અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ
અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલી જાણીતી વાલેરો રિફાઇનરીમાં સોમવારે સાંજે એક પ્રચંડ વિસ્ફોટ થતા અફરાતફરી મચી ગઈ હતી. આ બ્લાસ્ટ બાદ રિફાઇનરીમાં ભીષણ આગ ફાટી નીકળી હતી, જેના કારણે આકાશમાં કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.
વૈશ્વિક સ્તરે ઈરાન-અમેરિકા વચ્ચે વધતા તણાવ દરમિયાન બનેલી આ ઘટનાએ સુરક્ષા એજન્સીઓમાં ચિંતા જગાવી છે. આ અકસ્માત બાદ સાવચેતીના ભાગરૂપે પોર્ટ આર્થર વિસ્તારના લોકોને ઘરોમાં જ રહેવા માટેનો આદેશ આપવામાં આવ્યો છે.

સ્થાનિક સત્તાધીશોના જણાવ્યા અનુસાર, રિફાઇનરીના ઔદ્યોગિક હીટરમાં ખામી સર્જાવાને કારણે આ મોટો ધડાકો થયો હોવાની આશંકા છે. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરોની દીવાલો અને બારીઓ પણ ધ્રુજી ઉઠી હતી.
વાલેરો રિફાઇનરીના મેનેજમેન્ટ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગ એક ચોક્કસ યુનિટમાં લાગી હતી. આ દુર્ઘટનામાં સદનસીબે તમામ કર્મચારીઓ સુરક્ષિત છે અને કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલ હાલમાં નથી.
પોલીસ વડાએ સુરક્ષાને ધ્યાનમાં રાખીને સ્ટેટ હાઈવે 82 અને 87 પરનો વાહનવ્યવહાર તાત્કાલિક અસરથી બંધ કરી દીધો છે. જ્યાં સુધી સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી મુખ્ય રસ્તાઓ પર પોલીસ તૈનાત રહેશે.
નોંધનીય છે કે વાલેરો વિશ્વની સૌથી મોટી સ્વતંત્ર રિફાઇનરી કંપની છે, જે દૈનિક 32 લાખ બેરલ ઓઈલ પ્રોસેસિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. આ કંપની અમેરિકા ઉપરાંત કેનેડા અને યુકેમાં પણ પોતાના પ્લાન્ટ્સ ચલાવે છે.












Click it and Unblock the Notifications
