બજેટમાં ખેલો ઈન્ડિયા મિશનની જાહેરાત, જાણો ક્યારથી અમલમાં આવશે?
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં પોતાનું નવમું કેન્દ્રીય બજેટ રજૂ કરતા રમતગમત ક્ષેત્ર માટે એક મોટા પરિવર્તનની ઘોષણા કરી છે.
સરકારે હાલના 'ખેલો ઇન્ડિયા કાર્યક્રમ'ને ભવિષ્યમાં 'ખેલો ઇન્ડિયા મિશન'માં રૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આગામી દસ વર્ષ સુધી આ મિશન ભારતના રમતગમતના માળખા, એથ્લીટ વિકાસ અને આ ક્ષેત્રમાં રોજગારીની તકોને પુનર્જીવિત કરવાનું કાર્ય કરશે.

નાણાંમંત્રીએ તેમના સંબોધનમાં રમતગમત ક્ષેત્રને માત્ર એક સ્પર્ધા તરીકે નહીં, પરંતુ અર્થતંત્રના એક મહત્વપૂર્ણ સ્તંભ તરીકે રજૂ કર્યું. તેમણે કહ્યું કે, "રમતગમત ક્ષેત્ર રોજગાર, કૌશલ્ય વિકાસ અને નોકરીની અનેક તકો પૂરી પાડે છે. ખેલો ઇન્ડિયા કાર્યક્રમ દ્વારા શરૂ થયેલા ટેલેન્ટ હન્ટને આગળ વધારતા, હું આગામી દાયકામાં રમતગમત ક્ષેત્રને બદલવા માટે 'ખેલો ઇન્ડિયા મિશન' શરૂ કરવાનો પ્રસ્તાવ કરું છું."
આ ઘોષણા દર્શાવે છે કે સરકાર હવે માત્ર એથ્લીટ્સ જ નહીં, પરંતુ કોચ, સ્પોર્ટ્સ ફિઝિયોથેરાપિસ્ટ, ડેટા એનાલિસ્ટ અને સ્પોર્ટ્સ મેનેજર્સની એક મોટી પેઢી તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. પ્રસ્તાવિત 'ખેલો ઇન્ડિયા મિશન' હાલના કાર્યક્રમની સફળતાઓને આગલા સ્તરે લઈ જશે. આ મિશન માટે ત્રણ મુખ્ય ઉદ્દેશો નક્કી કરવામાં આવ્યા છે.
પ્રથમ, જિલ્લા સ્તરથી જ પ્રતિભાઓને ઓળખીને તેમને દસકા લાંબા વિકાસ પથમાં સામેલ કરવામાં આવશે. બીજું, આધુનિક તાલીમ કેન્દ્રો અને હાઈ-પર્ફોર્મન્સ કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે, જ્યાં વૈજ્ઞાનિક પદ્ધતિઓથી અભ્યાસ કરાવી શકાય. અને ત્રીજું, કોચિંગ પદ્ધતિઓમાં નવીનતા અને એથ્લીટ્સની રિકવરી તથા પ્રદર્શન માટે સંશોધનને પ્રાથમિકતા આપવામાં આવશે.
ભારત 2036ના ઓલિમ્પિક રમતોની યજમાની માટે દાવેદારી કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, આગામી દસ વર્ષ માટે એક સમર્પિત 'મિશન' એ સુનિશ્ચિત કરશે કે જ્યારે ભારત આ વૈશ્વિક મંચની યજમાની કરે, ત્યારે આપણી પાસે માત્ર વિશ્વ કક્ષાના સ્ટેડિયમ જ નહીં, પરંતુ દરેક રમતમાં મેડલ જીતનારા એથ્લીટ્સ અને ટેકનિકલ નિષ્ણાતો પણ તૈયાર હોય.












Click it and Unblock the Notifications
