પતિએ પત્નીની જાણ બહાર તેના ખાતામાંથી 26 હજાર ડૉલર ઉપાડી લીધા, અમેરિકામાં પરિણીતા સાથે કરતો હતો મારઝૂડ
NRI News Gujarati: અમેરિકામાં રહેતા ગુજરાતી પરિવારમાં દહેજ માટે પત્નીને ત્રાસ આપતા પતિ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. પતિએ પત્નીને પ્રેગ્નેન્સી પ્લાનિંગ માટે રિપોર્ટ કરવાના નામે ભારત મોકલી દીધી અને બાદમાં પત્નીના ખાતામાંથી 26 હજાર ડૉલર ઉપાડી લીધા.
પૈસા ઉપાડી લીધા બાદ પતિએ કહી દીધુ કે મારે તારી સાથે સંબંધ રાખવો નથી. આટલુ કહીને તેણે વાતચીત બંધ કરી દીધી હતી. બીજી તરફ, સાસુ-સસરાએ પણ પરિણીતાને ઘરમાં આવવા ન દીધી અને કાઢી મૂકી. પરિણીતાએ સોલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

હાલમાં સોલામાં રહેતા ખ્યાતિબેન પટેલે વર્ષ 2016માં મહેસાણાના દેવર્ષી પટેલ સાથે લગ્ન કર્યા હતા. 2017માં ખ્યાતિબેન તેમના પતિ સાથે અમેરિકા ગયા. બંને એક જ કંપનીમાં નોકરી કરતા હતા. લગ્નના 6 મહિનામાં જ પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરુ થઈ ગયા.
દેવર્ષી પટેલ નાની-નાની વાતમાં ઝઘડો કરતો અને કહેતો કે હું તારો ગુલામ નથી અને તારા પિતાએ તને દહેજમાં કંઈ આપ્યુ નથી. તુ પિયરમાંથી પૈસા લઈ આવ, એમ કહીને મારઝૂડ કરતો. નણંદ પણ અમેરિકા રહેતી હોવાથી વારંવાર ઘરે આવતી ત્યારે ખ્યાતિબેન સાથે ઘરકામ બાબતે ઝઘડા કરતી. લગ્નના 7 વર્ષ પછી સંતાનના પ્લાનિંગ માટે ખ્યાતિબેને દેવર્ષીને કહ્યુ તો પરિણીતાના મેડિકલ રિપોર્ટ અમેરિકામાં કરાવ્યા.
દેવર્ષિએ પોતાના મેડિકલ રિપોર્ટ ભારત જઈને બંને સાથે મેડિકલ રિપોર્ટ કઢાવીશુ એમ કહીને વાત ટાળી દીધી. થોડા મહિના પછી પતિએ મેડિકલ રિપોર્ટના નામે ખ્યાતિબેનને ભારત મોકલી દીધી અને તે થોડા દિવસોમાં આવશે તેમ કહ્યુ.
ખ્યાતિબેન ભારત આવીને થોડા દિવસ પિયર રોકાઈ. જો કે, દેવર્ષીએ મારે તારે સાથે સંબંધ રાખવો નથી એમ કહીને પત્નીના ખાતામાંથી 26 હજાર ડૉલર ઉપાડી લીધા હતા. આ તરફ મહેસાણા ખાતે સાસુ સસરાએ ખ્યાતિબેનને ઘરમાં પ્રવેશવા ન દીધા અને કાઢી મૂક્યા. ખ્યાતિબેને સોલા પોલીસ સ્ટેશનમાં સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.












Click it and Unblock the Notifications
