ખેતી સમાચાર : મરચાની ખેતીથી લાખોની આવક મેળવતા યુવા ખેડૂતને મળો
પરંપરાગત ખેતી કરતા ખેડૂતોનો ખર્ચ ધીરે ધીરે વધી રહ્યો છે અને આવક ઘટી રહી છે. આ સ્થિતીમાં ખેડૂતો હવે મરચા જેવા રોકડિયા બાગાયતી પાક વાવતા થયા છે.
આજે આપણે જે ખેડૂત વિશે વાત કરવા જઈ રહ્યા છીએ તે ખેડૂતે પણ આવુ જ કઈંક વિચાર્યુ અને નાની ઉમરમાં મરચાની ખેતીમાં મોટી સફળતા હાંસલ કરી છે.

આપણે જે ખેડૂત વિશે વાત કરી રહ્યા છીએ તે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના જૂના માલણિયાદ ગામના ખેડૂત છે અને મરચાની ખેતી કરીને મોટી આવક મેળવી રહ્યા છે.
અનીલ કુણપરા નામના આ ખેડૂતે તેમના 5 વિઘાના ખેતરમાં મરચાનું વાવેતર કર્યુ છે. આ મરચા તેમની ટુંકી જમીનની ખેતીમાં વરદાનરૂપ સાબિત થયા છે.
અનિલભાઈ સાથે વાત કરતા તે જણાવે છે કે પહેલા તે સિઝન પ્રણાણે ટુંકા ગાળાના કપાસ અને જીરૂ જેવા પાકો વાવતા હતા. જો કે આ પાકોમાં ભારે વરસાદ કે માવઠાને કારણે નુકસાન ઉઠાવવાનો વારો આવતો અને પુરૂ વળતર નહોતુ મળતુ.
આ પછી તે મરચાની ખેતી તરફ વળ્યા. તેમણે આ વર્ષે જી-4 વેરાયટીનું વાવેતર કર્યુ છે અને 100 મણથી વધુનો ઉતારો લઈ રહ્યા છે. એક જ વીધામાં તેમણે 50 થી શરૂ કરીને 100 મણ કરતા વધુનો ઉતારો લીધો છે.

તેમની મરચાની ખેતીની ફાવટને કારણે આ ઉતારો હજુ આવનારા સમયમાં વધશે. અનિલભાઈ જણાવે છે કે ફેબ્રુઆરી મહિના સુધીમાં આ ઉતારો હજુ પણ વધુ આવશે.
પોતાની આવક વિશે વાત કરતા અનિલભાઈ જણાવે છે કે તેણમે ગયા વર્ષે પણ મરચાનું વાવેતર કર્યુ હતુ અને તેમની 4 વિધાની મરચીમાંથી અંદાજે 13 લાખ રૂપિયાનુ ઉત્પાદન લીધુ હતુ.
આ વર્ષે પણ અનિલભાઈને વિશ્વાસ છે કે તેમની મરચી તેટલુ જ કે તેનાથી વધુનું ઉત્પાદન આપશે. જણાવી દઈએ કે, જી-4 મરચાની વેરાયટી અન્ય મરચા કરતા સારા ભાવ આપે છે અને એક સારૂ માર્કેટ મળી રહે છે.
કોઈપણ પાકમાં માર્કેટનો મોટો ફાળો હોય ત્યારે અનિલભાઈ જણાવે છે કે, તેમના મરચા તે સ્થાનિક વેપારીઓને પહોંચાડી દે છે અને પુરા ભાવ મળી રહે છે. આના કારણે તેમને દુર સુધી વેચવા જવાની જરૂર રહેતી નથી.
અનિલભાઈને મરચાના વાવેતરના સમયગાળા વિશે પુછતા તે જણાવે છે કે તેમને જૂલાઈ મહિનામાં મરચાનું વાવેતર કર્યુ છે અને આ મરચા એપ્રીલ મહિના સુધી ઉત્પાદન આપશે. આમ તે એક જ પાકમાંથી પુરૂ વર્ષ કમાણી કરતા રહે છે.
અનિલભાઈ જણાવે છે કે, મરચા પુરૂ વર્ષ ઉત્પાદન આપતા હોવાથી તેમને જમીનને ખેડવાનો અને વધુ વખત વાવેતર કરવાનો તમામ ખર્ચ બચે છે અને મરચાનું એકધારૂ ઉત્પાદન મળતુ રહે છે.

જણાવી દઈએ કે, મરચાની ખેતીમાં ભાવનો મોટો પ્રશ્ન હોય છે તો આ મુદ્દે પુછતા અનિલભાઈ જણાવે છે કે તેમના મરતા લાંબો સમય ઉભા રહેતા હોવાથી એવરેજ ભાવ મળી જાય છે અને આ સિવાય તે મરતાને લાલ કરી દે છે. જેથી તેમને ઓછા ભાવે લીલા મરચા બજારમાં વેચવા ન મળે.
અહીં ખેડૂતોને એક વાત એ પણ ધ્યાનમાં રાખવી જોઈએ કે, મરચા જેવા પાકોમાં સમયે સમયે ભાવમાં ઉતાર-ચડાવ જોવા મળે છે. પરંતુ લાંબા ગાળે એક સરેરાશ ભાવને કારણે ખેડૂતોની આવક જળવાઈ રહે છે.












Click it and Unblock the Notifications
