IPL 2025 : આ કારણોએ ધોનીની ચેન્નઈને ડુબાડી, આ ખેલાડી સૌથી વધુ જવાબદાર
IPL 2025 : આઈપીએલની સૌથી સફળ ટીમોમાંની એક ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માટે 2025ની સિઝન ખૂબ જ નિરાશાજનક રહી છે.
પંજાબ કિંગ્સ સામેની હારે ટીમના પ્લેઓફના સપનાને ચકનાચૂર કરી દીધું છે. જે ટીમ તેના મજબૂત માળખા, અનુભવ અને ધોનીની કેપ્ટનશીપ માટે જાણીતી હતી તે આ વખતે સંપૂર્ણપણે ફેલ રહી છે. ટીમની આ નિષ્ફળતા પાછળ ઘણા કારણ છે.

જૂની બેટિંગ રણનીતિનો આગ્રહ
જ્યારે અન્ય ટીમો 220+ રનને સામાન્ય ગણતી હતી ત્યારે CSK જૂની બેટિંગ શૈલી પર અડગ રહી. જોખમ વિના રન બનાવવાની રણનીતિએ ટીમને સમયની પાછળ ધકેલી દીધી. શિવમ દુબે અને એમએસ ધોની સિવાય કોઈએ પાવર-હિટિંગ જોશ ન દેખાડ્યો.
પુરી સિઝનમાં CSK એકવાર પણ પ્રથમ બેટિંગ કરતાં 200 રનનો આંકડો પાર ન કરી શકી. T20ની માંગ પ્રમાણે ટીમ માનસિક રીતે તૈયાર નહોતી.
મેગા ઓક્શનમાં નબળી યોજના
55 કરોડના બજેટ સાથે ઉતરેલી CSKએ ન તો મોટો નિર્ણય કર્યો, ન તો ભવિષ્ય માટે નવી દિશા નક્કી કરી. રચીન રવિન્દ્ર, ડેવોન કોનવે, રાહુલ ત્રિપાઠી જેવા ખેલાડીઓ વિશ્વસનીય હતા પરંતુ ગેમ-ચેન્જર ન બન્યા. બોલિંગમાં પાથીરાના અને નૂર અહમદ સિવાય કોઈએ અસર ન છોડી. ટીમમાં સ્ટાર પાવર અને રણનીતિનો અભાવ દેખાયો.
કેપ્ટનશીપમાં અસ્થિરતા
સિઝનની શરૂઆતમાં ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશીપ સોંપવામાં આવી, પરંતુ ઈજાએ તેને બહાર કર્યો અને ધોનીએ ફરીથી કમાન સંભાળી. આ વખતે ધોનીનો જાદુ ન ચાલ્યો. T20ના નવા ટેમ્પો અને ઝડપી નિર્ણયની જરૂર હતી, જે આ બદલાતી કેપ્ટનશીપમાં ગેરહાજર રહી. સિઝનની મધ્યમાં દ્રષ્ટિકોણ બદલવાથી ટીમનો લય તૂટ્યો.
સિનિયર ખેલાડીઓની નિષ્ફળતા
CSKની તાકાત અનુભવ પર ટકેલી છે, પરંતુ 2025માં આ અનુભવ ટીમ માટે બોજ બની ગયો. રવિચંદ્રન અશ્વિનને 9.75 કરોડમાં ખરીદવામાં આવ્યો પરંતુ 7 મેચમાં માત્ર 5 વિકેટ લીધી. રવિન્દ્ર જાડેજાનું બેટ અને બોલ બંને શાંત રહ્યાં. તેમણે 10 મેચમાં 183 રન અને 7 વિકેટ લીધી.
યુવા ખેલાડીઓ પર મોડું ધ્યાન
જ્યારે અન્ય ટીમો 18-19 વર્ષના ખેલાડીઓને ખુલ્લા મોકા આપી રહી હતી ત્યારે CSK અનુભવની છાયામાંથી બહાર નીકળવા તૈયાર ન દેખાઈ. શેખ રશીદ અને આયુષ મ્હાત્રેને અંતમાં તક મળી, પરંતુ ત્યાં સુધી ઘણું મોડું થઈ ગયું હતું. અન્ડરડોગ્સની સિઝનમાં CSK યુવા તોફાનને ઓળખવામાં નિષ્ફળ રહી.
ચેન્નાઈ માટે આ સિઝન એક પાઠ છે કે T20માં જૂના ફોર્મ્યુલાથી ટ્રોફી જીતાતી નથી. નવી વિચારસરણી, ઝડપી રણનીતિ અને યુવા ખેલાડીઓ પર તાત્કાલિક વિશ્વાસ આજની જરૂરિયાત છે. ચાર મેચ બાકી છે, પરંતુ CSKની વાર્તા આ સિઝનમાં સમાપ્ત થઈ ગઈ છે.












Click it and Unblock the Notifications
