદ્ધિ ગણાય છે."


'બ્લ્યૂ હાઉસનો જાસૂસ'

ઉત્તર કોરિયાની યુવતી

કિમ જણાવે છે કે તેમની જવાબદારીઓમાં એક કામ એ પણ હતું કે દક્ષિણ કોરિયાનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓ ઘડી કાઢવી. તેની પાછળનો હેતુ "રાજકીય રીતે તેને શરણાગત બનાવવાનો હતો."

તેના માટે દક્ષિણ કોરિયામાં જાસૂસી તંત્ર ગોઠવવું જરૂરી હતું.

"તેના માટે મેં અવારનવાર જાસૂસોને દક્ષિણ કોરિયા જવા અને ત્યાં જઈને કામગીરી પાર પાડવાના હુકમો આપેલા. એવા ઘણા કિસ્સાઓ છે", એવો તેમનો દાવો છે.

તેની વધુ વિગતો તેઓ આપતા નથી, પરંતુ અમને એક વિસ્મય પમાડતું ઉદાહરણ આપે છે.

"એક કિસ્સો એવો બનેલો કે ઉત્તર કોરિયાના એક એજન્ટને સિફતપૂર્વક ઘૂસાડી દેવામાં આવેલો અને તેણે દક્ષિણ કોરિયાના પ્રમુખની કચેરીમાં કામગીરી બજાવી હતી. તે પછી સલામત રીતે ઉત્તર કોરિયા પરત પણ આવી ગયેલો."

એ 1990ના દાયકાના પ્રારંભની વાત છે. (દક્ષિણ કોરિયાના પ્રમુખની કચેરી) બ્લ્યૂ હાઉસ ખાતે તે જાસૂસે પાંચથી છ વર્ષ કામ કર્યું અને તે પછી સલામત વતન પરત આવી ગયો. બાદમાં લેબર પાર્ટીની લાયઝાં ઑફિસ 314માં તેમની નિમણૂક થઈ હતી.

"હું તમને કહી શકું છું કે ઉત્તર કોરિયાના ઘણા જાસૂસો અત્યારે પણ દક્ષિણ કોરિયાની ઘણી અગત્યની સંસ્થાઓ તથા સંગઠનોમાં સક્રિય રીતે કામ કરી રહ્યા છે."


'દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ કાર્યાલયમાં જાસૂસ'

ઉત્તર કોરિયાના નેતા કિમ ઇલ સુંગ અને કિમ જૉંગ ઇલની પ્રતિમા

બીબીસી પાસે આ દાવાની ખરાઈ કરવા માટેનો કોઈ આધાર નથી.

હું દક્ષિણ કોરિયામાં સજા પામેલા ઘણા ઉત્તર કોરિયન જાસૂસોને પણ મળ્યો. એનકે ન્યૂઝના ફાઉન્ડર ચેડ ઑકેરોલે હાલમાં જ એક લેખમાં જણાવ્યું છે તે પ્રમાણે દક્ષિણ કોરિયાની જેલોમાં એક સમયે ડઝનબંધ ઉત્તર કોરિયન જાસૂસો હતા.

આ પ્રકારના બનાવો બનતા જ રહ્યા છે અને કમસે કમ એક કિસ્સામાં ઉત્તર કોરિયાથી મોકલાયેલો જાસૂસ સીધો સંડોવાયેલો હતો.

જોકે એનકે ન્યૂઝના આંકડા અનુસાર 2017 પછી જાસૂસીકાંડના આરોપો સાથે પકડાયેલા આરોપીઓની સંખ્યા ઘટી છે. ઉત્તર કોરિયા હવે જાસૂસોને ઘૂસાડવાની જૂની પદ્ધતિના બદલે ગુપ્ત માહિતી જાણવા નવી ટેકનૉલૉજીનો સહારો લે છે.

ઉત્તર કોરિયા ભલે દુનિયાનો સૌથી ગરીબ અને એકલવાયો દેશ હોય, પણ તેણે 6000 જેટલા કુશળ હૅકરોની ટીમ તૈયાર કરી છે એમ પ્યોંગયાંગ છોડીને ભાગેલા ઉચ્ચ અધિકારીઓ જણાવે છે.

કિમના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયાના આ અગાઉના સર્વોચ્ચ નેતા કિમ જોંગ-ઇલે છેક 1980ના દાયકામાં જ "સાયબર વૉરફેરનો સામનો કરવા માટે" નવા માણસો તૈયાર કરવા જણાવ્યું હતું.

તેઓ કહે છે, "મોરનબોંગ યુનિવર્સિટી આખા દેશમાંથી સૌથી તેજસ્વી વિદ્યાર્થીઓને પસંદ કરીને તેમને છ વર્ષ માટે વિશેષ શિક્ષણ આપતી હતી."

બ્રિટિશ સિક્યૉરિટી અધિકારીઓ માને છે કે 2017માં બ્રિટનની એનએચએસ અને વિશ્વની બીજી સંસ્થાઓ સાયબર ઍટેકને કારણે ઠપ થઈ ગઈ હતી તેની પાછળ ઉત્તર કોરિયાના લેઝારસ ગ્રૂપ તરીકે જાણીતા યુનિટનો હાથ હતો. 2014માં સોની પિક્ચર્સમાં હાઇ પ્રોફાઇલ હૅકિંગ થયું હતું તેની પાછળ પણ આ જ ગ્રૂપનો હાથ હતો તેમ મનાય છે.

કિમ કહે છે કે આ યુનિટનું નામ 414 લાયઝન ઑફિસ એવું છે.

"પ્રારંભમાં અમે તેને 'કિમ જોંગ-ઇલનું માહિતી કેન્દ્ર' એવી રીતે ઓળખતા હતા."

તેમના દાવા અનુસાર આ કેન્દ્રમાંથી સીધી જ ટેલિફોન લાઇન ઉત્તર કોરિયાના વડા સાથે જોડાયેલી હતી.

"લોકો કહે છે કે ચીન, રશિયા અને અગ્નિ એશિયાના દેશોમાં એજન્ટો રહેલા છે, પણ આ એજન્ટો ઉત્તર કોરિયામાં બેસીને પણ કામ કરતા રહે છે. આ કચેરી ઉત્તર કોરિયા જાસૂસી એજન્ટો વચ્ચે કૉમ્યુનિકેશન્સને પણ સલામત રાખવાનું પણ કામ કરે છે."


ડૉલર માટે કેફી દ્રવ્યો

કિમ જોંગ-ઉને હાલના સમયમાં જાહેરાત કરી હતી કે દેશની સામે ફરી એક વાર "સંકટ" આવ્યું છે.

એપ્રિલમાં પણ તેમણે દેશના લોકોને અપીલ કરી હતી કે વધુ એક "આકરી સફર" માટે તૈયાર રહો. 1990ના દાયકામાં કિમ જોંગ-ઇલના કાર્યકાળમાં ભયાનક દુકાળ પડ્યો ત્યારે તેઓ આ પ્રકારનો શબ્દપ્રયોગ કરતા હતા.

તે વખતે કિમ પોતે ઑપરેશનલ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા, જેનું કામ હતું સર્વોચ્ચ નેતા માટે "ક્રાંતિ ફંડ" એકઠું કરવું. તેઓ વધુમાં કહે છે કે આ ફંડ એકઠું કરવું એટલે ગેરકાયદે રીતે ડ્રગ વેચીને કમાણી કરવી.

તેઓ કહે છે, "આકરી સફરના એ કાળમાં કિમ જોંગ-ઇલના શાસનમાં નશીલા પદાર્થોનું ઉત્પાદન વધ્યું હતું. પણ એ જ ગાળામાં સુપ્રીમ લીડર માટેનું ફંડ ઑપરેશનલ ડિપાર્ટમેન્ટમાં ખૂટી પડ્યું હતું."

"મને ફંડનું કામ સોંપાયું તે પછી હું વિદેશમાંથી ત્રણ વિદેશીને ઉત્તર કોરિયા લઈ આવ્યો, 715 લાયઝન ઑફિસમાં વર્કર્સ પાર્ટીના કાર્યકરોને તાલીમ આપીને ઉત્પાદન માટેનું કારખાનું બનાવ્યું અને કેફી દ્રવ્યો તૈયાર કર્યાં.

"તે ડ્રગ હતું ICE. તેને વેચીને અમે ડૉલર મેળવ્યા જેથી કિમ જોંગ-ઇલને અર્પણ કરી શકાય."

તે વખતે આવી રીતે નશીલા પદાર્થોની હેરાફેરી થતી હતી તેવો તેમનો દાવો ગળે ઊતરે તેવો છે.

ઉત્તર કોરિયામાં નશીલા પદાર્થોના ઉત્પાદનનું, મુખ્યત્વે હેરોઇન અને અફીણના ઉત્પાદનનો લાંબો ઇતિહાસ રહેલો છે. યુકે ખાતે રહી ચૂકેલા ભૂતપૂર્વ ઉત્તર કોરિયન ડિપ્લોમેટ થેઇ યોંગ-હોએ પણ પક્ષપલટો કર્યો હતો.

તેમણે 2019માં ઓસ્લો ફ્રિડમ ફોરમમાં જણાવ્યું હતું કે તેમના દેશમાં સરકાર દ્વારા જ કેફી દ્રવ્યોની હેરાફેરી થતી હતી અને દેશમાં નશાખોરી વ્યાપી ગઈ હતી તેને રોકવાના પણ તેમણે પ્રયાસો કર્યા હતા.

મેં કિમને પૂછ્યું કે કેફી દ્રવ્યોના વેચાણમાંથી મળતાં નાણાં ક્યાં જતાં હતાં. શું તેનો ઉપયોગ લોકોને રોકણ આપવા થતો હતો?

તેઓ કહે છે, "તમને હું સમજાવું કે ઉત્તર કોરિયામાં બધું જ નાણું સર્વોચ્ચ નેતાનું ગણાય. એ નાણાંમાંથી તેમણે વીલા બનાવ્યા, કારો ખરીદી, ખાણીપીણી અને વસ્ત્રો ખરીદ્યાં અને લક્ઝરી ભોગવી."


હથિયારમાંથી આવક

1990ના દાયકામાં લાંબો સમય દુકાળ પડ્યો તેના કારણે અનાજની તંગીથી ઉત્તર કોરિયામાં અંદાજે એક લાખથી દસ લાખ લોકોનાં મૃત્યુ થયાંનો અંદાજ છે.

કિમના જણાવ્યા અનુસાર આવક માટેનું બીજું એક સાધન ગેરકાયદે ઈરાનને શસ્ત્રો વેચવાનું હતું, જેનું કામકાજ ઑપરેશન્સ ડિપાર્ટમેન્ટ સંભાળતું હતું.

તેઓ કહે છે, "વિશેષ પ્રકારની સબમરીનો, સેમિ-સબમર્સિબલ હતી. ઉત્તર કોરિયા આ પ્રકારનાં અત્યાધુનિક ઉપકરણો બનાવવામાં માહેર છે."

જોકે આ ઉત્તર કોરિયાના પ્રચારનો પણ હિસ્સો છે, કેમ કે ઉત્તર કોરિયાની સબમરીનો બહુ અવાજ કરનારી અને ડીઝલ એન્જિનથી ચાલનારી જ હોય છે.

જોકે કિમનો દાવો છે કે આ શસ્ત્ર સોદા બહુ સફળ રહ્યા હતા. ઉત્તર કોરિયાના ઈરાન ખાતેના ડેપ્યુટી ડિરેક્ટર એવી ગુલબાંગો હાંકતા કે તેઓ સોદા કરવા માટે ઈરાની અમલદારોને પોતાના સ્વિમિંગ-પૂલ પાસે હાજર કરતા.

1980ના દાયકાથી ઉત્તર કોરિયા ઈરાનને શસ્ત્રો વેચી રહ્યું છે તે ઉઘાડું રહસ્ય હતું.

આ શસ્ત્રોમાં બૅલેસ્ટિક મિસાઇલ્સ વગેરેનો પણ સમાવેશ થતો હતો તેવો દાવો ઉત્તર કોરિયાના જાણકારોમાંના એક પ્રોફેસર ઍન્ડ્રે લેન્કોવે કરેલો છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો છતાંય ઉત્તર કોરિયાએ અણુ શસ્ત્રો પણ વિકસાવવાનું ચાલુ રાખ્યું છે.

સપ્ટેમ્બરમાં ચાર નવી વેપન સિસ્ટમ્સનું પરીક્ષણ દેશે કર્યું હતું. એક લાંબા અંતરની મિસાઇલ, બૅલેસ્ટિક મિસાઇલ માટેની ટ્રેઇન-લૉન્ચ સિસ્ટમ, હાયપરસોનિક મિસાઇલ અને ઍન્ટી-ઍરક્રાફ્ટ મિસાઇલનો તેમાં સમાવેશ થતો હતો.

આ માટેની ટેકનૉલૉજીને વધારે અત્યાધુનિક બનાવાઈ રહી છે.

કિમના જણાવ્યા અનુસાર ઉત્તર કોરિયા લાંબા સમયથી ગૃહયુદ્ધ જેવી સ્થિતિ હોય તેવા દેશોમાં પણ શસ્ત્રો અને ટેકનૉલૉજી વેચે છે. હાલનાં વર્ષોમાં સંયુક્ત રાષ્ટ્રસંઘે આરોપ લગાવ્યો છે કે ઉત્તર કોરિયાએ સીરિયા, મ્યાનમાર, લિબિયા અને સુદાનને શસ્ત્રો આપ્યાં છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘે ચેતવણી આપી હતી કે પ્યોંગયાંગમાં તૈયાર થતાં શસ્ત્રો દુનિયામાં જ્યાં પણ અસ્થિરતા હોય ત્યાં પહોંચી શકે છે.


'વફાદાર સેવકની દગાખોરી'

ઉત્તર કોરિયામાં કિમ બહુ વગદાર જીવન જીવતા હતા.

તેમનો દાવો છે કે તેમને કિમ જોંગ-ઉનની કાકીએ મર્સિડિઝ કાર આપી હતી. સર્વોચ્ચ નેતા માટે નાણાં એકઠાં કરવા માટે તેમને છૂટથી વિદેશ જવાની પણ મંજૂરી હતી.

તેમના દાવા અનુસાર તેમણે અલભ્ય ઘાતુઓ અને કોલસો વેચીને લાખોની કમાણી કરી હતી, જેને સૂટકેસમાં ભરીભરીને દેશમાં લાવવામાં આવતી હતી.

જે દેશમાં લાખો લોકો ગરીબીમાં સબડતા હોય અને ખાવાના પણ ફાંફાં હોય ત્યાં આવી રીતે વૈભવી જીવન જીવવાની વાત જવા દો, તેની કલ્પના કરવી પણ મુશ્કેલ હોય છે.

લગ્નને કારણે વગદાર રાજકીય સંપર્કોનો લાભ મળ્યો હતો અને તેના કારણે પોતે જુદીજુદી જાસૂસી સંસ્થામાં કામ કરી શકતા હતા એમ કિમ કહે છે.

જોકે આ સંપર્કોને કારણે જ આખરે તેમની અને તેમના કુટુંબની સ્થિતિ જોખમમાં આવી ગઈ હતી.

2011માં કિમ જોંગ-ઉનના હાથમાં સત્તા આવી તે પછી તેમણે પોતાની સામે ભવિષ્યમાં ખતરો થઈ શકે તેવી વ્યક્તિઓને હઠાવી દેવાનું નક્કી કર્યું હતું.

પોતાના કાકા જેંગ સોંગ-થેકને પણ હઠાવી દેવાયેલા. એવો દાવો લાંબા સમયથી થઈ રહ્યો હતો કે કિમ જોંગ-ઇલની તબિયત લથડવા લાગી હતી, ત્યારથી હકીકતમાં જેંગના જ હાથમાં સત્તા છે.

https://www.youtube.com/watch?v=hr27YTB2eGg&t=2s

કિમના જણાવ્યા અનુસાર જેંગ સોંગ-થેકનું નામ કિમ જોંગ-ઉન કરતાંય વધારે જાણીતું બન્યું હતું.

તેઓ કહે છે, "તે વખતે જ મને ખ્યાલ આવી ગયો હતો કે જેંગ સોંગ-થેક લાંબું ટકશે નહીં. મને શંકા હતી કે તેમને ગ્રામીણ વિસ્તારમાં મોકલી અપાશે."

તેના બદલે ડિસેમ્બર 2013માં ઉત્તર કોરિયાના સરકારી મીડિયાએ જાહેરાત કરી કે જેંગને ફાંસી આપી દેવામાં આવી.

કિમ કહે છે, "મને બહુ આઘાત લાગેલો. આ બહુ મોટો ફટકો હતો અને હું મોં વકાસી ગયો હતો. મને પણ લાગ્યું કે મારા જીવનું જોખમ છે. મને ખ્યાલ આવી ગયો કે હું લાંબો સમય ઉત્તર કોરિયામાં ટકી શકીશ નહીં."

કાકાને ફાંસી આપી દેવાઈ તે સમાચાર કિમ વિદેશમાં હતા ત્યાં અખબારમાં વાંચેલા. તેમણે એ જ વખતે પોતાના કુટુંબ સાથે દક્ષિણ કોરિયા નાસી જવાની યોજના બનાવી કાઢી.

તેઓ કહે છે, "મારા દેશને ત્યજી દેવો, મારા વડવાઓની સમાધિ જ્યાં આવેલી હોય ત્યાંથી નીકળીને દક્ષિણ કોરિયા જવું કે જે ત્યારે વિદેશી ભૂમિ જેવું હતું, તે મારા માટે સૌથી વધારે દુખદાયક નિર્ણય હતો."

હું તેમના કાળાં ચશ્માંની પાછળ પણ વતનની યાદોને કારણે આવી ગયેલી ઉદાસીને જોઈ શકતો હતો.

અમે ઘણી વાર મળ્યા અને કલાકો સુધી વાતચીત કરી તે દરમિયાન મેં વારંવાર તેમને પૂછ્યું હતું કે શા માટે તેઓ હવે આ રીતે વાતચીત કરવા અને માહિતી આપવા તૈયાર થયા છે.

તેઓ કહે છે, "હું આ એક જ એવી ફરજ છે જે બજાવી શકું છું. હું હવેથી મારા ઉત્તર કોરિયાના ભાઈઓની સરમુખ્યતારશાહીમાંથી મુક્તિ માટે વધારે સક્રિય થવાનો છું, અને તેમને સાચી મુક્તિ અપાવવા માગું છું."

દક્ષિણ કોરિયામાં આ રીતે દેશ છોડીને આવેલા 30,000થી વધારે લોકો છે. તેમાંથી બહુ થોડા લોકો મીડિયા સાથે વાતચીત કરવા તૈયાર થતા હોય છે.

તમે જેટલા વધારે ઉચ્ચ હોદ્દા છોડીને આવ્યા હો એટલું તમારા અને તમારા પરિવાર પરનું જોખમ વધારે હોય.

દક્ષિણ કોરિયામાં પણ ઘણાને આ રીતે પક્ષપલટો કરીને આવેલા લોકોની વાતોમાં વિશ્વાસ નથી પડતો. આ બધી બાબતોની ખરાઈ કેવી રીતે કરવી?

કિમનું જીવન બહુ અલગ પ્રકારનું રહ્યું. તેમણે જે વાતો જણાવી છે તેને ઉત્તર કોરિયાની સ્થિતિની રીતે જોવી જોઈએ. જોકે તેમણે જે વાતો જણાવી તેના કારણે શાસનની અંદર શું સ્થિતિ છે અને કઈ રીતે તે ટકી રહ્યું છે તેનો ખ્યાલ આવે છે. આ શાસનની પકડમાંથી બહુ ઓછા લોકો છટકી શક્યા છે.

તેઓ કહે છે, "ઉત્તર કોરિયાનો સમાજ, તેમની ધારણાઓ, તેમની વિચારસરણી, તે બધામાં આખરે સૌ કોઈ સર્વોચ્ચ નેતા તરફ આજ્ઞાંકિત બનીને રહેવામાં માને છે. પેઢીઓ દરમિયાન વફાદાર દિલ જ પેદા થયા છે."

કિમ સાથે ઇન્ટરવ્યૂ થયો તે સમયગાળો પણ રસપ્રદ છે. કિમ જોંગ-ઉને હાલના સમયમાં જ અણસાર આપ્યો છે કે જો અમુક શરતો માનવામાં આવે તો તેઓ દક્ષિણ કોરિયા સાથે વાતચીત કરવા તૈયાર છે.

જોકે આ બાબતમાં પણ કિમ ચેતવણી આપી રહ્યા છે.

તેઓ કહે છે, "હું અહીં આવી ગયો તેને ઘણા વર્ષો થયાં છે, પરંતુ આટલાં વર્ષોમાં ઉત્તર કોરિયામાં કશું બદલાયું નથી."

"અમે જે વ્યૂહ ગોઠવ્યો હતો તે હજીય ચાલી રહ્યો છે. તમારે એ સમજવું જોઈએ કે ઉત્તર કોરિયા 0.01% પણ બદલાયું નથી."


કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=QCdc8txHARU&t=2s

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Drugs, weapons and terror: Kim's escape from North Korea
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X