Smriti Mandhana : વર્લ્ડ કપ પહેલા સ્મૃતિ મંધાનાનો ઝલવો, ICC રેન્કિંગમાં ભારતીય ક્વીનનો દબદબો
Smriti Mandhana : ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ ફરી એકવાર પોતાની બેટિંગનો જાદુ બતાવ્યો છે. તે હવે ICCની તાજેતરની વનડે રેન્કિંગમાં વિશ્વની નંબર-1 બેટ્સમેન બની ગઈ છે.
મંગળવારે 16 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર થયેલી આ રેન્કિંગમાં મંધાનાએ ઈંગ્લેન્ડની ઓલરાઉન્ડર નૅટ સ્કિવર-બ્રન્ટને પાછળ છોડીને ટોચનું સ્થાન મેળવ્યું છે.

મંધાનાએ ઓસ્ટ્રેલિયા સામેની પહેલી વનડેમાં 63 બોલમાં 58 રનની શાનદાર ઇનિંગ રમી. ભલે આ મેચમાં ભારત જીતી ન શક્યું અને ઓસ્ટ્રેલિયા 8 વિકેટે જીત્યું પરંતુ આ પ્રદર્શનથી મંધાનાને રેન્કિંગમાં સાત રેટિંગ પોઈન્ટ મળ્યા. હવે તેના કુલ 735 રેટિંગ પોઈન્ટ્સ છે, જે સ્કિવર-બ્રન્ટના 731 પોઈન્ટ્સ કરતાં ચાર પોઈન્ટ વધુ છે.
30 સપ્ટેમ્બરથી મહિલા વનડે વર્લ્ડ કપની શરૂઆત થઈ રહી છે. ત્યારે મંધાનાનું નંબર-1 પર પહોંચવું ટીમ ઈન્ડિયા માટે સારા સંકેત છે. આ વર્ષ 2025માં મંધાના બીજી વાર નંબર-1 બની છે. આ પહેલા તે 2019માં પણ વનડેની ટોચની બેટ્સમેન રહી ચૂકી છે.
આ સિવાય અન્ય ભારતીય ખેલાડીઓએ પણ સારું પ્રદર્શન કર્યું છે. ઓપનર પ્રતિકા રાવલ 64 રન બનાવીને રેન્કિંગમાં ચાર સ્થાનની છલાંગ લગાવીને 42મા ક્રમે પહોંચી છે. હર્લીન દેઓલ પણ 54 રન સાથે 43મા સ્થાને છે.
ઓસ્ટ્રેલિયાની બેટ્સમેન બેથ મૂનીએ અણનમ 77 રન બનાવીને ત્રણ સ્થાનનો સુધારો કર્યો અને પાંચમા ક્રમે પહોંચી છે. એનાબેલ સધરલેન્ડ અને ફીબી લિચફિલ્ડ પણ અડધી સદી સાથે સંયુક્ત રીતે 25મા સ્થાને છે.
બોલિંગમાં, ભારતની સ્પિનર સ્નેહ રાણાએ પણ પોતાની છાપ છોડી છે. તેણે પ્રથમ વનડેમાં એક વિકેટ ઝડપી અને રેન્કિંગમાં પાંચ સ્થાન ઉપર ચડીને 13મા સ્થાને પહોંચી છે.
ઓસ્ટ્રેલિયાની કિમ ગાર્થ અને અલાના કિંગએ પણ તેમના કરિયરની શ્રેષ્ઠ રેન્કિંગ મેળવી છે અને તે અનુક્રમે ચોથા અને પાંચમા સ્થાને છે. જો કે ઇંગ્લેન્ડની સોફી એક્લેસ્ટોન નંબર-1 બોલર તરીકે યથાવત છે.












Click it and Unblock the Notifications
