માવઠાને કારણે અંદાજીત 10 લાખ હેક્ટરમાં ભારે પાક નુકસાની
ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ઊભા પાક ધોવાઈ ગયા છે, જેના પરિણામે ખેડૂતોની હાલત કફોડી બની છે.
આ કમોસમી વરસાદથી શેરડી, સોયાબીન, તુવેર, મગફળી અને બાગાયતી પાકને વ્યાપક નુકસાન થયું છે. રાજ્ય સરકારના અંદાજ મુજબ, સમગ્ર ગુજરાતમાં ૧૦ લાખથી વધુ હેક્ટર ખેતીની જમીનને અસર પહોંચી છે.

સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં સૌથી વધુ નુકસાન નોંધાયું છે, જેમાં ખાસ કરીને જૂનાગઢ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં મગફળી, કપાસ અને અન્ય પાકોને મોટો ફટકો પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગર સહિત રોકડિયા પાકોને નુકસાન થયું છે, જ્યારે ઉત્તર ગુજરાત પણ આનાથી બાકાત રહ્યું નથી.
રાજ્ય સરકારે પાક નુકસાનની સ્થિતિ જાણવા માટે કેબિનેટ મંત્રીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા હતા. મંત્રીઓએ મુલાકાત લીધા બાદ આજે કેબિનેટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો.
આ રિપોર્ટના આધારે, રાજ્ય સરકારે તાત્કાલિક ધોરણે ખેતીના પાકના નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપ્યો છે. આગામી સાત દિવસમાં ટેકનોલોજી અને ફિઝિકલ સર્વે ટીમ દ્વારા નુકસાનનો સર્વે કરવામાં આવશે.
સર્વે રિપોર્ટને અંતિમ સ્વરૂપ આપ્યા બાદ, તેના આધારે ખેડૂતોને રાહત સહાય ચૂકવવા માટે કૃષિ પેકેજ તૈયાર કરવામાં આવશે.
સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે સરકાર ગાંધીનગરથી સતત દેખરેખ રાખી રહી છે. કયા જિલ્લા, તાલુકા અને ગામમાં કેવી પરિસ્થિતિ છે તેનું મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
દરમિયાન, હવામાન વિભાગે આગામી ત્રણ દિવસમાં ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે, જે ખેડૂતોની ચિંતામાં વધારો કરી શકે છે.












Click it and Unblock the Notifications
