AFG vs PAK: 'પોતાના ખેલાડીઓને માથે ચડાવી રાખ્યા છે, બાબર તો...', ભજ્જીએ પાકિસ્તાનને બતાવ્યો અરીસો
Pakistan vs Afghanistan, 22nd Match: અફઘાનિસ્તાનની ટીમે ODI વર્લ્ડ કપમાં બીજો સૌથી મોટો અપસેટ સર્જ્યો છે. ઈંગ્લેન્ડ બાદ અફઘાનિસ્તાનની ટીમે પણ પાકિસ્તાનને હરાવ્યું છે. અફઘાનિસ્તાને પાકિસ્તાન સામે 8 વિકેટે જીત મેળવીને વર્લ્ડ કપમાં પોતાની આશા જીવંત રાખી છે.
પાકિસ્તાન સામે 283 રનના લક્ષ્યાંક ચેસ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 8 વિકેટે આસાનીથી મેચ જીતી લીધી હતી. કેપ્ટન બાબર આઝમે પાકિસ્તાનની હાર માટે બોલરોને જવાબદાર ગણાવ્યા હતા. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની ટીમ સાવ સામાન્ય દેખાઈ રહી છે.

સતત ત્રણ પરાજયનો સામનો કર્યા બાદ પાકિસ્તાન માટે સેમિફાઇનલનો રસ્તો ઘણો મુશ્કેલ બની ગયો છે. પાકિસ્તાને ભારત, ઑસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન, આ ત્રણેય ટીમો તરફથી હારનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની આ હાર બાદ ભારતીય ટીમના પૂર્વ ઓફ સ્પિનર હરભજન સિંહે કેટલીક બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
હરભજન સિંહે પોતાની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કહ્યું કે પાકિસ્તાનની ટીમ પાતાની પીચ પર રમીને ICC રેન્કિંગમાં નંબર વન બની ગઈ છે. જ્યારે તે સારી ટીમનો સામનો કરે છે, ત્યારે આખી ટીમ અલગ પડી જાય છે.
હરભજન સિંહના મતે બાબર આઝમની સરખામણી વિરાટ કોહલી સાથે કરવી ખોટી ગણાશે. ભજ્જીએ અફઘાનિસ્તાનને એશિયાની બીજી સૌથી મજબૂત ટીમ ગણાવી હતી. પાકિસ્તાન સામે અફઘાનિસ્તાનની જીત જોયા બાદ હરભજન સિંહે કહ્યું કે જો પાકિસ્તાનની ટીમ અફઘાનિસ્તાન સામે જીતી શકતી નથી તો તેની સરખામણી ભારત સાથે શા માટે કરવી જોઈએ, તેમના ખેલાડીઓમાં કોઈ કૌશલ્ય દેખાતું નથી.
સતત ત્રણ મેચ હાર્યા બાદ પાકિસ્તાનની ટીમે તેની આગામી મેચ શુક્રવારે દક્ષિણ આફ્રિકા સામે રમવાની છે. 27મી ઓક્ટોબરે યોજાનારી આ મેચ પર તમામની નજર છે. ચેન્નાઈ ચેપોક સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકા સામેની ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમને વાપસી કરવાની તક મળશે. જો પાકિસ્તાનને સેમીફાઈનલમાં સ્થાન બનાવવું હોય તો તેણે અહીંથી દરેક મેચ જીતવી પડશે અને અન્ય ટીમોના નેટ રન રેટ પર પણ નિર્ભર રહેવું પડશે.












Click it and Unblock the Notifications
