T20 વર્લ્ડ કપમાંથી બહાર થઈ શકે છે બાંગ્લાદેશ, જાણો કેમ?
T20 વર્લ્ડ કપ 2026ના આયોજન પૂર્વે ક્રિકેટ જગતમાં મોટો વિવાદ ઊભો થયો છે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) વચ્ચેનો તણાવ તેની ચરમસીમાએ પહોંચી ગયો છે. તાજેતરના અહેવાલો મુજબ ICCએ બાંગ્લાદેશને 21 જાન્યુઆરી 2026 સુધીનો અંતિમ સમય આપ્યો છે.

જો બાંગ્લાદેશ આ તારીખ સુધીમાં ભારતમાં રમવા માટે સહમત નહીં થાય, તો તેને પ્રતિષ્ઠિત T20 વર્લ્ડ કપમાંથી બહાર થવાનો વારો આવી શકે છે. આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે બાંગ્લાદેશી ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માંથી હટાવી દેવામાં આવ્યા હતા.
મુસ્તફિઝુરની બાદબાકીના વિરોધમાં અને ભારતીય ધરતી પર ખેલાડીઓની સુરક્ષાનો હવાલો આપીને, બાંગ્લાદેશે ભારતમાં રમવાનો ઇનકાર કર્યો હતો. તેમની મુખ્ય માંગણી હતી કે, તેમના વર્લ્ડ કપ મેચો શ્રીલંકા ખસેડવામાં આવે. જોકે, ICCએ સ્પષ્ટ કર્યું છે કે ભારતમાં ક્રિકેટરોની સુરક્ષાને કોઈ ખતરો નથી.
પોતાની વાત મનાવવા માટે બાંગ્લાદેશે ICC સમક્ષ એક અનોખો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. તેમણે સૂચન કર્યું કે તેમના ગ્રુપને આયર્લેન્ડના ગ્રુપ સાથે બદલી દેવાય, જેથી તેઓ પોતાની ગ્રુપ સ્ટેજની તમામ મેચો શ્રીલંકામાં રમી શકે.
પરંતુ ICCએ બાંગ્લાદેશની આ માંગણીને સદંતર ફગાવી દીધી. કાઉન્સિલનું માનવું છે કે ટિકિટ વેચાણના બે તબક્કા પૂરા થઈ ચૂક્યા છે, અને આટલા ટૂંકા સમયમાં મેચના સ્થળો બદલવા એ લોજિસ્ટિક્સની દ્રષ્ટિએ અશક્ય છે.
જો બાંગ્લાદેશ 21 જાન્યુઆરીની ડેડલાઇન સુધીમાં પોતાનો નિર્ણય નહીં બદલે તો વર્લ્ડ કપમાં તેની જગ્યાએ સ્કોટલેન્ડને સામેલ કરવામાં આવી શકે છે. વર્તમાન રેન્કિંગના આધારે, સ્કોટલેન્ડ આ રેસમાં સૌથી આગળ છે. આનો અર્થ એ છે કે બાંગ્લાદેશની આ કડક નીતિ તેને એક પણ મેચ રમ્યા વિના જ ટુર્નામેન્ટમાંથી બહાર કરાવી શકે છે.












Click it and Unblock the Notifications
