
CWG 2022: લાંબી કૂદમાં ઈતિહાસ રચ્યા બાદ મુરલી શ્રીશંકરે જીત્યો સિલ્વર મેડલ
બર્મિંગહામઃ મુરલી શ્રીશંકરે 2022માં ચાલી રહેલી કૉમનવેલ્થ ગેમ્સમાં 8.08 મીટરના શ્રેષ્ઠ જમ્પ સાથે પુરુષોની લાંબી કૂદમાં સિલ્વર મેડલ જીતી લીધો છે. તેણે તેના પાંચમાં જમ્પ સાથે આ સિદ્ધિ મેળવી હતી. બહામાસના લખન નાયરે ગોલ્ડ મેડલ જીત્યો હતો. નાયરે પણ 8.08 મીટરનો સર્વશ્રેષ્ઠ કૂદકો લગાવ્યો હતો પરંતુ તેનો બીજો સર્વશ્રેષ્ઠ 7.98 મીટર શ્રીશંકરના 7.84 મીટર કરતાં વધુ સારો હતો, જેના કારણે તેણે સુવર્ણ પદક મેળવ્યો હતો.
નિયમ મુજબ જો બે કૂદનારાને સમાન અંતરે માપવામાં આવે તો સેકન્ડ બેસ્ટ કરનારને આગળ સ્થાન આપવામાં આવે છે. આ સાથે દક્ષિણ આફ્રિકાના જોવેન વેન વુરેન(8.06 મીટર)એ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બીજા ભારતીય મોહમ્મદ અનીસ યાહિયાએ 7.97 મીટરની શ્રેષ્ઠ છલાંગ લગાવીને પાંચમું સ્થાન મેળવ્યુ હતુ. આ સાથે શ્રીશંકરે ઈતિહાસ રચ્યો છે કારણ કે કૉમનવેલ્થ ગેમ્સના ઈતિહાસમાં ભારતીય પુરુષોના લાંબા જમ્પર્સમાં શ્રીશંકરનો સિલ્વર સર્વશ્રેષ્ઠ હતો. આ પહેલા સુરેશ બાબુએ 1978ની આવૃત્તિમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
તમને જણાવી દઈએ કે આ એક એવી સ્પર્ધા છે જેમાં ભારતે હજુ સુધી ઓલિમ્પિકમાં પોતાનુ ખાતુ પણ ખોલ્યુ નથી. જો કે અગાઉ મહિલાઓમાં, પ્રજુષા મલિયાક્કલે દિલ્લીમાં 2010ની આવૃત્તિમાં સિલ્વર મેડલ જીત્યો હતો. જ્યારે અનુભવી અંજુ બૉબી જ્યોર્જે 2002માં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. બુધવારે તેજસ્વીન શંકરે આ કૉમનવેલ્થ ગેમ્સમાં એથ્લેટિક્સમાં મેન્સ હાઈ જમ્પમાં બ્રોન્ઝ મેડલ જીતીને ભારતનુ મેડલ ખાતુ ખોલ્યુ હતુ.