ગુજરાતમાં માત્ર 6 વર્ષમાં કઠોળનું ઉત્પાદન બમણું થયું, જાણો તમામ આંકડા
ગુજરાતના ખેડૂતો ખેતીમાં અગ્રેસર સાબિત થઈ રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 6 વર્ષમાં કઠોળના ઉત્પાદનમાં અભૂતપૂર્વ વધારો જોવા મળ્યો છે.
સિંચાઈ માટે સારા પાણી અને યોગ્ય પરિસ્થિતી હોવાથી ખેડૂતો હવે કઠોળની ખેતી તરફ વધુ વળ્યા છે. રાજ્યમાં હવે વાર્ષિક 20 લાખ મેટ્રિક ટનથી પણ વધુ કઠોળનું ઉત્પાદન થઈ રહ્યું છે.

આંકડા અનુસાર, વર્ષ 2019-20માં કઠોળનું ઉત્પાદન 10.58 લાખ મેટ્રિક ટન હતું, જે હવે વધીને 21.52 લાખ મેટ્રિક ટન થયું છે. આમ ટૂંકા ગાળામાં જ રાજ્યનું કુલ ઉત્પાદન બમણું થઈ ગયું છે.
ગુજરાતના કુલ કઠોળ ઉત્પાદનમાં સૌથી મોટો 70 ટકા હિસ્સો માત્ર ચણાનો છે, જે રાજ્યની મજબૂત કૃષિ અર્થવ્યવસ્થા દર્શાવે છે. વર્ષ 2024-25માં ચણાનું ઉત્પાદન રેકોર્ડબ્રેક 15.63 લાખ મેટ્રિક ટન સુધી પહોંચી ગયું છે.
તુવેરના પાકમાં પણ ગુજરાતે રાષ્ટ્રીય સ્તરે પોતાની આગવી ઓળખ બનાવી છે અને તેના ઉત્પાદનમાં 45 ટકાનો વધારો થયો છે. વર્ષ 2024-25માં તુવેરનું કુલ ઉત્પાદન વધીને 3.08 લાખ મેટ્રિક ટન નોંધાયું છે.
ચણા અને તુવેર ઉપરાંત અડદ અને મગ જેવા પાકોના વાવેતરમાં પણ નોંધપાત્ર પ્રોત્સાહન ખેડૂતોને સરકાર તરફથી મળી રહ્યું છે. વર્ષ 2024-25માં અડદ અને મગનું લાખો મેટ્રિક ટન ઉત્પાદન થતા નિકાસના દ્વાર ખૂલ્યા છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતના સૂકા વિસ્તારોમાં મઠ, ચોળા અને વાલ જેવા ગૌણ કઠોળ પાકોનું વાવેતર પણ હવે તેજીથી વધી રહ્યું છે. આ વિસ્તારોના ખેડૂતો માટે કઠોળની ખેતી હવે આર્થિક રીતે વધુ ફાયદાકારક સાબિત થઈ રહી છે.












Click it and Unblock the Notifications
