Asian games 2023 : હોકીમાં ભારતને વધુ એક ગોલ્ડ મેડલ, ફાઈનલમાં જાપાનને હરાવ્યુ
એશિયન ગેમ્સમાં ભારતની હોકી ટીમે ફરીથી પોતાનો દમ દેખાડ્યો છે. ભારતીય હોકી ટીમે જાપાનને હરાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. એશિયન ગેમ્સમાં હોકીમાં ભારતે ચોથી વખત ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
જણાવી દઈએ કે, ભારતે પ્રથમ વખત વર્ષ 1966માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ પછી 1998, 2014 અને હવે વર્ષ 2023માં ભારત ગોલ્ડ જીતવામાં સફળ રહ્યું છે. ભારતીય પુરૂષ હોકી ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન પોતાના પ્રદર્શનથી લોકોને પ્રભાવિત કર્યા છે.

આ એશિયન ગેમ્સમાં ભારતે એકપણ મેચ નથી ગુમાવી. ટૂર્નામેન્ટમાં કોઈ પણ ટીમ ભારતીય ટીમને હરાવી શકી નથી. ભારતીય ટીમ ફાઈનલ મેચમાં જાપાનને 5-1થી હરાવવામાં સફળ રહી અને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો.
ભારતે 2014માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. 9 વર્ષ બાદ ભારતના ખાતામાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે. ભારતની આ જીત બાદ ફેન્સ સોશિયલ મીડિયા પર ટીમને અભિનંદન આપી રહ્યા છે. ગોલ્ડ ઉપરાંત ભારતીય હોકી ટીમ સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીતવામાં પણ સફળ રહી છે.
ગોલ્ડ સિવાય ભારતે એશિયન ગેમ્સમાં 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994 અને 2002માં સિલ્વર મેડલ જીત્યા હતા. આ સિવાય 1986, 2010 અને 2018માં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા.
ભારત માટે મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ, કેપ્ટન હરમનપ્રીત સિંહ અને અભિષેક ફાઈનલ મેચમાં ગોલ કરવામાં સફળ રહ્યા. સમગ્ર મેચ દરમિયાન ભારતીય ખેલાડીઓ જાપાન પર હાવી રહ્યા અને જીત મેળવી.
એશિયન ગેમ્સમાં ભારતની સફર
પ્રથમ મેચ - ઉઝબેકિસ્તાનને 16-0થી હરાવ્યું
બીજી મેચ - સિંગાપોરને 16-1થી હરાવ્યું
ત્રીજી મેચ - જાપાનને 4-2થી હરાવ્યું
ચોથી મેચ - પાકિસ્તાનને 10-2થી હરાવ્યું
પાંચમી મેચ - બાંગ્લાદેશને 12-0થી હરાવ્યું
સેમિફાઇનલ - દક્ષિણ કોરિયાને 5-3થી હરાવ્યું
ફાઈનલ - જાપાનને 5-1થી હરાવ્યુ












Click it and Unblock the Notifications
