લીબિયામાં ડેનિયલ વાવાઝોડાએ વેર્યો વિનાશ, 2000 લોકોના મોત, હજારો ગુમ
Libya Storm Daniel News Update: ડેનિયલ વાવાઝોડાએ લીબિયાના પૂર્વ ભાગમાં તબાહી મચાવી છે. હરિકેન ડેનિયલના કારણે આવેલા વિનાશક પૂરમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. લિબિયન ન્યૂઝ એજન્સી અનુસાર, લિબિયાના વડા પ્રધાન ઓસામા હમાદે સોમવારે મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી.
હજારો લોકો ગુમ થવાની આશંકા છે. વડાપ્રધાન ઓસામા હમાદે કહ્યું છે કે પૂર્વીય શહેર ડેરનામાં 2,000થી વધુ લોકો માર્યા ગયાની આશંકા છે અને હજારો લોકો ગુમ છે.

વડાપ્રધાને લીબિયામાં ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે. આ સમયગાળા દરમિયાન દેશભરમાં રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ઉતારવાના આદેશો પણ આપવામાં આવ્યા છે. વડાપ્રધાન ઓસામા હમાદે કહ્યું છે કે મુશળધાર વરસાદને કારણે તેમના હજારો રહેવાસીઓ દરિયામાં વહી ગયા છે. તેમણે કહ્યું કે હાલમાં લીબિયામાં સ્થિતિ ભયાનક છે.
સોશિયલ મીડિયા પરના વીડિયોમાં પાણીમાં ડૂબી ગયેલી કાર, ધરાશાયી થયેલી ઈમારતો અને રસ્તાઓ પર વહેતું પાણી દેખાય છે. હરિકેન ડેનિયલ સમગ્ર પ્રદેશમાં ત્રાટકી ગયું છે અને દરિયાકાંઠાના કેટલાંક નગરોમાં ઘરોને નષ્ટ કરી દીધા છે. તેમજ બે જુના ડેમ તૂટવાથી ડેરણા શહેર સંપૂર્ણ નાશ પામ્યું છે.
આ સિવાય બાયડાના મેડિકલ સેન્ટર દ્વારા ફેસબુક પર અપલોડ કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પૂર્વીય શહેર બાયડામાં મોટા વાવાઝોડાને કારણે પૂરના કારણે હોસ્પિટલોને ખાલી કરાવવામાં આવી હતી.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વરસાદ ખૂબ જ મજબૂત નીચા દબાણની સિસ્ટમનું પરિણામ છે, જેને દક્ષિણપૂર્વ યુરોપના રાષ્ટ્રીય હવામાન સંસ્થાઓ દ્વારા સત્તાવાર રીતે 'હરિકેન ડેનિયલ' નામ આપવામાં આવ્યું છે. ગયા અઠવાડિયે, હરિકેન ડેનિયલ ભૂમધ્ય સમુદ્રમાં આગળ વધતા પહેલા ગ્રીસમાં તબાહી મચાવી હતી.












Click it and Unblock the Notifications
