Pakistan Economic Crisis : પાકિસ્તાનની આર્થિક સ્થિતિ કથળી, 8 કલાકે દેશ થશે શટડાઉન
Pakistan Economic Crisis : પાકિસ્તાનમાં આર્થિક સંકટને કારણે પરિસ્થિતિ સતત કથળી રહી છે. જે કારણે શહબાજ શરીફની સરકારે રાત્રે 8 કલાકે પાકિસ્તાનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે.
શાહબાજ સરકારના આ નિર્ણયને કારણે, રાતના 8 કલાક પછી તમામ દુકાનો, બજારો અને મોલ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. પાકિસ્તાનમાં આ નિર્ણયને કારણે રોષ જોવા મળી રહ્યો છે.

પાકિસ્તાન સરકારે વીજળી બચાવવા માટે નિર્ણય લીધો છે, જે અંતર્ગત તમામ બજારો અને વ્યાપારી કેન્દ્રો રાત્રે 8 કલાકે બંધ રહેશે.
પાકિસ્તાનના વેપારીઓએ સરકારના આ નિર્ણયને તરત જ નકારી કાઢ્યો અને જણાવ્યું હતું કે, પીક ટાઇમ રાત્રે 8 વાગ્યાથી શરૂ થાય છે.
આ મહિને પાકિસ્તાન ડિફોલ્ટ થવાની સંભાવના છે, ત્યારે દેશની આર્થિક કટોકટી વચ્ચે દરરોજ રાત્રે 8 કલાકે પાકિસ્તાનને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાન પાસે ઈંધણ ખરીદવા માટે ડોલર પૂરા થઈ ગયા છે, તેથી સરકારે ઈંધણ બચાવવા માટે દરરોજ રાત્રે 8 વાગ્યા બાદ પાકિસ્તાન બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ડોનના અહેવાલ મુજબ, મંગળવારે વડાપ્રધાન શેહબાઝ શરીફની અધ્યક્ષતામાં થયેલી બે બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાનની નેશનલ ઈકોનોમિક કાઉન્સિલની બેઠક બાદ પાકિસ્તાનના આયોજન મંત્રી અહેસાન ઈકબાલે મીડિયાને જણાવ્યું હતું કે, પ્રાંતો 1 જુલાઈથી બજાર વહેલા બંધ કરવા માટે સંમત થયા છે.
પાકિસ્તાની મંત્રીએ જણાવ્યું હતું કે, સરકાર માને છે કે, આમ કરવાથી દેશ દર વર્ષે 1 અબજ ડોલરની બચત કરી શકે છે. ગયા વર્ષે પણ પાકિસ્તાન સરકારે રાત્રે 8 વાગ્યાથી બજાર બંધ કરવાનો નિર્ણય લીધો હતો, જેને દેશના વેપારીઓએ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો.
વેપારીઓએ આ વખતે પણ બંધ કરવાનો ઇન્કાર કરી દીધો છે. ઓલ પાકિસ્તાન અંજુમન-એ-તાજીરાનના પ્રમુખ અજમલ બલોચે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, અમે વર્તમાન સિઝનમાં રાત્રે 8 કલાકે અમારી દુકાનો બંધ કરીશું નહીં.
તેમણે જણાવ્યું હતું કે, સરકારે ભૂતકાળમાં પણ આવા પ્રયાસો કર્યા છે, જે નિષ્ફળ રહ્યા છે અને આ વખતે પણ આ નિર્ણય નિષ્ફળ સાબિત થશે.
ઉનાળામાં ખરીદી માટે લોકો દિવસના સમયે ભાગ્યે જ ઘરની બહાર નીકળે છે અને આ દિવસોમાં સૌથી વધુ ખરીદીનો સમય રાત્રે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીનો છે, એમ તેમણે દલીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, શું દેશની અર્થવ્યવસ્થાના ખર્ચે ઉર્જાની બચત કરવી એ યોગ્ય નિર્ણય છે?" આશ્ચર્ય વ્યક્ત કરતા તેમણે ઉર્જા મંત્રીને આ બાબતે વેપારીઓ સાથે વાતચીત કરવા જણાવ્યું છે.
બીજી તરફ પાકિસ્તાનના આયોજન મંત્રીએ જણાવ્યું હતું કે, સાઉદી અરેબિયાએ તેલના ઉત્પાદનમાં 10 લાખ બેરલનો ઘટાડો કર્યો છે, જેનાથી તેલની કિંમતો 100 ડોલર પ્રતિ બેરલ થવાની ધમકી આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો પાકિસ્તાન તેની ઉર્જા જરૂરિયાતો માટે અશ્મિભૂત ઇંધણ અને તેલ પર નિર્ભર રહેશે તો આપણી અર્થવ્યવસ્થા સંવેદનશીલ રહેશે.
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને આ મહિને 6 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે, પરંતુ દેશ પાસે માત્ર 4 અબજ ડોલરનું જ વિદેશી મુદ્રા ભંડાર છે. જો 2 બિલિયન ડોલરની IMF લોન પરના કરારને અંતિમ સ્વરૂપ આપવામાં નહીં આવે, જે ખૂબ જ અસંભવિત છે, તો પાકિસ્તાન ડિફોલ્ટ થશે.












Click it and Unblock the Notifications
