મેડાગાસ્કર સ્ટેડિયમમાં મચી ભાગદોડ, 12 લોકોના મોત, 80થી વધુ ઘાયલ
વિશ્વના ચોથા સૌથી મોટા ટાપુ મેડાગાસ્કરની રાજધાની એન્ટાનાનારિવોમાં શુક્રવારે એક દર્દનાક અકસ્માત થયો. કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સના ઉદ્ઘાટન સમારોહ દરમિયાન મેડાગાસ્કરના નેશનલ સ્ટેડિયમમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહેલા રમતપ્રેમીઓમાં નાસભાગ મચી ગઈ હતી.
આ ઘટનામાં 12 લોકોના મોત થયા હતા, જ્યારે 80 જેટલા લોકો ઘાયલ થયા હતા. તમામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વડા પ્રધાન ક્રિશ્ચિયન નટસેના જણાવ્યા અનુસાર ઘાયલોમાંથી 11ની હાલત ગંભીર છે. રાષ્ટ્રપતિએ શોક વ્યક્ત કર્યો હતો.

રાષ્ટ્રપતિ એન્ડ્રે રાજોએલીનાએ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિએ સ્ટેડિયમમાં હાજર લોકોને મૌન પાળવાની અપીલ કરી હતી. તે જ સમયે, તેમણે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી અને કહ્યું કે આ ઘટનામાં ઘણા લોકો ઘાયલ થયા છે. મૌન પછી વિધિ ચાલુ રહી. જો કે, સ્ટેડિયમમાં નાસભાગનું કારણ શું હતું તેની પુષ્ટિ થઈ શકી નથી.
તમને જણાવી દઈએ કે 4 વર્ષ પહેલા એટલે કે 2019માં પણ મેડાગાસ્કરના મહામાસિના સ્ટેડિયમમાં આવો જ એક મામલો સામે આવ્યો હતો. તે દરમિયાન લગભગ 15 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ઇન્ડિયન ઓશન આઇલેન્ડ ગેમ્સ એ બહુ-શાખાકીય સ્પર્ધા છે, જે 3 સપ્ટેમ્બર સુધી મેડાગાસ્કરમાં યોજાશે. ઉદઘાટન સમારોહમાં હાજર રહેલા મેડાગાસ્કરના પ્રમુખ એન્ડ્રી રાજોએલીનાએ અકસ્માતમાં માર્યા ગયેલા લોકો માટે એક મિનિટનું મૌન પાળીને કાર્યક્રમને ખુલ્લો મુક્યો હતો.
ઈન્ડિયન ઓશન આઈલેન્ડ ગેમ્સની રચના ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી દ્વારા વર્ષ 1977માં કરવામાં આવી હતી. તેમાં મોરેશિયસ, સેશેલ્સ, કોમોરોસ, મેડાગાસ્કર, મેયોટ, રિયુનિયન અને માલદીવના એથ્લેટ્સનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
