મુંબઇમાં વેપારીઓની હડતાલથી 75000 કરોડનું નુકસાન

મુંબઈમાં અનાજ-કરિયાણાની દુકાનોથી લઈને રેડીમેડ ગાર્મેન્ટ્સ સ્ટોર્સ, એમ બધી જ દુકાનો-બજારો બંધ છે અને વેપારીઓએ એકતાનું જોરદાર પ્રદર્શન બતાવીને એમના બંધને સજ્જડ રૂપ આપ્યું છે. દક્ષિણ મુંબઈમાં લુહાર ચાલ વિસ્તારમાં પોલીસ પરવાનગી વગર રેલી કાઢવા બદલ લગભગ 40 વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે.
આટલી બધી ખોટ જવા છતાં વેપારીઓ બંધને પડતો મૂકવા તૈયાર નથી અને આંદોલનને વધારે ઉગ્ર બનાવવા મક્કમ છે. ફેડરેશન ઓફ એસોસિએશન્સ ઓફ મહારાષ્ટ્ર (ફામ)ના પ્રમુખ મોહન ગુરનાનીએ કહ્યું છે કે, જ્યાં સુધી મુખ્ય પ્રધાન અમારી માગણીઓનો સ્વીકાર નહીં કરે ત્યાં સુધી અમે આંદોલન અટકાવીશું નહીં.
વેપારીઓ એલબીટી વિરુદ્ધ છેલ્લા બે અઠવાડિયાથી આંદોલન પર ઉતર્યા છે. લોકલ બોડી ટેક્સ એ ઓક્ટ્રોયની જગ્યાએ લાગુ કરાનાર નવી કરવેરા પદ્ધતિ છે. તેની રકમ વેપારીઓએ સ્થાનિક મહાનગરપાલિકાઓને ચૂકવવાની રહેશે. મહારાષ્ટ્રમાં 24 મહાપાલિકાઓમાં તો એલબીટી લાગુ કરી દેવાયો છે. મુંબઈ અને નાગપુરમાં આ ટેક્સ આ વર્ષની પહેલી ઓક્ટોબરથી અમલમાં મૂકાશે.
વેપારીઓની માગણી છે કે આ નવા ટેક્સને હાલ તેમની પાસેથી વસુલ કરાતા કરવેરાઓની સાથે જોડી દેવો જોઈએ. એમને ડબલ ટેક્સ પદ્ધતિ સામે સખત વિરોધ છે, કારણ કે વેલ્યૂ એડેડ ટેક્સ (વેટ) તો લાગુ કરાયેલો જ છે. વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી એલબીટીનો મુદ્દો ઉકેલાશે નહીં ત્યાં સુધી તેઓ એમની દુકાનો બંધ રાખશે અને વેટ પણ માત્ર પાંચ ટકા જ ભરશે.
નવી કરવેરા પદ્ધતિનો અભ્યાસ કરવા માટે સમિતિની રચના કરવામાં આવશે એવી મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે વેપારીઓને ખાતરી આપી છે, પણ વેપારીઓનું કહેવું છે કે જ્યાં સુધી એમને વધારે આધારભુત ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ આંદોલનને પડતું નહીં મૂકે. શિવસેના, ભાજપ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીએ વેપારીઓને સમર્થન જાહેર કર્યું છે અને એલબીટી અંગે ફેરવિચારણા કરવાની મુખ્ય પ્રધાનને વિનંતી કરી છે.












Click it and Unblock the Notifications
