મહિલા ક્રિકેટ:આજે ઇનામની વર્ષા,જરૂરિયાતના સમયે થયું હતું કંઇક આવું

Written By:
Subscribe to Oneindia News

આઇસીસી મહિલા વિશ્વ કપ 2017માં ભલે ભારતીય ટીમે વિજય પ્રાપ્ત ન કર્યો હોય, પરંતુ લોકોના મન અવશ્ય જીત્યાં છે. વિશ્વ કપ 2017માં શાનદાર પ્રદર્શન કરનાર ટીમ ઇન્ડિયાને પીએમ મોદીથી માંડીને બોલિવૂડ સિતારાઓ સુધી સૌ કોઇ અભિનંદન પાઠવી રહ્યું છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કપ્તાન મિતાલી રાજ સિવાય સ્મૃતિ મંધાના, પૂનમ રાઉત, ઝૂલન ગોસ્વામી, હરમનપ્રીત કૌર વગેરે જેવા અનેક ચહેરાઓ પોતાના શાનદાર પ્રદર્શનને પરિણામે ચર્ચામાં આવ્યા છે.

રેલવે તરફથી તો ફાઇનલ મેચ પહેલાં જ રેલવે તંત્રમાં કામ કરતી મહિલા ખેલાડીઓ માટે રોકડ ઇનામ અને પ્રમોશનની પણ જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે આ શાનદાર ખેલાડીઓને કોઇ ઓળખતું નહોતું અને આથી જરૂરિયાતના સમયે પણ તેમને મદદ નહોતી મળતી. એક સમયે જ્યારે હરમનપ્રીત કૌરને નોકરીની જરૂર હતી, ત્યારે તેમની નોકરીની અરજી નકારવામાં આવી હતી.

પંજાબ સરકારે નોકરી આપવાની ના પાડી હતી

પંજાબ સરકારે નોકરી આપવાની ના પાડી હતી

ટીઓઆઇના અહેવાલો અનુસાર, વર્ષ 2010-11માં હરમનપ્રીત કૌરને નોકરીની તાતી જરૂરિયાત હતી, તેમણે પંજાબ પોલીસમાં નોકરી માટે અરજી કરી હતી. પરંતુ આ અરજી એમ કહીને નકારવામાં આવી હતી કે, મહિલા ક્રિકેટરોને નોકરી આપવાની કોઇ જોગવાઇ નથી. હરમનપ્રીતના કોચ યાદવિંદર સિંહ સોઢી અનુસાર, તે સમયે હરમનપ્રીત ટીમ ઇન્ડિયાના કાયમી સભ્ય હતી લગભગ બે વર્ષથી ટીમમાં હતી. આમ, છતાં તેમની નોકરીની અરજી નકારવામાં આવી હતી.

'એ કંઇ હરભજન થોડી છે..'

'એ કંઇ હરભજન થોડી છે..'

આ અંગે સોઢીએ આગળ જણાવ્યું હતું કે, 'પંજાબ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ ત્યારે કહ્યું હતું કે, તે(હરમનપ્રીત કૌર) કંઇ હરભજન સિંહ થોડી છે, જેને અમે ડીએસપી બનાવી દઇએ! અમે આ મામલે મુખ્યમંત્રીને પણ મળ્યા હતા, પરંતુ કોઇ ફાયદો ન થયો.' હરમનપ્રીત કૌરના પિતાએ જણાવ્યું હતું કે, વર્ષ 2009થી હરમનપ્રીત ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરી રહી છે, આમ છતાં તેને નોકરી નહોતી મળી. નોંધનીય છે કે, ચાર વર્ષ પહેલાં સચિન તેંડુલકરની વિનંતીથી આખરે રેલવેમાં હરમનપ્રીતને નોકરી મળી હતી.

રેલ મંત્રીએ કરી પ્રમોશનની જાહેરાત

રેલ મંત્રીએ કરી પ્રમોશનની જાહેરાત

રેલ મંત્રી સુરેશ પ્રભુએ રવિવારે જ ક્રિકેટ વિશ્વ કપમાં ભાગ લઇ રહેલા મહિલા ક્રિકેટરો, જે રેલવેમાં નોકરી કરે છે, તેમને પ્રમોશન આપવાની જાહેરાત કરી હતી. આ પ્રમોશન નિશ્ચિત સમયગાળા પહેલાં આપવામાં આવી રહ્યું છે. આ અંગે વાત કરતાં રેલવે સ્પોર્ટ્સ પ્રમોશન બોર્ડના સચિવ રેખા યાદવે જણાવ્યું હતું કે, માનનીય રેલ મંત્રી શ્રી સુરેશ પ્રભુએ રેલવે સાથે જોડાયેલ મહિલા ક્રિકેટરોના પ્રમોશનની ઘોષણા કરી છે, અમારા એક્સટેન્ટ નીતિ હેઠળ તેમને રોકડ ઇનામ પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, કપ્તાન મિતાલી રાજ અને હરમનપ્રીત કૌર ઉપરાંત 10 મહિલા ક્રિકેટરો રેલવે સાથે જોડાયેલી છે.

BCCI તરફથી પણ ઇનામની ઘોષણા

BCCI તરફથી પણ ઇનામની ઘોષણા

રવિવારે જ ભારતીય ક્રિકેટ બોર્ડ(બીસીસીઆઇ) તરફથી પણ દરેક ખેલાડીને 50 લાખ રૂપિયાનું ઇનામ આપવાની ઘોષણા કરવામાં આવી હતી, સાથે જ સપોર્ટ સ્ટાફને રૂ.25 લાખનું ઇનામ આપવામાં આવશે. આ ઘોષણા પણ ફાઇનલ મેચ પહેલાં જ કરવામાં આવી હતી. આ સાથે જ બીસીસીઆઇ મહિલા ક્રિકેટ ટીમને અભિનંદન પાઠવવા માટે એક ભવ્ય કાર્યક્રમનું પણ આયોજન કરી રહ્યું છે. ક્રિકેટ ટીમ વિવિધ જૂથમાં બુધવારથી ભારત પરત ફરશે.

English summary
Indian women's team lost the world cup 2017, yet BCCI and Railway have announced reward and promotion to women players. But there was the time, when they didn't get any help when in need.
Please Wait while comments are loading...