અમેરિકાના ઇશારે પડી હતી ઇમરાન ખાનની સરકાર, ડોક્યુમેન્ટ્રીમાં થયો ખુલાસો
પાકિસ્તાનમાં અમેરિકાના ઈશારે ઈમરાન ખાનની સરકારના તખ્તાપલટને લઈને ખૂબ જ મહત્વપૂર્ણ પુરાવા સામે આવ્યા છે. લીક થયેલા એક દસ્તાવેજમાં ખુલાસો થયો છે કે પાકિસ્તાનના પીએમને હટાવવામાં અમેરિકાનો હાથ હતો.
તમને જણાવી દઈએ કે પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાન વારંવાર અમેરિકા પર તખ્તાપલટનો આરોપ લગાવી રહ્યા છે. જોકે અમેરિકાએ આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો છે. પરંતુ હવે ખબર આવી છે કે રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાનને ઈમરાન ખાનનું વલણ પસંદ નહોતું જેના કારણે તેણે પોતાની ખુરશી ગુમાવી દીધી હતી.

આ દસ્તાવેજ પાકિસ્તાની સૈન્યના એક અનામી સ્ત્રોત દ્વારા ઈન્ટરસેપ્ટને આપવામાં આવ્યો હતો, જેમણે કહ્યું હતું કે તેનો ઈમરાન ખાન કે ખાનની પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. ગુપ્ત દસ્તાવેજથી જાણવા મળ્યું છે કે 7 માર્ચ 2022ના રોજ અમેરિકાએ પાકિસ્તાની રાજદૂતને બોલાવ્યા હતા. આ દરમિયાન પાકિસ્તાની રાજદૂત અને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના બે અધિકારીઓ વચ્ચે વાતચીત થઈ હતી.
આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધમાં તટસ્થ રહેવા માટે ઈમરાન ખાનની સરકારની ટીકા કરવામાં આવી હતી. ઇન્ટરસેપ્ટે લખ્યું છે કે મીટિંગના એક મહિના પછી જ પાકિસ્તાનમાં ઈમરાન ખાનની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, જેના પછી તેણે પોતાની ખુરશી ગુમાવી દીધી હતી.
એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનની શક્તિશાળી સૈન્યના સમર્થનથી આ વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. સૈન્યના દબાણને કારણે ઘણા પાકિસ્તાની સાંસદોએ ઈમરાન ખાન વિરુદ્ધ વોટ કરીને તેમને સત્તામાંથી બહાર ફેંકી દીધા હતા.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ત્યારથી ઈમરાન ખાન અને તેમના સમર્થકો પાકિસ્તાનની સેના અને વર્તમાન સરકાર સામે લડી રહ્યા છે. ઈન્ટરસેપ્ટ રિપોર્ટ અનુસાર, દક્ષિણ અને મધ્ય એશિયા માટે અમેરિકાના આસિસ્ટન્ટ સેક્રેટરી ઓફ સ્ટેટ ડોનાલ્ડ લુએ રશિયા-યુક્રેન યુદ્ધમાં પાકિસ્તાનના વલણ પર પાકિસ્તાનના તત્કાલિન રાજદૂત અસદ મજીદ ખાન સામે નારાજગી વ્યક્ત કરી હતી.
લુએ કહ્યું કે આનાથી અમેરિકા અને પાકિસ્તાનના સંબંધો પર અસર પડી શકે છે. ઈમરાન ખાનની રશિયા મુલાકાતથી લુ પણ નારાજ હતા. આ બેઠકમાં અમેરિકાએ પાકિસ્તાનને વચન આપ્યું હતું કે જો ઈમરાન ખાનને સત્તા પરથી હટાવવામાં આવશે તો અમેરિકા પાકિસ્તાન સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો જાળવી રાખશે અને જો તેમ નહીં કરે તો તે તેને અલગ કરી દેશે.












Click it and Unblock the Notifications
