જો બાઈડને જી20માં પીએમ મોદી સામે ઉઠાવ્યો હતો કેનેડામાં નિજ્જરની હત્યાનો મુદ્દોઃ રિપોર્ટ
India-Canada row: અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અને અન્ય નેતાઓએ દિલ્હીમાં G20 સમિટમાં ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કેનેડાના દાવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ફાઈનાન્શિયલ ટાઈમ્સે ગુરુવારે પોતાના અહેવાલમાં આવો દાવો કર્યો છે.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને G20માં પીએમ મોદી સાથે શીખ અલગતાવાદી ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો ઉઠાવ્યો હતો.

G20 સમિટમાં થયેલી ચર્ચાઓથી માહિતગાર ત્રણ લોકોને ટાંકીને અખબારે અહેવાલ આપ્યો છે કે ઈન્ટેલિજન્સ-શેરિંગ નેટવર્ક ફાઈવ આઈઝના કેટલાક સભ્યોએ જૂન 2023માં બ્રિટિશ કોલંબિયામાં હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો મુદ્દો પીએમ નરેન્દ્ર મોદી સમક્ષ ઉઠાવ્યો હતો.
અહેવાલ મુજબ, કેનેડાએ તેના સાથી દેશોને આ મામલો સીધો PM મોદી સાથે ઉઠાવવા વિનંતી કર્યા પછી નેતાઓએ G20 સમિટમાં હસ્તક્ષેપ કર્યો હતો.
અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવને ગુરુવારે અગાઉ કહ્યું હતું કે કેનેડામાં એક શીખ અલગતાવાદી નેતાની હત્યા અંગેના ઓટ્ટાવાના દાવા બાદ અમેરિકા ઉચ્ચ સ્તરે ભારતીયોના સંપર્કમાં છે અને વોશિંગ્ટન આ બાબતે ભારતને કોઈ "વિશેષ વ્યવસ્થા" આપશે નહીં. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે વ્હાઇટ હાઉસે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.
તમને જણાવી દઈએ કે G20 સમિટ 9 અને 10 સપ્ટેમ્બર 2023ના રોજ દિલ્હીમાં યોજાઈ હતી. G20 સમિટમાં PM નરેન્દ્ર મોદીએ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સમક્ષ અલગતાવાદી ખાલિસ્તાની નેતાઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. ભારત છોડ્યા બાદ 18 સપ્ટેમ્બરે કેનેડાની સંસદને સંબોધિત કરતી વખતે પીએમ જસ્ટિન ટ્રુડોએ કહ્યું હતું કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારના એજન્ટોનો હાથ હોઈ શકે છે. ત્યારથી કેનેડા અને ભારત વચ્ચેના સંબંધોમાં અંતર વધી ગયું છે.












Click it and Unblock the Notifications
