ફૂલોના વાવેતરમાં રાજકોટ જિલ્લો અવ્વલ, 24 હેક્ટરમાં ગુલાબ અને 67 હેક્ટરમાં ગલગોટાનું વાવેતર
વસંત-પંચમી સાથે વસંત ઋતુની શરૂઆત થાય છે અને નવા પર્ણો, પુષ્પો સાથે પ્રકૃતિ નવા શણગાર ધારણ કરે છે. આ સાથે બજારમાં પણ મોટી સંખ્યામાં ફૂલો આવવા લાગે છે.
ફુલોની વાત હોય ત્યારે અનેક લોકો પહેલી પસંદ ગુલાબ પર ઉતારે. પણ જો રાજકોટ જિલ્લામાં ફૂલોની ખેતીની વાત કરવામાં આવે તો વાવેતરમાં અને ઉત્પાદનમાં ગુલાબ કરતાં ગલગોટો આગળ છે. ગુલાબ બીજા ક્રમે આવે છે.

બાગાયત વિભાગના આંકડા અનુસાર, 2023ના ફૂલોની ખેતીના આંકડા જોઈએ તો, રાજકોટ જિલ્લામાં આશરે 125 હેક્ટર વિસ્તારમાં વિવિધ પ્રકારના ફૂલોની ખેતી થાય છે. જેમાં વર્ષે આશરે 957 મેટ્રીક ટન ફૂલોનું ઉત્પાદન થાય છે અને પ્રતિ હેક્ટર 7.66 મેટ્રીક ટનનો ફુલોનો ઉતારો આવે છે.
રાજકોટ જિલ્લામાં ફુલોમાં સૌથી વધુ વાવેતર ગલગોટાનું થાય છે. જિલ્લામાં 67 હેક્ટરમાં આ ફૂલ વવાય છે. જેમાં વર્ષે 622 મેટ્રીક ટન ફુલોનું ઉત્પાદન થાય છે. જેમાં પ્રતિ હેક્ટર 9.28 મેટ્રીક ટન ગલગોટા થાય છે.
રાજકોટ જિલ્લામાં ફુલોની ખેતીમાં ગુલાબ બીજા ક્રમે છે. જિલ્લામાં 24 હેક્ટરમાં ગુલાબની ખેતી થાય છે. જેમાં વર્ષે આશરે 171 હેક્ટરનું ઉત્પાદન થાય છે. પ્રતિ હેક્ટર 7.13 મેટ્રીક ટન ગુલાબના ફુલોનો ઉતાર ખેડૂતો લે છે.
જિલ્લામાં લીલીના ફૂલો પણ નોંધપાત્ર રીતે ઉગાડવામાં આવે છે. આશરે 6 હેક્ટર વિસ્તારમાં ખેડૂતો લીલીના ફૂલોનો પાક લે છે. જેમાં આશરે 46 મેટ્રીક ટન ઉત્પાદન આવે છે. લીલીના ફુલોનું પ્રતિ હેક્ટર ઉત્પાદન આશરે 7.67 મેટ્રીક ટન જેટલું છે.
જ્યારે 28 હેક્ટરમાં અન્ય ફૂલોનું વાવેતર થાય છે. જેનું વર્ષે ઉત્પાદન 118 મેટ્રીક ટન જેટલું થાય છે અને પ્રતિ હેક્ટર ઉત્પાદન 4.21 મેટ્રીક ટન જેટલું છે.
જણાવી દઈએ કે, ફૂલોના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ગુજરાત સરકારે ફૂલ પાક વાવેતર માટે ખાસ સહાય યોજના જાહેર કરેલી છે.
આમાં દાંડી ફૂલો માટે પ્રતિ હેક્ટર રૂપિયા એક લાખની યૂનિટ કોસ્ટ માટે નાના અને સીમાંત ખેડૂતોને ખર્ચના 40 ટકા કે મહત્તમ રૂપિયા 40 હજારની સહાય પ્રતિ હેક્ટર અપાય છે. જ્યારે અન્ય ખેડૂતોને ખર્ચના 25 ટકા કે મહત્તમ રૂપિયા 25 હજાર પ્રતિ હેક્ટર દીઠ સહાય આપવામાં આવે છે.
ટીએસપી વિસ્તારમાં ખર્ચના 50 ટકા કે મહત્તમ રૂપિયા 50 હજારની સહાય પ્રતિ હેક્ટર ચૂકવાય છે. લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર સુધીની સહાય મળવાપાત્ર છે.
જ્યારે કંદ ફૂલોમાં પ્રતિ હેક્ટર રૂપિયા 1.50 લાખ યૂનિટ કોસ્ટ સામે નાના અને સીમાંત ખેડૂતોને ખર્ચના 40 ટકા કે મહત્તમ રૂપિયા 60 હજારની સહાય અપાય છે. જ્યારે અન્ય ખેડૂતોને ખર્ચના 25 ટકા કે મહત્તમ રૂપિયા 37,500 હજાર સહાય આપવામાં આવે છે.
ટીએસપી વિસ્તારમાં ખર્ચના 50 ટકા કે મહત્તમ રૂપિયા 75 હજારની સહાય પ્રતિ હેક્ટર ચૂકવાય છે. લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર મર્યાદામાં સહાય મળવાપાત્ર છે.
છૂટા ફૂલોની ખેતી માટે પણ ગુજરાત સરકારે સહાય યોજના જાહેર કરેલી છે. જેમાં પ્રતિ હેક્ટર રૂપિયા 40 હજારના યૂનિટ કોસ્ટ સામે નાના અને સીમાંત ખેડૂતોને ખર્ચના 40 ટકા કે મહત્તમ રૂપિયા 16 હજારની સહાય અપાય છે.
જ્યારે અન્ય ખેડૂતોને ખર્ચના 25 ટકા કે મહત્તમ રૂપિયા 10 હજાર સહાય આપવામાં આવે છે. ટીએસપી. વિસ્તારમાં ખર્ચના 50 ટકા કે મહત્તમ રૂપિયા 20 હજારની સહાય પ્રતિ હેક્ટર ચૂકવાય છે. લાભાર્થી દીઠ મહત્તમ બે હેક્ટર મર્યાદામાં સહાય જ મળવાપાત્ર છે.
ઉપરોક્ત તમામ યોજનામાં રાજય સરકારની વધારાની પૂરક સહાય તરીકે સામાન્ય ખેડુતને 15 ટકા જયારે અનુસુચિત જન જાતિ તથા અનુસુચિત જાતિના ખેડુતને 25 ટકા પૂરક સહાય આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
