IND vs BAN : ઇતિહાસ રચવા નજીક વિરાટ કોહલી, બાંગ્લાદેશ સામે તોડી શકે છે સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ
IND vs BAN : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 19 સપ્ટેમ્બરથી ટેસ્ટ સિરીઝની શરૂઆત થવા જઈ રહી છે. આ સિરીઝ જીતી ભારત ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે દાવો મજબુત કરવા ઈચ્છશે.
આ સિરીઝમાં વિરાટ કોહલી પર તમામ લોકોની નજર મંડાયેલી છે. T20 ક્રિકેટ છોડ્યા બાદ હવે વિરાટ કોહલી ટેસ્ટમાં ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યો છે.

બાંગ્લાદેશ સામેની સિરીઝમાં વિરાટ પાસે સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડવાની તક હશે. કોહલીના નામે 80 આંતરરાષ્ટ્રીય સદી છે અને સદીઓની સંખ્યાની દૃષ્ટિએ તે તેંડુલકર (100) પછી બીજા ક્રમે છે.
વિરાટને સચિનનો આ રેકોર્ડ તોડવામાં થોડો સમય લાગી શકે છે. બાંગ્લાદેશ ટેસ્ટ સિરીઝમાં કોહલી સચિનનો મોટો રેકોર્ડ તોડી શકે છે. તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000 રન પૂરા કરવા માટે 58 રનની જરૂર છે.
સચિન તેંડુલકર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી 27,000 રન પૂરા કરનાર ખેલાડી છે. તેણે 623 ઇનિંગ્સમાં આ આંકડો સ્પર્શ કર્યો હતો. તેંડુલકરે 27 હજાર આંતરરાષ્ટ્રીય રન પૂરા કરવા માટે 226 ટેસ્ટ, 396 ODI અને 1 T20 ઇનિંગ્સ રમી હતી.
કોહલીએ અત્યાર સુધી તમામ ફોર્મેટમાં 591 ઇનિંગ્સ રમી છે અને 26942 રન બનાવ્યા છે. જો કોહલી તેની આગામી આઠ ઇનિંગ્સમાં વધુ 58 રન બનાવવામાં સફળ રહેશે તો તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના 147 વર્ષના ઇતિહાસમાં 600થી ઓછી ઇનિંગ્સમાં 27,000 રન બનાવનાર પ્રથમ ક્રિકેટર બની જશે.
અત્યાર સુધી તેંડુલકર સિવાય ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગ અને શ્રીલંકાના કુમાર સંગાકારાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27000થી વધુ રન બનાવ્યા છે.
બાંગ્લાદેશ સામે વિરાટ કોહલીનો રેકોર્ડ શાનદાર છે. તેણે 6 મેચની 9 ઇનિંગ્સમાં 437 રન બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન તેની એવરેજ 54.62 રહી છે. કોહલીએ 2 સદી ફટકારી છે. ચેતેશ્વર પુજારા, રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરે બાંગ્લાદેશ સામે તેના કરતા વધુ રન બનાવ્યા છે.
પૂજારાએ 5 મેચની 8 ઇનિંગ્સમાં 468 રન બનાવ્યા છે. દ્રવિડના નામે 7 મેચની 10 ઇનિંગ્સમાં 560 રન છે. સચિન તેંડુલકરે સૌથી વધુ રન બનાવ્યા છે. તેંડુલકરે 7 મેચની 9 ઇનિંગ્સમાં 820 રન બનાવ્યા છે.












Click it and Unblock the Notifications
