ભય અને આશ્ચર્યથી ભરેલા અજીબો ગરીબ સ્થળો
વિશ્વ આખું પ્રવાસી આકર્ષણોથી ભરેલું છે, ભારત હોય કે પછી વિશ્વનો અન્ય કોઇ દેશ તમને એ દેશમાં એવા અનેક પ્રવાસન સ્થળ જોવા મળી જશે, જે પોતાની સાથે અનેક ઐતિહાસિક બાબતોને સંગ્રહીને બેસેલા છે. કેટલાક સ્થળોમાં તમને ત્યાંના પૌરાણિક મંદિરો, કિલ્લાઓ જોવા મળશે, તો કેટલાક સ્થળો કુદરતની ગોદમાં પ્રકૃતિની ચાદર ઓઢેલા પણ જોવા મળશે. પરંતુ શું તમે વિશ્વના એવા પ્રવાસન સ્થળો જોયા છે, જે ભયાનક પણ હોય અને અજીબો ગરીબ પણ હોય.
તમને કદાચ લાગતું હશે કે અમે કોઇ હોન્ટેડ પ્લેસ અંગે વાત કરી રહ્યાં છીએ, પરંતુ એવું નથી, વિશ્વમાં એવા અનેક દેશો છે, જ્યાં અજબ ગજબ પ્રકારના સ્થળોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પહેલા અમે તમને કેટલાક અજબ ગજબ મ્યુઝિયમ અંગે જણાવ્યું હતું આ વખતે અમે તમને કેટલાક અજબ ગજબ સ્થળો અંગે જણાવી રહ્યાં છીએ, જે ભયાવહ પણ છે અને તમને આશ્ચર્ય પમાડે તેવા છે, તો ચાલો તસવીરો થકી આવા સ્થળો પર એક નજર ફેરવીએ.

વાલે દે લા પ્રેહિસ્ટોરિઆ, ક્યૂબા
આ અજીબોગરીબ અને થોડુક ભયભીત કરી દે તેવું સ્થળ ક્યૂબામાં આવેલું છે. આ સ્થળ 11 હેક્ટરમાં ફેલાયેલું છે. જેમાં 200 કરતા વધારે ડાઇનાસોરની કૃતિઓ અને કેવમેનની કૃતિઓ જોવા મળી શકે છે. કેટલીક કૃતિઓમાં તો એક ડાયનાસોર બીજાનું ભક્ષણ કરતા પણ દર્શાવવામાં આવ્યા છે.

ઇન્ટરનેશનલ ફ્રેન્ડશિપ એક્ઝિબિશન હોલ, નોર્થ કોરિયા
આ હોલ નોર્થ કોરિયાના પ્યોંગ્યાંગ ખાતે આવેલો છે, આ એક્ઝિબિશન હોલમાં તમે અનેક એવી કૃતિઓ જોવા મળી જશે જે ભય ઉપજાવે જેવી છે, જેમકે મગરના હાથમાં પાણીના ગ્લાસની ટ્રે. તેને જોતા એમ જ લાગે કે આ ભયાવહ મગર તમને પાણીની ઓફર કરી રહી છે.

આઇલેન્ડ ઓફ ડોલ, મેક્સિકો
આઇલેન્ડ ઓફ ડોલ, મેક્સિકો શહેર નજીક આવેલું છે, જ્યાં તમને વૃક્ષો પર ભયાવહ સ્થિતિમાં ટિંગાળવામાં આવેલી ઢંગલીઓ જોઇને તમે ચોક્કસપણે એક ક્ષણ માટે ડરી જશો. કહેવાય છેકે 1950માં એક બાળકી કેનાલમાં પડી ગઇ હતી અને તેની આત્મા આ સ્થળે ભટકતી હતી. ડોન જુલિયન નામના વ્યક્તિએ એ આત્માથી બચવા માટે અહી વૃક્ષોમાં ઢિંગલીઓ ટિંગાળી હતી.

શેકિગહારા વોર વર્લ્ડ, જાપાન
આ એક થીમ પાર્ક છે, જેને જાપાનમાં ગીફુ જિલ્લામાં બનાવવામાં આવ્યો છે, શેકિગહારાના વિખ્યાત યુદ્ધની યાદમાં આ પાર્કને બનાવાયો છે. અહી તમને મૉન્સ્ટ્રસ સ્મારક આવેલા છે, જેમની રચના એ પ્રકારે કરવામાં આવી છેકે જે તમને આશ્ચર્ય પમાડી શકે છે.

કાર્નર બોન હાઉસ, ઓસ્ટ્રિયા
કાર્નર બોન હાઉસ, ઓસ્ટ્રેલિયામાં બનાવવામાં આવ્યું છે, આ ખાસ એવા લોકો માટે બનાવવામાં આવ્યું છે, જે લોકો વિચિત્ર પ્રકારના અને ભયાવહ સ્થળો પર જવા માગતા હોય છે, એ લોકો માટે નહીં કે જેઓ ભયગ્રસ્ત હોય છે. આ સ્થળે તમને અનેક પ્રકારની ખોપડીઓ અને હાડપિંજર વિવિધ પ્રકારના પેઇન્ટ કરેલા જોવા મળી શકે છે.












Click it and Unblock the Notifications
