IPL 2022: સૂર્યકુમારની મહેનત એળે ગઈ, મુંબઈની સતત પાંચમી હાર!
નવી દિલ્હી : ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ની 23મી મેચમાં પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં 12 રનથી હરાવ્યું. સૂર્યકુમાર યાદવે મુંબઈને જીત અપાવવા માટે ઘણી કોશિશ કરી, પરંતુ અંતે તેની મહેનત કામ ન લાવી. સૂર્યકુમારે 30 બોલમાં 1 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 43 રન બનાવ્યા હતા, પરંતુ 19મી ઓવરના ચોથા બોલ પર તેના આઉટ થતાં જ મુંબઈની જીતની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. છેલ્લી ઓવરમાં મુંબઈને જીતવા માટે 22 રનની જરૂર હતી, પરંતુ ઓડિન સ્મિથે 9 રન આપીને 3 વિકેટ લઈને ટીમને જીત અપાવી હતી.
199 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રોહિતની ટીમ 20 ઓવરમાં 186 રન જ બનાવી શકી હતી. મેચમાં રાહુલ ચહરની 9મી ઓવરમાં ડેવાલ્ડ બ્રેવિસે 4 બોલમાં 4 સિક્સર ફટકારી હતી. બેબી એબીના નામથી પ્રખ્યાત સાઉથ આફ્રિકાના બેટ્સમેને પોતાની ધમાકેદાર બેટિંગના આધારે આ ઓવરમાં 29 રન બનાવ્યા હતા.
ફરી એકવાર રોહિત શર્મા અને ઇશાન કિશન મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. રોહિત રબાડાના શોટને સિક્સર માટે મોકલવા માંગતો હતો, પરંતુ બોલ ત્યાં જ ચઢી ગયો અને તે જીતેશ શર્માના હાથે કેચ થયો. આ સિવાય ઈશાન કિશન માત્ર 3 રન બનાવીને વૈભવ અરોરાનો શિકાર બન્યો હતો. રોહિત શર્માએ પણ તેની ટૂંકી ઇનિંગ્સમાં એક મોટી સિદ્ધિ હાંસલ કરી હતી. T20 ક્રિકેટમાં 10,000 રન બનાવનાર વિરાટ કોહલી બાદ તે બીજો ભારતીય ખેલાડી બન્યો છે.