ખેતી સમાચાર : ગુજરાત સરકારે ખેતરને ફેન્સિંગ માટેની યોજનામાં ફેરફાર કરીને 350 કરોડની જોગવાઈ કરી
ગુજરાતના ખેડૂતો માટે એક સારા સમાચાર છે. ભુંડ અને રોઝ જેવા પ્રાણીઓથી મુક્તી માટે ખેતર ફરતે ફેન્સિંગ કરવા ઈચ્છતા ખેડૂતો માટે સરકારે કેટલીક નવી જોગવાઈઓ કરી છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યુ કે, રાજ્યના વિવિધ વિસ્તારોના ખેડૂતો અને ખેડૂત સંગઠનો દ્વારા કાંટાળા તારની વાડ બનાવવાની યોજનાની મર્યાદામાં સુધારો કરવા રજૂઆતો મળી હતી.

તેમણે જણાવ્યુ કે, રાજ્યના વધુમાં વધુ ખેડૂતો આ યોજનાનો લાભ મેળવી શકે તે માટે રજૂઆતોને ધ્યાનમાં લઈને અગાઉ આ યોજના હેઠળ લઘુત્તમ પાંચ હેક્ટર વિસ્તારમાં તાર ફેન્સિંગ માટે સહાય આપવામાં આવતી હતી તેમાં હવે વિસ્તારની મર્યાદા ઘટાડીને લઘુત્તમ બે હેક્ટર નક્કી કરવામાં આવી છે.
કૃષિ મંત્રીએ કહ્યું કે, ખેતરની ફરતે તાર ફેન્સિંગ કરવાની યોજનાનો રાજ્યના મહત્તમ ખેડૂતો લાભ લઈ શકે તે માટે ચાલુ વર્ષે અંદાજપત્રમાં ૩૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ રાજ્યના અંદાજીત 27,700 હેક્ટર વિસ્તાર માટે રનીંગ મીટર દીઠ 200 અથવા ખરેખર થનાર ખર્ચના 50 ટકા બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ સહાય આપવામાં આવશે. આ માટે આગામી સમયમાં આઈ-ખેડૂત પોર્ટલ પર અરજીઓ મંગાવાશે.
ભૂંડ, રોઝ અને નીલ ગાય જેવા પ્રાણીઓ દ્વારા ખેડૂતોના મહામૂલા ઊભા પાકને થતા નુકશાનને અટકાવવા ગુજરાત સરકારે ૨૦૦૫માં ખેતરની ફરતે લોખંડની કાંટાળી તારની વાડ બનાવવાની યોજના અમલમાં મૂકી હતી.
આ યોજનાને વધુ અસરકારક અને ઉ૫યોગી બનાવવા રાજ્ય સરકાર દ્વારા સમયાંતરે તેમાં ઘણા સુધારાઓ પણ કરવામાં આવ્યા છે અને આજે વધુ એક નવો સુધારો કરવામાં આવ્યો છે.












Click it and Unblock the Notifications
