IPL 2026: રિયાન પરાગ બન્યો રાજસ્થાન રોયલ્સનો નવો કેપ્ટન, અત્યાર સુધી કોણે કોણે સંભાળી છે કમાન? જુઓ List
IPL 2026 Riyan Parag: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2026)ની નવી સીઝન માટે રાજસ્થાન રોયલ્સ (RR) એ એક મોટા ફેરફારની જાહેરાત કરી છે. ફ્રેન્ચાઇઝીએ 24 વર્ષીય યુવા બેટ્સમેન રિયાન પરાગને પોતાના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) માં જોડાયા બાદ આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિયાન પરાગ રાજસ્થાન રોયલ્સના ઇતિહાસમાં પૂર્ણકાલીન કેપ્ટનશિપ સંભાળનાર સાતમો ખેલાડી બન્યો છે.

ગઈ સીઝનમાં પણ કરી ચૂક્યો છે કેપ્ટનશિપ
અસમના વતની રિયાન પરાગ વર્ષ 2019થી રાજસ્થાન રોયલ્સનો હિસ્સો રહ્યો છે. તેણે છેલ્લા સાત સીઝન આ જ ફ્રેન્ચાઇઝી સાથે વિતાવ્યા છે, જે ટીમ પ્રત્યેની તેની વફાદારી અને મેનેજમેન્ટનો તેના પરનો વિશ્વાસ દર્શાવે છે. જોકે, કેપ્ટનશિપનો અનુભવ તેના માટે નવો નથી. ગત સીઝન (2025) માં સંજુ સેમસનની ઇજા દરમિયાન પરાગે 8 મેચોમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું.
રિયાન પરાગની આઈપીએલ કરિયર
રિયાન પરાગે અત્યાર સુધી 84 આઈપીએલ મેચોમાં 141.84 ના સ્ટ્રાઈક રેટથી 1566 રન બનાવ્યા છે. તેની સૌથી સફળ સીઝન 2024 રહી હતી, જ્યાં તેણે 573 રન ફટકારીને પોતાની ક્ષમતા સાબિત કરી હતી. કેપ્ટનશિપની સાથે સાથે મધ્યક્રમમાં તેની બેટિંગ ટીમની સંતુલન માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેશે. પરાગ હવે એ દિગ્ગજોની યાદીમાં સામેલ થઈ ગયો છે જેમણે જયપુર સ્થિત આ ફ્રેન્ચાઇઝીનું નેતૃત્વ કર્યું છે.
રાજસ્થાનની કેપ્ટનશિપ કરનારા દિગ્ગજો
- શેન વોર્ન: પ્રથમ કેપ્ટન, જેમણે 2008માં ટીમને પ્રથમ ખિતાબ જીતાડ્યો હતો.
- રાહુલ દ્રવિડ: 2012-13 દરમિયાન ટીમની કમાન સંભાળી હતી.
- સંજુ સેમસન: સૌથી સફળ કેપ્ટન (67 મેચમાં 33 જીત) અને 2022 ના રનર-અપ.
- આ સિવાય શેન વોટસન, સ્ટીવ સ્મિથ અને અજિંક્ય રહાણેએ પણ અલગ-અલગ સમયે સુકાનીપદ સંભાળ્યું હતું.
નવી જોડી, નવી શરૂઆત
આઈપીએલ 2026માં રાજસ્થાન રોયલ્સનું ચિત્ર સંપૂર્ણપણે બદલાયેલું જોવા મળશે. મુખ્ય કોચ રાહુલ દ્રવિડની વિદાય બાદ હવે રિયાન પરાગ અને કુમાર સંગાકારા (ડાયરેક્ટર/કોચ) ની નવી જોડી ટીમની રણનીતિ તૈયાર કરશે. એક યુવા ભારતીય કેપ્ટન અને એક અનુભવી શ્રીલંકન દિગ્ગજનું આ મિશ્રણ ફ્રેન્ચાઇઝી માટે નવી શરૂઆતનો સંકેત છે.












Click it and Unblock the Notifications
