નીરજ ચોપડા વિશ્વ ચેમ્પયન બનતા આખા ગામમાં ખુશીની લહેર, કાકાએ કહ્યુ - ભારત પાછા આવે પછી કરીશુ ઉજવણી
World Athletics Championships 2023: નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ જીત બાદ નીરજ ચોપડાના ગામમાં ખુશીનો માહોલ છે. નીરજ ચોપડાના કાકા ભીમ ચોપડાએ જણાવ્યું કે આ પહેલીવાર છે જ્યારે કોઈ ભારતીય એથલિટે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.
એકવાર નીરજ ભારત પાછો આવી જાય પછી ઉજવણી થશે. નીરજ ચોપડાની જીત પર ભીમ ચોપડાએ કહ્યું કે રાત્રે એક વાગે પણ આખું ગામ જાગી રહ્યુ છે. આખો દેશ ઉજવણી કરી રહ્યો છે. સમગ્ર દેશની પ્રાર્થના નીરજની સાથે છે. તેઓ દેશની અપેક્ષાઓ પર ખરા ઉતર્યા છે.

તેમણે કહ્યુ કે અમને પૂરી આશા છે કે તે આગામી ચેમ્પિયનશિપમાં પણ સારો દેખાવ કરશે. તમને જણાવી દઈએ કે નીરજ ચોપડાએ વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023માં ફાઈનલ મેચમાં 88.17 મીટર દૂર જેવલિન ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીરજ ચોપડા આ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર દેશના પ્રથમ ખેલાડી બની ગયા છે.
નીરજ ચોપડા પછી પાકિસ્તાનના અરશદ નદીમે 87.82 મીટરના થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે ચેક રિપબ્લિકના યાકુબ વાડવેજસે 86.68 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો હતો.
ગોલ્ડ મેડલ જીત્યા બાદ નીરજ ચોપડાએ કહ્યું કે હું તમામ ભારતીયોનો આભાર માનું છું કે જેઓ મોડી રાત સુધી જાગ્યા, મને સપોર્ટ કર્યો, આ મેડલ આખા ભારતનો છે, મેં પહેલી ઓલિમ્પિક જીતી હતી અને હવે હું વર્લ્ડ ચેમ્પિયન છું. અમે કંઈપણ કરી શકીએ છીએ. આપણે બધાએ આ રીતે વિવિધ ક્ષેત્રોમાં સખત મહેનત કરવી પડશે અને વિશ્વમાં પોતાનું નામ બનાવવું પડશે.
નીરજ ચોપડાએ બીજા પ્રયાસમાં જબરદસ્ત પ્રદર્શન કરીને આ જીત હાંસલ કરી છે. તેણે કહ્યું કે મેં મારા ટેકનિકલ પાસાઓ પર કામ કર્યું છે. હું મારી જાતને ફિટ રાખવાનો પ્રયત્ન કરું છું જેથી હું ખૂબ જ ઝડપથી દોડી શકું.












Click it and Unblock the Notifications
