IPL 2025 : આઈપીએલ વચ્ચે ગુજરાત ટાઇટન્સને મોટો ઝટકો, સ્ટાર ખેલાડી ટૂર્નામેન્ટમાંથી બહાર
IPL 2025 : આઈપીએલ 2025 માં શાનદાર પ્રદર્શન કરી રહેલી ગુજરાત ટાઈટન્સને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.
ટીમમાં રમી રહેલો વિદેશી ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ ગ્રોઇન ઈજાના કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.

ગ્લેન ફિલિપ્સને 6 એપ્રિલે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમાયેલ મેચ દરમિયાન ઇજા થઈ હતી. એ મેચમાં તે ફીલ્ડિંગ માટે રિઝર્વ ખેલાડી તરીકે મેદાન પર આવ્યો હતો.
જો કે મેદાન પર માત્ર થોડા જ સમય પછી તેમણે પોતાના ગ્રોઇન ભાગમાં તીવ્ર દુઃખાવો અનુભવ્યો અને પગ લંગડાતા મેદાનની બહાર ગયો હતો. એક થ્રો બાદ તે ઇજાગ્રસ્ત થયો હતો.
આ ઇજાને કારણે ફિલિપ્સને ન્યુઝીલેન્ડ પાછા મોકલવામાં આવ્યો છે. આ માહિતી આઈપીએલ તરફથી આપેલ નિવેદન દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે.
ગુજરાત ટાઇટન્સ માટે આ બીજો મોટો ઝટકો છે. આ પહેલાં 3 એપ્રિલે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કગિસો રબાડા પણ વ્યક્તિગત કારણોસર ટૂર્નામેન્ટમાંથી બહાર થયો હતો. હવે ગ્લેન ફિલિપ્સના વિદાય પછી ટીમ પાસે માત્ર પાંચ વિદેશી ખેલાડીઓ બચ્યા છે.
હાલ ટીમ માટે રશિદ ખાન, જોશ બટલર અને શેરફેન રધરફોર્ડ મેદાન પર સક્રિય છે અને સારું પ્રદર્શન પણ કરી રહ્યા છે. બીજી તરફ અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર કરીમ જનાત અને દક્ષિણ આફ્રિકાના બોલર ગેરેથ કોટઝી હજુ ઈજામાંથી સાજા થઈ રહ્યા છે.
આ બંને ખેલાડીઓના અભાવે ટીમ માટે આગામી મુકાબલાઓ વધુ પડકારભરા બની શકે છે. છતાં પણ ગુજરાત ટાઇટન્સ પાસે એવા ખેલાડી છે જે ખરાબ પરિસ્થિતિઓમાં પણ ટીમને જીતાડવા સક્ષમ છે.












Click it and Unblock the Notifications
