• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઓમિક્રૉન : વૅક્સિન લીધી હોવા છતાં કોરોના વાઇરસનો ચેપ કેમ લાગે છે?

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

વિશ્વ ઉપર કોવિડ-19નો કેર વર્તાયો તેને બે વર્ષ કરતાં વધુ સમય વીતી ગયો છે, છતાં હજુ તે નિત્યનવા પડકારો ઊભા કરી રહ્યો છે. ભારત સામે ઓમિક્રૉન વૅરિયન્ટનું જોખમ તોળાઈ રહ્યું છે.

અમેરિકા, બ્રિટન તથા ફ્રાન્સ જેવા દેશોમાં ડેલ્ટા તથા ઓમિક્રૉન વૅરિયન્ટને કારણે રેકૉર્ડ સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યા છે. બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જોનસન સાર્વજનિક રીતે કહી ચૂક્યા છે કે નવી લહેરમાં હૉસ્પિટલો ઉપર 'દબાણ' ઊભું થશે.

વિજ્ઞાનીઓ, તબીબો તથા આરોગ્યજગત સાથે સંકળાયેલા લોકો વિશ્વભરમાં માન્યતા પ્રાપ્ત વૅક્સિનો ઉપર આધાર રાખી રહ્યા છે અને તેની તાકતને ઓળખવાનો આગ્રહ કરી રહ્યા છે.

જોકે, વૅક્સિન લેવા છતાં લોકોને કોરોનાનો ચેપ લાગી રહ્યો છે, એટલે વધુ એક વખત સોશિયલ મીડિયા ઉપર રસીની જરૂર તથા તેની અસરકારકતા ઉપર સવાલ ઊભા કરાઈ રહ્યા છે.

સરકારો દ્વારા વૅક્સિન લેવા માટે શા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તથા તેની આડઅસરો પણ ચર્ચામાં છે.


વૅક્સિનની અસર અને આડઅસર

https://www.youtube.com/watch?v=m7HyB91-1mU

અત્યાર સુધી નોંધાયેલી વૅક્સિનની આડઅસરો બહુ સામાન્ય તથા અમુક દિવસોમાં દૂર થઈ જાય તેવી છે.

જે મુખ્ય સમસ્યાઓ નોંધાઈ છે, તેમાં ઇન્જેક્શનના સ્થાને લાલાશ કે દુખાવો, તાવ, માથાનો દુખાવો, થકાવટ, સ્નાયુઓમાં દુખાવો તથા ઉબકાનો સમાવેશ થાય છે.

લોહીમાં ગાંઠો જામવી, હૃદય ઉપર સોજો, વગેરે જેવી સમસ્યાઓને ગંભીર આડઅસરો માનવામાં આવ છે, આમ છતાં વૅક્સિનના જે સકારાત્મક લાભો છે, તે આડઅસરો કરતાં વધુ છે.

વૅક્સિનની અસરકારકતા તથા રસીકરણ છતાં શા માટે કોરોનાનો ચેપ લાગે છે તેના વિશે બીબીસી બ્રાઝિલના સંવાદદાતા આંદ્રે બિરનાથ સાથે વાત કરતાં ચેપીરોગોના નિષ્ણાત તથા બ્રાઝિલિયન સોસાયટી ઑફ ઇમ્યુનાઇઝેશન રેનાતો ક્ફોરીએ જણાવ્યું હતું કે કોરોના સામે લડવા માટે ફાઇઝર, ઍસ્ટ્રાઝેનેકા, જાનસેન તથા કોરોનાવૅક સહિતની રસીઓનો મુખ્ય હેતુ બીમારીને ઘાતક બનતા અટકાવવાનો છે, જેથી કરીને હૉસ્પિટલમાં દાખલ ન કરવા પડે અથવા તો દર્દીનું મૃત્યુ ન થાય.

રસીકરણનો મુખ્ય હેતુ કોરોનાનો પ્રસાર અટકાવવાનો નથી, પરંતુ શરીરમાં તેની અસરોને ઘાતક બનતી અટકાવવાનો છે. ખાસ કરીને સામાન્ય, એસિમ્પ્ટોમૅટિક કે હળવા લક્ષણો સામે તે રક્ષણ આપે છે.

દાયકાઓથી ફ્લૂ આપણી આસપાસ છે અને તેના રસીકરણ પાછળ પણ આ હેતુ જ છે. દર વર્ષે ઇન્ફ્લુએન્ઝા વાઇરસને અટકાવવા માટેનો ડોઝ આપવામાં આવે છે. તેનાથી વાઇરસનો ચેપ ન લાગે તેવું જરૂરી નથી, પરંતુ બાળકો, સગર્ભા મહિલા અને વૃદ્ધો જેવા સંવેદનશીલ વર્ગને સુરક્ષા પૂરી પાડે છે.


આરોગ્યનું 'બિગ પિકચર'

કોરોનાની રસી

જો બૃહદ ચિત્ર ઉપર નજર કરીએ તો વૅક્સિનેશનની સીધી અસર સમગ્ર આરોગ્યવ્યવસ્થા ઉપર પડે છે. તેનાથી શ્વાસની ગંભીર અને જટિલ બીમારીઓ નથી થતી. જેનો મતલબ છે કે આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ) તથા હૉસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ રહે. સાથે જ તબીબીજગત પાસે બીમારોની સારવાર કરવા માટે પૂરતો સમય રહે છે.

કૉમનવેલ્થ ફંડના અનુમાન મુજબ, રસીકરણને કારણે (નવેમ્બર-2021ની સ્થિતિ મુજબ) એકલા અમેરિકામાં 11 લાખ લોકોને મૃત્યુના મુખમાંથી ઉગારી શકાયા હતા અને એક કરોડ ત્રણ લાખ લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી ન હતી.

યુરોપિયન સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શન તથા વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના અનુમાન પ્રમાણે, ઉત્તર તથા દક્ષિણ અમેરિકા ખંડમાં 33 દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના ચાર લાખ 70 હજાર વૃદ્ધોના જીવ બચાવી શકાયા હતા.


ચેપનાં ત્રણ કારણ

https://www.youtube.com/watch?v=F81yg9MjJ10

વૅક્સિન લીધી હોય તેવા લોકોને ચેપ લાગવાની તથા ફરીથી બીમારને પણ ફરીથી ચેપ લાગવાની ઘટનાઓ તાજેતરના સમયમાં વધી છે. જેના માટે મુખ્ય ત્રણ કારણોને જવાબદાર ગણાવી શકાય.

તહેવારો તથા નવવર્ષના સમયમાં લોકોની અવરજવર અને બેપરવાહી વધી ગઈ હતી. આવા સામૂહિક મેળાવડા તથા લાપરવાહીને કારણે ચેપ લાગવાની શક્યતા વધી જાય છે.

બીજું કે છેલ્લા લગભગ એક વર્ષથી દુનિયાના અનેક દેશોમાં કોરોનાની વૅક્સિન ઉપલબ્ધ બની છે, છતાં દરેક જગ્યાએ નિષ્ણાતોના અભ્યાસમાં તારણ બહાર આવ્યું છેકે કોરોના વૅક્સિનની અસર હંમેશાને માટે નથી રહેતી. ક્ફોરીના કહેવા પ્રમાણે :

"આપણે જોયું છે કે સમય સાથે રક્ષણ ઘટે છે. વૅક્સિનના પ્રકાર તથા તેને લેનાર વ્યક્તિની ઉંમર તથા વૅક્સિન લીધાના સમયને આધારે તે વધુ ઓછા પ્રમાણમાં હોય શકે છે."

તેઓ ઉમેરે છે કે, "એટલે જ આપણે પહેલાં વૃદ્ધોને અને પછી જેમની રોગપ્રતિકારક ક્ષમતા ઓછી હોય તેવા લોકોને ત્રીજો ડોઝ આપવાની જરૂર જણાય છે."

ત્રીજું પરિબળ ઓમિક્રૉન વાઇરસનું છે. જે વધુ ચેપી છે તથા વૅક્સિન કે અગાઉની બીમારીને કારણે શરીરમાં પેદા થયેલી રોગપ્રતિકારક ક્ષમતાને થાપ આપી શકે છે.

તેઓ ઉમેરે છે, "વૅક્સિન લેવા છતાં ચેપ લાગવો સામાન્ય બાબત છે અને આપણે આ તથ્યને સ્વીકારવું જ રહ્યું. આપણે કોરોનાવાઇરસની સાથે જીવતા શીખવાનું છે. જેમણે વૅક્સિન લીધી છે, તેમનામાં તાજેતરની લહેર દરમિયાન હૉસ્પિટલમાં દાખલ કરવાની કે મૃત્યુની સંભાવના ઘટવા પામી છે. બીજા શબ્દોમાં કહીએ તો વૅક્સિન આપણે કોરોનાની ઘાતક અસરોથી બચાવે છે."

વૅક્સિન લેવા છતાં બીમારી થવાની જ છે, તો વૅક્સિન શા માટે લેવી?તેવો વિચાર ન કરવો જોઈએ, કારણ કે તે કોરોનાને સામાન્ય બીમારીમાં ફેરવી નાખે છે, જેની સારવાર મહદંશે ઘરે જ થઈ શકે છે. બાળકો સહિતના વર્ગમાં વ્યાપક રસીકરણ તથા હાથ ધોવા, સામાજિક અંતર જાળવવું અને માસ્ક જેવી સામાન્ય કાળજી દ્વારા જ આપણે આ બીમારીને દૂર રાખી શકીશું.https://www.youtube.com/watch?v=Jf5wMlrmk5w

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Omicron: Why do you get infected with corona virus even though you have been vaccinated?
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X