લલિત મોદી પર આજીવન પ્રતિબંધની સંભાવના
નવી દિલ્હી, 3 સપ્ટેમ્બર : આઇપીએલના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદી પર આજીવન પ્રતિબંધ મૂકવા ભારતીય ક્રિકેટ નિયંત્રણ ર્બોડે કમર કસી છે. બોર્ડના એક સિનિયર અધિકારીએ ગઈ કાલે જણાવ્યું હતું કે ચેન્નઈમાં આગામી 25 સપ્ટેમ્બરે મળનારી ક્રિકેટ બોર્ડની સ્પેશ્યલ જનરલ મીટિંગમાં આ વિશે નિર્ણય લેવામાં આવશે.
રવિવારે કલકત્તામાં મળેલી બોર્ડની વર્કિંગ કમિટીની બેઠકમાં જયોતિરાદિત્ય સિંધિયા અને અરુણ જેટલીની બનેલી ડિસિપ્લિનરી કમિટીએ રજૂ કરેલા અહેવાલ પર ચર્ચા કરવામાં આવી હતી. આ અહેવાલમાં લલિત મોદી પર આજીવન પ્રતિબંધ મૂકવાની ભલામણ કરવામાં આવી હતી. એ પછી લલિત મોદી વિશે અંતિમ નિર્ણય લેવા માટે 25 સપ્ટેમ્બરે સ્પેશ્યલ જનરલ મીટિંગ બોલાવવાનું નક્કી થયું હતું.

બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે લલિત મોદી પર આજીવન બેન મૂકવામાં આવશે એ લગભગ નક્કી છે. આ નિર્ણય લેવા માટે બોર્ડના ઓછામાં ઓછા 21 મેમ્બરો બેનની તરફેણમાં વોટ આપે એ જરૂરી છે. લલિત મોદી આઇપીએલની પ્રથમ ત્રણ એડિશનના ચેરમેન કમ કમિશનર હતા. જોકે 2010માં ત્રીજી એડિશન પૂરી થયાના થોડા જ દિવસમાં તેમના પર નાણાકીય ગેરરીતિઓ આચરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને એ પછી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
