આ નદીના પાણી સાથે વહે છે સોનું, જાણો ક્યાં આવેલી છે આ ગોલ્ડન રિવર?
કહેવાય છે કે નદીઓના પાણીમાં ઘણા ખનીજોનો ભંડાર હોય છે. નદીઓના પાણીથી ઘણા રોગો દુર થતા હોવાનું પણ તમે સાંભળ્યુ હશે. જો કે ભારતમાં વહેતી એક નદી આ તમામ બાબતોથી પણ ચડિયાતી છે અને આ નદીના પાણી સાથે સોનું વહે છે.
ભારતની આ નદી તેના કિનારે વસનારા લોકો માટે રોજગારીનું સાધન છે. આ લોકો નદીના પાણીમાંથી સોનું કાઢીને પોતાનું જીવન ગુજારે છે. આ અનોખી નદીનું નામ સ્વર્ણ રેખા નદી છે અને તેના પાણીમાંથી સોનું નીકળે છે.

આ નદી ઝારખંડમાં વહે છે અને કિનારે રહેતા સ્થાનિક લોકો માટે કમાણીનું સાધન છે. અહીંના લોકો પાણીને ફિલ્ટર કરીને સોનું એકત્રિત કરે છે. ઝારખંડના તામર અને સરંડા જેવા વિસ્તારોમાં સદીઓથી લોકો નદીમાંથી સોનું કાઢવાનું કામ કરી રહ્યા છે.
સુવર્ણા રેખા નદીનું ઉદ્ગમ સ્થાન ઝારખંડની રાજધાની રાંચીથી 16 કિલોમીટર દૂર આવેલુ છે. આ નદી ઝારખંડથી શરૂ થઈને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં જાય છે. આ નદીની એક ખાસિયત એ છે કે ઝારખંડ છોડ્યા પછી આ નદી કોઈ અન્ય નદીમાં સમાતી નથી અને સીધી બંગાળની ખાડીમાં જઈને દરિયામાં મળે છે.
આ નદીમાં મળતા સોનાને લઈને વૈજ્ઞાનિકો પણ આશ્ચર્યમાં છે. આ નદીનું સોનું આજે પણ વૈજ્ઞાનિકો માટે એક મોટુ રહસ્ય બનેલુ છે. વૈજ્ઞાનિકો માને છે કે, આ નદી ખડકોમાંથી પસાર થાય છે અને તેના કારણે તેમાં સોનાના કણો આવે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.
આ સિવાય ભારતની અન્ય એક નદીમાં પણ સોનાના કણો જોવા મળે છે. આ નદી સુવર્ણ રેખાની ઉપનદી છે. આ નદીનું નામ કરકરી નદી છે. કરકરી નદીમાં સુવર્ણ રેખા નદીમાંથી જ સોનાના કેટલાક કણો વહીને આવે છે. સુવર્ણા રેખા નદીની કુલ લંબાઈ 474 કિમી છે.
આ નદીમાંથી સોનું કાઢવાનું કામ એટલુ આસાન નથી. સોનું એકઠું કરવા અહીં લોકો રાત દિવસ મહેનત કરે છે. એક વ્યક્તિ એક મહિનામાં 70 થી 80 સોનાના કણ એકત્ર કરી શકે છે. આખો દિવસ કામ કર્યા પછી ફક્ત એક કે બે સોનાના કણો જ મળે છે.
સ્થાનિક લોકોના મતે એક કણ સોનું વેચીને 80 થી 100 રૂપિયાની કમાણી થાય છે. આ હિસાબે લોકો એક મહિનામાં માત્ર 5 થી 8 હજાર રૂપિયાની કમાણી કરી શકે છે.












Click it and Unblock the Notifications
