કેનેડામાં ચોરીના આરોપમાં 5 ગુજરાતીઓની ધરપકડ, જાણો શું છે આરોપ?
કેનેડાના ઓન્ટારિયોમાં એક ચકચારી ઘટના સામે આવી છે, જેમાં અજેક્સ શહેરમાં આવેલા એમેઝોન ફુલફિલમેન્ટ સેન્ટરમાંથી આશરે 16 કરોડ (2 મિલિયન કેનેડિયન ડોલર)ની કિંમતનો માલ ચોરી કરવાના ગુનામાં પાંચ ગુજરાતી મૂળના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.

ડરહામ રિજનલ પોલીસ દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર, છેલ્લા બે વર્ષથી એમેઝોનના આ વેરહાઉસમાંથી કિંમતી સામાન ગુમ થઈ રહ્યો હતો. આ ચોરીના કાવતરામાં એમેઝોનના જ બે કર્મચારીઓ મુખ્ય સૂત્રધાર હતા, જેઓ અંદરથી માલ ચોરી કરીને બહાર મોકલતા હતા. બહારના ત્રણ સાગરીતો આ ચોરાયેલા માલને વેચવામાં મદદ કરતા હતા.
નવેમ્બર 2025માં પોલીસે આ મામલે સઘન તપાસ શરૂ કરી હતી. સતત વોચ રાખ્યા બાદ 15 ડિસેમ્બર 2025ના રોજ પોલીસે સૌપ્રથમ બે કર્મચારીઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ સ્કારબોરો વિસ્તારમાં સર્ચ વોરન્ટના આધારે દરોડા પાડવામાં આવતા અન્ય ત્રણ સાગરીતોને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
ધરપકડ કરાયેલા પાંચેય વ્યક્તિઓ ભારતીય મૂળના ગુજરાતી છે અને તેમની ઉંમર 28 થી 36 વર્ષની વચ્ચે છે. ન્યુમાર્કેટના 36 વર્ષીય મેહુલ બળદેવભાઈ પટેલ પર 5,000થી વધુની છેતરપિંડી અને ચોરીનો આરોપ છે. 31 વર્ષીય આશિષકુમાર સવાણી (સ્કારબરો) પર છેતરપિંડી, ચોરી તથા ગુનાહિત રીતે મેળવેલી મિલકતનું વેચાણ અને હેરાફેરીના આરોપો મુકાયા છે.
આ ઉપરાંત 28 વર્ષીય બંસરી સવાણી (સ્કારબરો) પર ગુનાહિત રીતે મેળવેલી મિલકત રાખવી અને ગુનાની કમાણી રાખવાનો આરોપ છે. સ્કારબરોના 29 વર્ષીય યશ ધામેલિયા અને 28 વર્ષીય જાનવીબેન ધામેલિયા બંને પર હેરાફેરીના હેતુથી ગુનાહિત મિલકત રાખવાનો આરોપ નોંધાયો છે.
પોલીસે જ્યારે સ્કારબોરો સ્થિત આરોપીઓના રહેઠાણો પર દરોડા પાડ્યા, ત્યારે આશરે 2 કરોડની કિંમતના ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણો અને 40 લાખ રોકડા જપ્ત કરવામાં આવ્યા હતા. આ ટોળકી વિરુદ્ધ અત્યાર સુધીમાં કુલ 12થી વધુ ગંભીર આરોપો નોંધવામાં આવ્યા છે.
કેનેડાના કાયદા મુજબ, જો આ આરોપીઓ પરના ગુના સાબિત થશે, તો તેમને લાંબા સમયની જેલની સજાનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત જો તેઓ ત્યાં કાયમી રહેવાસી કે નાગરિક નહીં હોય તો તેમને ભારત દેશનિકાલ (ડિપોર્ટ) કરવામાં આવે તેવી પણ પૂરેપૂરી શક્યતા છે. હાલમાં પોલીસ આ કેસમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ છે કે કેમ તે અંગે વધુ તપાસ કરી રહી છે.












Click it and Unblock the Notifications
