ભારતને 2.32 અરબ ડોલરની મદદ કરશે જાપાન

આ મુદ્દે ટોકિયોમાં ભારતના વિદેશ મંત્રી સલમાન ખુરશીદ સાથે બેઠક યોજ્યા બાદ જાપાનના વિદેશ મંત્રી ફુમિયો કિશિદાએ જણાવ્યું કે "અમે ભારત સાથે ખૂબ ગાઢ સહકારી સંબંધો વિકસાવીને તેની સાથેની વૈશ્વિક ભાગીદારી અને વ્યૂહ રચનાને વધારે વિકસાવવા માંગીએ છીએ."
આ મુદ્દે મંગળવારે એક બેઠક મળી હતી. જેમાં કિશિદાએ ભારતને માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે 220 બિલિયન યેનની મદદ અને બારતની આર્થિક રાજધાની મુંબઇમાં સબવે પ્રોજેક્ટ કરવા માટે 71 બિલિયન યેન એટલે કે 753.17 મિલિયન અમેરિકન ડોલરની લોન આપવાની જાહેરાત કરી હતી.
આ મદદને સલમાન ખુર્શીદે આવકારી છે. તેમણે જણાવ્યું કે "આ પ્રકારની મદદ અમારી માળખાકીય સુવિધાઓને વધારવા માટે મદદરૂપ બનશે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શરૂ કરવામાં આવેલા દિલ્હી મેટ્રો રેલ પ્રોજેક્ટને કારણે લાખો ભારતીયોનું જીવન સુગમ બન્યું છે."
જાપાને આપેલી લોનમાં ચાર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે જેમાં નવી દિલ્હી અને મુંબઇને જોડતો રેલવે પ્રોજેક્ટ ઉપરાંત દક્ષિણ ભારતમાં સબવે પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બંને મંત્રીઓએ ભવિષ્યમાં હાઇ-સ્પીડ રેલવેની દિશમાં કામ કરવાની પણ ચર્ચા કરી હતી.
સલમાન ખુર્શીદે જણાવ્યું કે "જાપાન સાથે અમારું સુરક્ષા મુદ્દે યોગ્ય સહકાર ચાલી રહ્યો છે. આ વર્ષના આરંભમાં ભારતમાં જાપાનના મેરિટાઇમ સેલ્ફ ડિફેન્સ ફોર્સના વડા આવ્યા હતા. હવે ભારતના સુરક્ષા પ્રધાન વર્ષના અંતમાં જાપાનની મુલાકાત લેશે."
બંને દેશોના સિવિલ ન્યુક્લિયર એનર્જી કોર્પોરેશન વચ્ચે થયેલા દ્વિપક્ષીય ન્યુક્લિયર એનર્જી પ્રોજેક્ટ અંગે પણ કામ કરવાની સહમતી દર્શાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
