બાંગ્લાદેશમાં આંદોલનકારીએ સરકારી ટીવી ચેનલની ઓફિસને આગ લગાવી
સરકારી નોકરીમાં અનામક સિસ્ટમને લઈને બાંગ્લાદેશમાં હિંસાનો માહોલ છે. હવે આ હિંસા એટલી ફેલાઈ છે કે પ્રદર્શનકારીઓએ સરકારી ટીવી ચેનલને આગ લગાવી દીધી છે.
બાંગ્લાદેશમાં સરકારી નોકરીઓમાં અનામતની પ્રણાલીમાં સુધારાની માંગ સાથે દેખાવકારોએ બાંગ્લાદેશની મુખ્ય સરકારી ટીવી ચેનલ BTVના મુખ્યાલયમાં આગ લગાવી દીધી.

અહેવાલો અનુસાર, BTVના હેડક્વાર્ટરમાં હાજર ઘણા લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. હેડક્વાર્ટરના એક કર્મચારીએ નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, સેંકડો પ્રદર્શનકારીઓ બીટીવી હેડક્વાર્ટરના પરિસરમાં ઘૂસી ગયા અને 60થી વધુ વાહનોને આગ ચાંપી દીધી.
આ સિવાય પ્રદર્શનકારીઓએ ઓફિસને આગ ચાંપી દીધી. આ દરમિયાન રાજધાની ઢાકાના એક વિસ્તારનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે પોલીસ અને પ્રદર્શનકારી વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ થઈ છે. પોલીસે વિદ્યાર્થીઓ પર ગોળીબાર કર્યો હોવાના પણ અહેવાલ છે.
આ હિંસક અથડામણમાં ઘણા વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે. અહેવાલો અનુસાર, ગુસ્સે ભરાયેલા વિદ્યાર્થીઓથી પોતાનો જીવ બચાવવા માટે પોલીસ કર્મચારીઓએ BTV હેડક્વાર્ટરમાં આશ્રય લીધો.
વિરોધીઓને આ અંગેની જાણ થઈ તો તેઓ બીટીવી હેડક્વાર્ટર પહોંચ્યા અને ત્યાં હંગામો મચાવ્યો અને ત્યાં આગ લગાડી દીધી. બીટીવીના વેરિફાઈડ ફેસબુક પેજ પરથી આ સંબંધમાં એક પોસ્ટ પણ કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ રહી છે.
કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકો હજુ પણ બિલ્ડિંગની અંદર ફસાયેલા છે અને તેમણે ફેસબુક પેજ દ્વારા ફાયર બ્રિગેડને ફોન કરવાની અપીલ પણ કરી છે.
જણાવી દઈએ કે, સિવિલ સર્વિસિસ રિક્રુટમેન્ટના નિયમોમાં ફેરફારની માંગ કરી રહેલા વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર પોલીસ દળે પોતાની કાર્યવાહી તેજ કરી દીધી છે.
સ્થિતિ કેટલી કાબૂ બહાર છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે દેખાવકારો અને પોલીસ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 22 લોકોના મોત થયા છે.
જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક અઠવાડિયાથી વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે, જેમાં વિદ્યાર્થીઓ ન્યાયી નિમણૂક પ્રક્રિયા સુનિશ્ચિત કરવા માટે સુધારાની માંગ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
