IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ
IND vs ENG T20 World Cup: ટી20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં આવતીકાલે (ગુરુવારે) મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડની ટીમો આમને-સામને ટકરાશે. સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળની ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર જીત મેળવીને સેમિફાઇનલમાં પહોંચી છે, જ્યારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ પોતાનો વિજય રથ જાળવી રાખવા માંગશે. જોકે, આ હાઈ-વોલ્ટેજ મુકાબલા પહેલા ચાહકોની નજર આકાશ તરફ છે, કારણ કે વરસાદ ખેલ બગાડી શકે છે.

મેચ દરમિયાન વરસાદ પડશે તો શું થશે?
ICCએ નોકઆઉટ મેચો માટે કડક અને સ્પષ્ટ નિયમો બનાવ્યા છે. જો ગુરુવારે (5 માર્ચ) વરસાદને કારણે રમત ખોરવાય છે, તો અમ્પાયરોની પ્રથમ પ્રાથમિકતા તે જ દિવસે મેચ પૂર્ણ કરવાની રહેશે. આ માટે નિર્ધારિત સમય ઉપરાંત વધારાની 90 મિનિટનો સમય આપવામાં આવ્યો છે. જો ગુરુવારે ઓછામાં ઓછી 5 ઓવરની રમત પણ શક્ય નહીં બને, તો મેચ 'રિઝર્વ ડે' એટલે કે શુક્રવારે (6 માર્ચ) રમાશે.
આવી સ્થિતિમાં 6 માર્ચે રમાશે મેચ
રિઝર્વ ડેના દિવસે રમત પૂર્ણ કરવા માટે વધારાની 120 મિનિટ ફાળવવામાં આવી છે. નિયમ મુજબ, મેચ ત્યાંથી જ શરૂ થશે જ્યાંથી અગાઉના દિવસે અટકી હતી. ક્રિકેટ ચાહકો માટે સૌથી ચિંતાજનક બાબત એ નિયમ છે જે મેચ રદ થવાની સ્થિતિમાં લાગુ થશે. જો ભારે વરસાદને કારણે 'રિઝર્વ ડે' પર પણ પરિણામ નહીં આવે, તો નિર્ણય સુપર-8ની પોઈન્ટ ટેબલના આધારે લેવામાં આવશે.
ઇંગ્લેન્ડને મળી શકે છે મોટો ફાયદો
જો મેચ રદ થાય તો ઇંગ્લેન્ડની ટીમ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ જશે. તેનું કારણ એ છે કે ઇંગ્લેન્ડે તેના સુપર-8 ગ્રુપમાં 3 જીત સાથે પ્રથમ સ્થાન મેળવ્યું હતું, જ્યારે ભારત તેના ગ્રુપમાં 2 જીત સાથે બીજા સ્થાને રહ્યું હતું. આ જ નિયમ પ્રથમ સેમિફાઇનલ (દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ ન્યુઝીલેન્ડ) પર પણ લાગુ થશે. જો તે મેચ પણ રદ થાય છે, તો પોતાના ગ્રુપમાં અજેય રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમ ફાઈનલમાં પહોંચી જશે.
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલનો ઇતિહાસ ઘણો રસપ્રદ રહ્યો છે. વર્ષ 2022ની સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડે ભારતને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર કર્યું હતું, જ્યારે 2024માં ટીમ ઇન્ડિયાએ પલટવાર કરીને ઇંગ્લેન્ડને હરાવીને ખિતાબ જીત્યો હતો. રસપ્રદ સંયોગ એ છે કે છેલ્લા બે એડિશનમાં જે પણ ટીમ આ સેમિફાઇનલ જીતી છે, તે જ વિશ્વ વિજેતા બની છે.












Click it and Unblock the Notifications
