IND vs AUS : સુર્યા-ઈશાનનું તોફાન ઓસ્ટ્રેલિયાને લઈ ઉડ્યુ, ભારતની 2 વિકેટે જીત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલા ટી20 સિરીઝના પહેલા મેચમાં ભારતની શાનદાર જીત થઈ છે. આ મેચમાં ફરી એક વખત સુર્યકુમાર યાદવ અને ઇશાન કિશન તોફાન બનીને ઓસ્ટ્રેલિયા પર તુટ્યા.
ટોસ જીતીને પહેલા બોલિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયાના બોલર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન સામે સાધારણ સાબિત થયા હતા. આ જ કારણ હતું કે ઓસ્ટ્રેલિયાએ 209 રનનો મોટો ટાર્ગેટ આપ્યો.

ઓસ્ટ્રેલિયા માટે જોશ ઇંગ્લિશે સદી સાથે સૌથી વધુ 110 રનની ધમાકેદાર ઈનિંગ રમી. આ સિવાય સ્ટીવ સ્મિથે પણ શાનદાર અડધી સદી ફટકારી.
બીજી ઈનિંગમાં બેટિંગ માટે ઉતરેલી ટીમ ઈન્ડિયા માટે શરૂઆત નબળી રહી. યશસ્વી જયસ્વાલની ઝડપી શરૂઆત બાદ 12 રનના સ્કોરે ઋતુરાજ ગાયકવાડ રનઆઉટ થતા ભારતને પહેલો ઝટકો લાગ્યો. આ પછી 22 રનના સ્કોર પર યશસ્વી જયસ્વાલે પણ પોતાની વિકેટ ગુમાવી.
જો કે આ પછી ભારતે પાછુ વળીને ન જોયુ અને ટીમ માટે ફરીથી સુર્યકુમાર યાદવ અને ઈશાન કિશન તોફાન બનીને આવ્યા. બન્નેએ ત્રીજી વિકેટે 112 રનની શાનદાર પાર્ટનરશિપ કરીને બાજી પલ્ટી દીધી.
ભારત માટે સુર્યકુમાર યાદવે શાનદાર 80 રન અને ઈશાન કિશને 58 રનની ઈનિંગ રમી. આ પછી અંતિમ ઓવરોમાં ફરીથી રિંકુ સિંહે શાનદાર પ્રદર્શન કરતા ભારતને મેચ જીતાડી દીધી.
એક સમયે ભારતના પક્ષમાં લાગતી ગેમ અંતિમ ઓવરોમાં ભારતની ત્રણ વિકેટ પડી જતા રોમાંચક બની અને અંતિમ બોલ સુધી પહોંચી. જો કે અંતિમ બોલે રિંકુ સિંહે શાનદાર સિક્સર સાથે ભારતને મેચ જીતાડી દીધી. રિંકુ સિંહે અંતિમ સિક્સર સાથે 14 બોલમાં શાનદાર 28 રનની ઈનિંગ રમી.












Click it and Unblock the Notifications
