વિરાટ કોહલીની સદી સાથે રેકોર્ડનો વરસાદ, રોહિતના નામે મોટો માઈલ સ્ટોન
રાંચીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક વનડે મેચમાં ભારતીય ટીમે શાનદાર વિજય મેળવીને દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. આ મેચ અંતિમ ઓવર સુધી રોમાંચક રહી હતી, જેમાં ટીમ ઈન્ડિયાએ જીત હાંસલ કરી હતી.

પ્રથમ બેટિંગ કરતા ભારતે ૮ વિકેટે ૩૪૯ રન બનાવ્યા હતા, જેના જવાબમાં આફ્રિકી ટીમ ૩૩૨ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર સદી ફટકારી હતી, જ્યારે રોહિત શર્મા અને કે.એલ. રાહુલે પણ અર્ધસદી ફટકારી હતી. આ વિજય સાથે ભારતીય ટીમે કેટલાક નોંધપાત્ર રેકોર્ડ પણ બનાવ્યા હતા, જે જાણવા જેવા છે.
વિરાટ કોહલીએ વનડે ક્રિકેટમાં ૫૨મી સદી પૂરી કરીને એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ક્રિકેટના કોઈપણ ફોર્મેટમાં અન્ય કોઈ બેટ્સમેન આટલી સદી સુધી પહોંચી શક્યો નથી. સચિન તેંડુલકરે ટેસ્ટ ક્રિકેટમાં ૫૧ સદી ફટકારી હતી પરંતુ કોહલીએ હવે આ કીર્તિમાનને પણ પાર કરી લીધો છે. આ ઉપરાંત ભારતમાં સૌથી વધુ ૫૦+ સ્કોર કરવાનો રેકોર્ડ પણ કોહલીના નામે છે.
રોહિત શર્મા વનડે ક્રિકેટમાં સૌથી વધુ છગ્ગા મારનાર ખેલાડી બન્યો છે. શાહિદ આફ્રિદીના (૩૫૧) રેકોર્ડને તોડીને રોહિત શર્માએ પ્રથમ સ્થાન મેળવ્યું છે, તેના નામે હવે વનડેમાં કુલ ૩૫૨ છગ્ગા નોંધાયા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી બંનેએ સાથે મળીને ૩૯૨મી મેચ રમી હતી, જે ભારતીય જોડી દ્વારા સાથે રમવામાં આવેલી સૌથી વધુ મેચોનો રેકોર્ડ છે. અગાઉ સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડે સાથે મળીને ૩૯૧ આંતરરાષ્ટ્રીય મેચો રમી હતી.
ભારત તરફથી કુલદીપ યાદવે આ મેચમાં ૪ વિકેટ ઝડપી હતી. વનડે ક્રિકેટમાં તેણે ૧૦મી વખત આ કારનામું કર્યું છે. તે સૌથી વધુ ૪ વિકેટ લેનારા ભારતીય બોલરોમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. તેનાથી આગળ મોહમ્મદ શમી (૧૬) અને અજીત અગરકર (૧૨) છે.
વિરાટ કોહલીને આ મેચમાં પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરવામાં આવ્યો હતો. આ તેનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૭૦મો પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ હતો. સચિન તેંડુલકર જ તેમનાથી આગળ છે, જેમને ૭૬ વખત પ્લેયર ઓફ ધ મેચનો ખિતાબ મળ્યો હતો.












Click it and Unblock the Notifications
