રણજી ટ્રોફી: મુંબઇના પૃથ્વી શૉનો કમાલ, 17 વર્ષની ઉંમરે સચિનની બરાબરી

Subscribe to Oneindia News

2013 માં 14 વર્ષની ઉંમરમાં મુંબઇમાં સ્કૂલ મેચમાં 546 રનનો સ્કોર બનાવીને લાઇમલાઇટમાં આવનાર બેટ્સમેન પૃથ્વી શૉ એ પોતાની પહેલી રણજી મેચમાં પણ કમાલ કરી દીધી છે. 17 વર્ષનો પૃથ્વી રણજી મેચમાં સદી ફટકારનાર અમુક સિલેક્ટેડ ખેલાડીઓની યાદીમાં સામેલ થઇ ગયો છે. અત્યાર સુધી મુંબઇના 13 ખેલાડીઓએ પોતાની પહેલી રણજી મેચમાં સદી ફટકારી છે. આમાં સચિન તેંડુલકર પણ સામેલ છે. પહેલી જ મેચમાં સદી ફટકારીને પૃથ્વી શૉ પણ સચિનની ક્લબમાં સામેલ થઇ ગયો છે. આમ કરનાર મુંબઇનો તે 14 મો ક્રિકેટર છે.

prithvi shaw

રાજકોટમાં રમાઇ રહેલ રણજી ટ્રોફી 2016-17 સિઝનની પહેલી સેમીફાઇનલમાં ગત વિજેતા મુંબઇએ ગુરુવારે તમિલનાડુને 6 વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ડેબ્યૂ કરી રહેલ પૃથ્વીએ મેચના બીજા દાવમાં 175 બોલમાં 120 રન કર્યા હતા. જેમાં 13 ચોગ્ગા અને એક છગ્ગો સામેલ છે. આ દાવ માટે પૃથ્વીને મેન ઓફ ધ મેચનો ખિતાબ પણ મળ્યો છે. જો કે તે 99 રનના સ્કોર પર વિજય શંકરની બોલ પર આઉટ થઇ ગયો હતો પરંતુ નોબોલ હોવાને કારણે તેને જીવતદાન મળ્યુ હતુ.

prithvi

પૃથ્વીની સદીને કારણે જીત મેળવનારી મુંબઇ 10 જાન્યુઆરીથી ગુજરાત સામે ફાઇનલમાં રમશે. ફાઇનલ ઇંદોરમાં રમાશે. ગુજરાતે બીજી સેમીફાઇનલમાં ઝારખંડને 123 રને હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. તમિલનાડુએ બીજા દાવમાં 356/6 ના સ્કોર પર પોતાનો દાવ ડિક્લેર કરીને મુંબઇ સામે જીત માટે 251 રનનું લક્ષ્ય રાખ્યુ હતુ. પોતાની પહેલી રણજી મેચ રમી રહેલ પૃથ્વી શૉ એ તમિલનાડુની આશાઓ પર પાણી ફેરવી દીધુ હતુ. પહેલી વિકેટ લેવા માટે તેમણે પ્રફૂલ વાઘેલા સાથે 90 રનની પાર્ટનરશીપ કરી. ત્યારબાદ બીજી વિકેટ માટે પણ તેણે અય્યર સાથે 91 રન જોડ્યા અને મુંબઇની જીત સરળ બનાવી દીધી. જ્યારે પૃથ્વી સદી પૂરી કરીને આઉટ થયો ત્યારે મુંબઇને જીત માટે માત્ર 10 રન કરવાના બાકી હતા. જે તેની ટીમે સરળતાથી બનાવી લીધા. મુંબઇની ટીમે 63 મી ઓવરમાં 6 વિકેટ ગુમાવીને લક્ષ્ય મેળવી લીધુ. મુંબઇ 46 મી વાર રણજી ટ્રોફીની ફાઇનલમાં પહોંચ્યુ છે. તેની નજર 42 મી ટ્રોફી પર છે જ્યારે બીજી વાર ફાઇનલમાં પહોંચેલુ ગુજરાત પહેલી વાર રણજી ટ્રોફી જીતવા માટે પ્રયત્ન કરશે.

English summary
Ranji Trophy mumbai cricketer Prithvi Shaw joins Sachin Tendulkar in elite list
Please Wait while comments are loading...