Kesar mango export : ગુજરાતની કેસર કેરીની વૈશ્વિક બજારમાં ધૂમ, નિકાસમાં નવો કિર્તીમાન સ્થાપિત કર્યો
Kesar mango export : ગુજરાતની સુપ્રસિદ્ધ કેસર કેરીએ માત્ર સ્થાનિક બજારો જ નહીં પરંતુ વૈશ્વિક સ્તરે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
તેની અનોખી સુગંધ, મીઠો સ્વાદ અને ગુણવત્તાને કારણે તે વિદેશી બજારોમાં પણ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. રાજ્ય સરકારના સતત પ્રયાસો અને ખેડૂતોની મહેનતના પરિણામે ગુજરાતમાંથી કેરીની નિકાસમાં ઉત્તરોત્તર વધારો જોવા મળી રહ્યો છે.

વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા કુલ ૮૫૬ મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે.
આ આંકડો રાજ્યની કેરીની વધતી વૈશ્વિક માંગનો સ્પષ્ટ સંકેત આપે છે. છેલ્લા પાંચ વર્ષ એટલે કે, ૨૦૧૯-૨૦ થી ૨૦૨૪-૨૫ના ગાળામાં ગુજરાતે ૩,૦૦૦ મેટ્રિક ટનથી વધુ કેરી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરીને એક નવો માઇલસ્ટોન સ્થાપિત કર્યો છે.
ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે આનંદ વ્યક્ત કરતા જણાવ્યું કે, ગુજરાતની કેસર કેરીની લોકચાહના સતત વધી રહી છે. વૈશ્વિક માંગને પહોંચી વળવા રાજ્ય સરકાર કેરી-આંબાની ખેતીને વિવિધ રીતે પ્રોત્સાહન આપી રહી છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ ૪.૭૧ લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી, ૧.૭૭ લાખ હેક્ટરથી વધુ વિસ્તાર (૩૭ ટકા) માત્ર કેરીની ખેતી છે.
રાજ્યની અનુકૂળ આબોહવા અને વૈવિધ્યસભર જમીન કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ જાતોના ઉત્પાદન માટે આદર્શ છે.
ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન, વલસાડ જિલ્લામાં ૩૮,૦૦૦ હેક્ટર, નવસારી જિલ્લામાં ૩૪,૮૦૦ હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં ૧૮,૪૦૦ હેક્ટર, કચ્છ જિલ્લામાં ૧૨,૦૦૦ હેક્ટર અને સુરત જિલ્લામાં ૧૦,૨૦૦ હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર નોંધાયું છે.
તલાલા ગીરની કેસર કેરી તેની વિશિષ્ટ ગુણવત્તાને કારણે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે અને તેને GI (જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન) ટેગ પણ પ્રાપ્ત થયો છે. ગીર ઉપરાંત કચ્છમાં પણ કેસર કેરીની ખેતીનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે.
અમદાવાદ નજીક બાવળા ખાતે રાજ્ય સરકારે સ્થાપેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી યુનિટ કેરીની નિકાસમાં એક ગેમચેન્જર સાબિત થઈ છે. આ વર્ષે આ યુનિટ દ્વારા આશરે ૨૨૪ મેટ્રિક ટન કેસર કેરીનું ઈરેડિયેશન કરીને તેની વિદેશમાં નિકાસ કરવામાં આવી છે.
બાવળા ખાતેનું આ ગામા રેડિયેશન યુનિટ ગુજરાતનું સૌપ્રથમ અને દેશનું ચોથું USDA-APHIS સર્ટીફાઈડ ઈ-રેડિયેશન યુનિટ છે. છેલ્લા પાંચ વર્ષમાં આ યુનિટ દ્વારા આશરે ૮૦૫ મેટ્રિક ટન કેરીનું ઈરેડિયેશન કરીને તેની સફળતાપૂર્વક નિકાસ કરવામાં આવી છે.
અગાઉ ગુજરાતના ખેડૂતોને કેરી જેવા ફળોની નિકાસ માટે મુંબઈ જઈને ગામા ઇ-રેડિયેશન કરાવવું પડતું હતું, જેના પરિણામે ફળોનો બગાડ થતો હતો અને પરિવહન ખર્ચમાં પણ વધારો થતો હતો.
બાવળા ખાતે આ યુનિટ કાર્યરત થવાથી ખેડૂતોને અમદાવાદ-બાવળા ખાતે જ ફળોનું ગામા ઇ-રેડિયેશન કરાવવાની સુવિધા મળી છે, જેનાથી તેમને તેમના ફળનો ઉત્તમ ભાવ મળી રહ્યો છે.
કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ. દ્વારા અમદાવાદ જિલ્લામાં કેરીની નિકાસ માટે જરૂરી એવી ત્રણેય મુખ્ય માળખાકીય સુવિધાઓ જેવી કે, ગામા ઇરેડિયેશન યુનિટ, ઇન્ટીગ્રેટેડ પેક હાઉસ અને પેરીશેબલ એર કાર્ગો કોમ્પ્લેક્સ ઊભી કરવામાં આવી છે.
USDA-APHISની મંજૂરી મળવાના કારણે હવે આ ત્રણેય સુવિધાઓના સંયોજિત ઉપયોગથી કેરી અને દાડમની ગુણવત્તાની જાળવણી, બગાડનો અટકાવ અને પરિવહન ખર્ચમાં ઘટાડો થતા ખેડૂતોને તેનો મહત્તમ લાભ મળી રહ્યો છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
