For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાનના કબજા બાદ અફઘાનોને 'ઉપર આભ, નીચે ધરતી', શરણાર્થીઓ જાય તો જાય ક્યાં?

તાલિબાનના કબજા બાદ અફઘાનોને 'ઉપર આભ, નીચે ધરતી', શરણાર્થીઓ જાય તો જાય ક્યાં?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
અફઘાનિસ્તાન

વિશ્વભરના અનેક નેતાઓએ અફઘાનિસ્તાન છોડવા માટે ઉતાવળા બનેલા નાગરિકોને મદદ કરવાનો વાયદો કર્યો છે, પરંતુ એવું લાગે છે કે તેમની મુશ્કેલીઓ વધી રહી છે.

ત્યારે એક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે અફઘાન શરણાર્થીઓની મદદ કરવા માટે હાલ દુનિયામાં શું થઈ રહ્યું છે ? શું વિશ્વ પર અપ્રવાસીઓનું સંકટ તોળાઈ રહ્યું છે?

ઉપર-ઉપરથી જોવામાં આવે તો અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચેની વ્યસ્ત સરહદ પર સ્થિતિ સામાન્ય હોય તેમ જણાય છે, પરંતુ જરા ધ્યાનથી જોવામાં આવે તો ઘણુંબધું બદલાઈ ગયું છે.

થોડા દિવસ પહેલાં ગભરાયેલા સેંકડો અફઘાન નાગરિક સરહદી વિસ્તારમાં આવેલા તોર્ખમ શહેરમાં એકઠા થયા હતા, પરંતુ હાલમાં માત્ર વેપારીઓ તથા પ્રવાસ માટેના કાયદેસરના દસ્તાવેજ ધરાવનારાઓને જ સરહદ પાર કરવા માટે મંજૂરી આપવામાં આવી રહી છે.

અફઘાનિસ્તાન સાથેની સરહદ પર તહેનાત પાકિસ્તાની અધિકારીઓએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે પાકિસ્તાનમાં પ્રવેશવા માગનારાઓની તપાસ અગાઉ કરતાં વધુ સતર્કપણે કરવામાં આવી રહી છે.

શરણાર્થીઓ માટેના સંયુક્ત રાષ્ટ્રના હાઈકમિશનર (યુએનએચસીઆર)એ જણાવ્યું કે પહેલાંથી જ પાકિસ્તાનમાં 14 લાખ અફઘાન શરણાર્થી રહે છે, જે દાયકાઓથી અહીં વસવાટ કરે છે. વણનોંધાયેલા શરણાર્થીઓની સંખ્યાને પણ ધ્યાને લેવામાં આવે તો આ આંકડો બમણો થઈ જાય તેમ છે.


વધતી અડચણો

બાળકો

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ દુનિયાભરના દેશોને શરણાર્થી સંકટનો ભય સતાવવા લાગ્યો છે. આથી, તેમણે ઘટતાં પગલાં લેવાનું શરૂ કરી દીધું છે.

યુએનએચસીઆરના રિપૉર્ટ મુજબ, હાલ ઈરાનમાં સાત લાખ 80 હજાર અફઘાન નાગરિક કાયદેસર રીતે વસવાટ કરે છે. ઈરાને સરહદ પર તહેનાત અધિકારીઓને સૂચના આપી છેકે અફઘાન નાગરિકોને દેશની સીમામાં પ્રવેશવા દેવામાં ન આવે.

તુર્કીમાં સીરિયાના 36 લાખ નોંધાયેલા શરણાર્થી વસવાટ કરી રહ્યા છે, જ્યારે ત્રણ લાખ 20 હજાર જેટલા શરણાર્થી અન્ય દેશોના છે. લાંબા સમયથી ઈરાનના રસ્તે અફઘાન શરણાર્થીઓ તુર્કીમાં પ્રવેશી રહ્યા છે, જેના કારણે તુર્કી ત્રસ્ત છે.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપે અર્દોઆને ઈરાન સાથેની સરહદ પર દીવાલ ઊભી કરવાની જાહેરાત કરી છે. છેલ્લાં અમુક અઠવાડિયાં દરમિયાન સેંકડો અફઘાનો આ રસ્તેથી દેશમાં ઘૂસ્યા હોવાનો સરકારનો દાવો છે.


મદદ માટેના પ્રયાસ

https://www.youtube.com/watch?v=w0eRFBTqd_Y

ગત 20 વર્ષ દરમિયાન અમેરિકા તથા અનેક યુરોપિયન દેશોએ અફઘાનિસ્તાન ખાતેના સૈન્ય-અભિયાન દરમિયાન સ્થાનિક દુભાષિયા, અનુવાદકો તથા અન્ય સ્ટાફને નોકરીએ રાખ્યા હતા. કાબુલ પર તાલિબાનોના કબજાની વચ્ચે સ્થાનિક અફઘાન સ્ટાફને સલામત રીતે બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

અમેરિકા દ્વારા આ હેતુસર 26 હજાર કરતાં વધુ વિશેષ અપ્રવાસી વિઝા (એસઆઈવી) બહાર પાડવામાં આવ્યા છે, જેથી કરીને તેમને મદદ કરનારા અફઘાનો તથા તેમના પરિવારજનોને અમેરિકા લઈ જઈ શકાય.

અમેરિકાનાં નાયબ વિદેશમંત્રી વૅંડી શરમને બુધવારે જણાવ્યું હતું કે અમેરિકાનાં સૈન્યવિમાનોએ ગત 24 કલાક દરમિયાન લગભગ બે હજાર લોકોને અફઘાનિસ્તાનની બહાર કાઢ્યા હતા.

તેમણે ઉમેર્યું હતું કે તાલિબાનોના સાર્વજનિક નિવેદનથી વિપરીત દેશની બહાર જવા માગતા અફઘાનોને ઍરપૉર્ટ પર અટકાવવામાં આવી રહ્યા છે.

અમેરિકાની વિનંતીને ધ્યાને લઈને યુગાન્ડાએ બે હજાર અફઘાન શરણાર્થીઓને સ્વીકારવાની તૈયારી દાખવી છે.

દરમિયાન કૅનેડાએ જાહેરાત કરી છે કે તાલિબાનોના વેરથી બચાવવા માટે તે 20 હજાર મહિલા નેતા, માનવાધિકાર કાર્યકર્તા તથા પત્રકારોને આશરો આપશે.

બ્રિટને પણ જાહેરાત કરી છે કે આગામી પાંચ વર્ષ દરમિયાન તે 20 હજાર લોકોને વસવાટની મંજૂરી આપશે. જે હેઠળ પહેલા વર્ષે પાંચ હજાર શરણાર્થીઓનું આગમન થશે.

બુધવારે અફઘાન શરણાર્થીઓ સાથેની પહેલી ફ્લાઇટ ઉઝબેકિસ્તાનથી જર્મની પહોંચી હતી. ચાન્સેલર ઍન્ગલા મર્કેલે કહ્યું હતું કે 10 હજાર લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની જરૂર છે. જેમાં જર્મનો સાથે કામ કરનારા કર્મચારી, માનવઅધિકાર-કાર્યકર્તા, વકીલ તથા જીવ પર જોખમ ધરાવનારા અન્યો લોકોનો પણ સમાવેશ થાય છે.

યુરોપિયન સંઘના અન્ય નેતાઓએ અફઘાનિસ્તાનની તાજેતરની સ્થિતિને પગલે યુરોપમાં મોટા પાયે ઇમિગ્રેશન સંકટ ઊભું થવાની આશંકા વ્યક્ત કરી છે.

સોમવારે એક ટીવી જાહેરાતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુઅલ મૈક્રોએ કહ્યું છે કે યુરોપના દેશોએ "ઇમિગ્રન્ટના મોટા અને અનિયમિત પ્રવાહથી ખુદને બચાવવા તથા તેમની સંખ્યાનો તાગ મેળવવા માટે પ્રયાસ કરવા જોઈએ."

મૈક્રોએ કહ્યું હતું કે, "વધુ એક ભાર એકલું યુરોપ ઉઠાવી શકે તેમ નથી."


'લોકોને સલામત લાવો'

અફઘાનીઓને અટકાવવા માટે ઈરાન સાથેની સરહદ પર તુર્કીએ દીવાલ બનાવી છે

અફઘાન સંકટ વિશે પશ્ચિમી દેશોનું વલણ અગાઉથી જ ટીકાનો સામનો કરી રહ્યું છે. આલોચકોનું કહેવું છે કે સંકટના સમયે પશ્ચિમી દેશો અફઘાનોને પૂરતી મદદ નથી કરી રહ્યા.

શરણાર્થીઓ માટે કામ કરતાં ઍલીના લ્યાપિનાનું કહેવું છે કે તેમની સરકાર અફઘાનીઓને મદદ કરવામાં નિષ્ફળ રહી છે. તેઓ બર્લિન ખાતે એક વિરોધપ્રદર્શનમાં પણ સામેલ થયાં અને માગ કરી કે જર્મન સરકારે વધુ સંખ્યામાં શરણાર્થીઓને આમંત્રિત કરવા જોઈએ.

ઍલીનાએ ન્યૂઝ એજન્સી રૉઇટર્સ સાથે વાત કરતાં કહ્યું, "અમે સંકટમાં પડેલા અફઘાનોને તત્કાળ ઍરલિફ્ટથી જર્મની લાવવાની માગ કરીએ છીએ."

હજુ થોડા સમય પહેલાં સુધી અનેક પશ્ચિમી દેશો અફઘાનિસ્તાનમાંથી અન્ય દેશમાં રહેવા જતા રહેલા લોકોને વતન પરત મોકલવા માટે ઉડાન ઑપરેટ કરી રહ્યા હતા.

બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં શરણાર્થીઓ માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘના હાઈકમિશનર ફિલિપો ગ્રાન્ડીએ આહ્વાન કર્યું છે કે અફઘાનોને તેમના દેશમાં પરત મોકલવાના અભિયાનને અટકાવી દેવામાં આવે.

ગ્રાન્ડીએ અફઘાનિસ્તાનના પાડોશી દેશો વિશેષ કરીને ઈરાન તથા પાકિસ્તાનને અપીલ કરી છે કે જોખમ સામે ઝઝૂમી રહેલા અફઘાનોને બચાવવા માટે સીમાઓ ખોલી દેવામાં આવે.


'તત્કાળ મદદ'

જોકે, ફિલિપો ગ્રાન્ડીએ સ્વીકાર્યું હતું કે બંને દેશ લાંબા સમયથી અફઘાનોને આશ્રય આપી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે શરણાર્થી સમસ્યાને પહોંચી વળવા માટે આ દેશોને કદાચ મોટા પાયે આર્થિક તથા ખાદ્યાન્ન મદદની જરૂર પડશે.

લાંબા સમય સુધી આ સંકટને દૂર કરવા માટે મોટા પાયે પુનર્વસન અભિયાનની જરૂર પડી શકે છે. એમણે આશંકા વ્યક્ત કરી હતી કે અફઘાનીઓને બહાર જવા માટે મંજૂરી નથી અપાઈ રહી, એટલે મોટા પાયે પ્રવાસી સંકટ ઊભું થઈ શકે છે.

શરણાર્થીઓના માટે સંયુક્ત રાષ્ટ્ર ઉચ્ચાયુક્ત ફિલિપો ગ્રાન્ડીએ સંદેહ વ્યક્ત કર્યો છે કે કોઈ પ્રવાસી સંકટ ઊભું થશે

તેમણે વધુમાં કહ્યું, "આપણે એ વાત યાદ રાખવી ઘટે કે અફઘાનિસ્તાનની અંદર જ લગભગ 30 લાખ લોકો વિસ્થાપિત છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન લાખો લોકો વિસ્થાપિત થયા છે, જેમને તત્કાળ મદદ કરવાની જરૂર છે."

ગ્રાન્ડીના કહેવા પ્રમાણે, "અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપ છતાં સ્થિતિને સામાન્ય બનાવવા માટે પ્રયાસ કરી રહેલી માનવતાવાદી સંસ્થાઓની મદદ કરવી જરૂરી છે. કારણ કે મોટા ભાગના લોકો માટે આ જ એકમાત્ર આશરો બની હશે."


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર
કોરોના વાઇરસ ફર્નિચર

https://www.youtube.com/watch?v=4vkglL_5FLY

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
its become hard for refugees after the taliban occupied afghanistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X