આ બે પત્રકારોને પ્રદર્શનનું કવરેજ કરવા બદલ મળી તાલિબાની સજા
અફઘાનિસ્તાન ફરી 20 વર્ષ પાછળ ધકેલાઇ ગયું હોય તેમ જણાઇ રહ્યું છે. તાલિબાન શાસન બાદ બધું બદલાઈ ગયું છે. હવે અફઘાનિસ્તાનમાં સત્ય દેખાડવા બદલ નિર્દયતાથી મારવામાં આવે છે. પ્રદર્શન પર ગોળીઓ ચલાવવામાં આવે છે.
કાબુલ : અફઘાનિસ્તાન ફરી 20 વર્ષ પાછળ ધકેલાઇ ગયું હોય તેમ જણાઇ રહ્યું છે. તાલિબાન શાસન બાદ બધું બદલાઈ ગયું છે. હવે અફઘાનિસ્તાનમાં સત્ય દેખાડવા બદલ નિર્દયતાથી મારવામાં આવે છે. પ્રદર્શન પર ગોળીઓ ચલાવવામાં આવે છે. આવી જ એક તસવીર અમેરિકન પત્રકાર માર્કસ યમ દ્વારા બતાવવામાં આવી છે, જેમાં બે પત્રકારોને ભારે યાતનાઓ સહન કરવો પડી હતી, જેમાં તેમના શરીર પર લોહીના ગંઠા દેખાય છે. આ ફોટો પોસ્ટ કરતા યમે લખ્યું કે, પ્રદર્શનનું કવરેજ કર્યા બાદ પત્રકારોને તાલિબાનના ત્રાસમાંથી પસાર થવું પડી રહ્યું છે.

પાકિસ્તાન અને તાલિબાન વચ્ચેનું જોડાણ હવે જગ જાહેર થઇ ગયું છે. અફઘાનિસ્તાનની ઘણી બાબતોમાં પાકિસ્તાનના હસ્તક્ષેપ બાદ હવે ત્યાં વિરોધ શરૂ થયો છે. મંગળવારના રોજ કાબુલના રસ્તાઓ પર મોટી સંખ્યામાં મહિલાઓએ પાકિસ્તાન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન તાલિબાનોએ પ્રદર્શનને કવરેજ કરતા પત્રકારો પર તબાહી મચાવી હતી. કેટલાક પત્રકારોને કસ્ટડીમાં લેવામાં આવ્યા અને ખરાબ રીતે માર મારવામાં આવ્યો, જે તેમના શરીર પર સ્પષ્ટ દેખાય છે. આ પરથી સ્પષ્ટપણે અંદાજ લગાવી શકાય છે કે, હવે તાલિબાની શાસનમાં સત્ય બતાવવા માટે શું સજા આપવામાં આવી રહી છે.
પત્રકારોની એક તસવીર ટ્વીટ કરીને અમેરિકન પત્રકાર માર્કસ યમે લખ્યું કે, 'દર્દનાક! નેમાત રોકડ અને તાકી દરિયાબી અફઘાન પત્રકારો કાબુલમાં મહિલાઓની રેલીનું રિપોર્ટિંગ કરતી વખતે અટકાયતમાં લીધા બાદ તાલિબાનનો ત્રાસ સહન કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનના ટોલો ન્યૂઝ અનુસાર તાલિબાને તેમના કેમેરાપર્સન વાહિદ અહમદીની અટકાયત કરી હતી અને તેમનો કેમેરો પણ જપ્ત કર્યો હતો. એવું જાણવા મળ્યું હતું કે, તાલિબાન સૈનિકોએ કેટલાક પત્રકારોને વિરોધ પ્રદર્શનનું કવરેજ કરતા અટકાવ્યા હતા. મહિલાઓનું પ્રદર્શન પંજશીર પ્રાંતમાં પાકિસ્તાની હસ્તક્ષેપ તેમજ જેટ દ્વારા હવાઈ હુમલા સામે કરવામાં આવી રહ્યું હતું.
પાકિસ્તાન સામે રોષ ફાટી નીકળ્યો
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન કરી રહ્યું છે, તેનાથી અફઘાનિસ્તાનના લોકોમાં ભારે રોષ છે અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પર પ્રતિબંધની સતત માંગ કરી રહ્યા છે. તાલિબાનના ડર વગર મહિલાઓએ આજેરાજધાની કાબુલમાં એક મોટી રેલીનું આયોજન કર્યું હતું. બીબીસીના એક રિપોર્ટરે રેલીનો વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં સેંકડો મહિલાઓ શેરીઓમાં આઝાદી અને સ્વતંત્રતાના અને પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવતી જોવા મળી રહી છે.
એવા અહેવાલો છે કે, આતંકવાદી સંગઠન તાલિબાન મહિલાઓની આ રેલીને લઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયું છે અને તેણે મહિલાઓની રેલી પર ગોળીબાર કરવાના આદેશો આપ્યા છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ રેલીને રોકવા માટે તાલિબાન દ્વારા ગોળીઓ ચલાવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
