ગુજરાતમાં ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પુર્ણ, મગફળી સૌથી આગળ
ગુજરાતમાં આ વર્ષના ચોમાસાએ સર્વત્ર ખુશીનો માહોલ સર્જ્યો છે. રાજ્યમાં નોંધપાત્ર વરસાદને કારણે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં કુલ ૮૨.૩૫ ટકા વિસ્તારમાં ખરીફ પાકનું વાવેતર થઈ ચૂક્યું છે.
આ વર્ષે વાવેતરમાં મગફળી સૌથી આગળ છે. અત્યાર સુધીમાં ૨૦ લાખ હેક્ટર વિસ્તારમાં મગફળીનું વાવેતર થયું છે. રાજ્યમાં કપાસના વાવેતરમાં ઘટાડો જોવા મળ્યો છે અને અંદાજે 20 લાખ હેક્ટરમાં વાવેતર થયુ છે.

આ સિવાયના પાકોમાં ૨.૬૫ લાખ હેક્ટર વિસ્તારમાં સોયાબીન અને ૨.૬૪ લાખ હેક્ટર વિસ્તારમાં મકાઈનું વાવેતર થયું છે.
રાજ્યમાં ચાલુ સિઝનમાં સરેરાશ ૬૪ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ૬૮.૭૯ ટકા નોંધાયો છે, જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૬.૫૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૬૬.૨૧ ટકા, કચ્છમાં ૬૫.૧૩ ટકા અને સૌરાષ્ટ્રમાં ૫૬.૩૧ ટકા વરસાદ થયો છે.
સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યના જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૫૨ ડેમ હાઈએલર્ટ પર છે, જે ૭૦ થી ૧૦૦ ટકા ભરાયેલા છે. આ ઉપરાંત, ૨૫ ડેમ એલર્ટ પર અને ૨૬ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ તેની કુલ ક્ષમતાના ૭૫ ટકાથી વધુ ભરાઈ ચૂક્યો છે.
હવામાન વિભાગ (IMD) દ્વારા માછીમારોને ૧૪ ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.












Click it and Unblock the Notifications
