Agriculture News: ખેડૂતો માટે સારા સમાચાર, હવે 30 એપ્રિલ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી
Agriculture News: રાજ્ય સરકારે ફરી એકવાર ગુજરાતના ખેડૂતોની માંગણીને વાચા આપતો નિર્ણય કર્યો છે. રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે.
રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન રહી જાય તે માટે ખરીદીનો સમય આગામી તારીખ 30 એપ્રિલ સુધી લંબાવવાનો કૃષિ મંત્રી રાઘવજી પટેલના માર્ગદર્શન હેઠળ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ સંદર્ભે માહિતી આપતા કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ચાલુ વર્ષે તુવેર પાકનું મબલખ વાવેતર અને ઉત્પાદન નોંધાયું છે.
ભારત સરકારે પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ અભિયાન હેઠળ તુવેર માટે રૂપિયા 7550 પ્રતિ ક્વિન્ટલ ટેકાનો ભાવ જાહેર કર્યો હતો.
ટેકાનો ભાવ સારો મળતા રાજ્યના 1.23 લાખથી વધુ ખેડૂતોએ તુવેરનું ટેકાના ભાવે વેચાણ કરવા માટે નોંધણી કરાવી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત તારીખ 24 ફેબ્રુઆરીથી સમગ્ર રાજ્યમાં ટેકાના ભાવે તુવેર પાકની ખરીદીનો શુભારંભ કરાવ્યો હતો.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યના 58300 જેટલા ખેડૂતો પાસેથી રૂપિયા 841 કરોડથી વધુના મૂલ્યની કુલ 1.11 લાખ મેટ્રિક ટન તુવેરની ખરીદી કરવામાં આવી છે.
નોંધણી કરાવી હોય અને તુવેરનું વેચાણ કરવાનું બાકી હોય તેવા તમામ ખેડૂતો પાસેથી આગામી તારીખ 30 એપ્રિલ સુધીમાં તુવેરની ખરીદી પૂર્ણ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
