જાણો : આપના વિવિધ રોકાણ સામે કેવા પ્રકારની લોન મળી શકે?
ભારતમાં બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા વિવિધ પ્રકારની લોન્સ આપવામાં આવે છે. આ પ્રકારો વિવિધ પ્રકારની લોનના ઇચ્છુકો માટે હોય છે. જેમ કે કેટલાકને લગ્ન માટે, હોમ રિનોવેશન માટે લોન જોઇતી હોય છે. અહીં મહત્વની બાબત એ છે કે કઇ લોન ક્યારે ઉપયોગમાં લેવી જોઇએ? આ કારણે અમે પર્સનલ લોન સિવાયની કેવી લોન મળી શકે તેની વાત કરી રહ્યા છીએ.
મૂળ તો લોનના બે પ્રકાર છે, પ્રથમ પ્રકારની લોનને સિક્યોર્ડ લોન કહેવાય છે. જ્યારે બીજા પ્રકારની લોનને અનસિક્યોર્ડ લોન તરીકે ઓળખવામાં આવે છે. સિક્યોર્ડ લોનમાં વ્યક્તિએ લોન સામે જામીન આપવા પડે છે જેના આધારે જો લોનધારક નાદાર થાય તો બેંક જામીનમાં મૂકેલી મિલકત વેચીને પોતાના પૈસા વસૂલ કરી શકે છે. આ પ્રકારની લોનમાં પર્સનલ લોન કે અનસિક્યોર્ડ લોનની સરખામણીએ વ્યાજનો દર નીચો હોય છે.
અનસિક્યોર્ડ લોન લેનારી વ્યક્તિએ ઊંચો વ્યાજદર ચૂકવવો પડે છે કારણ કે તેમાં જોખમ વધારે રહ્યું છે. આ ઉપરાંત અન્ય કેવા પ્રકારની લોન મળે છે તે અંગે આગળ જોઇએ...

સોના સામે લોન
ગોલ્ડ લોન મેળવવા કોઇ દસ્તાવેજોની જરૂર રહેતી નથી. તેમાં માત્ર આઇડી પ્રુફ અને એડ્રેસ પ્રુફ જરૂરી હોય છે. પર્સનલ લોનની સરખામણીમાં ગોલ્ડ લોનનું વ્યાજ નીચું હોય છે. ગોલ્ડ લોનમાં કોઇ પ્રકારની પ્રોસેસિંગ ફી પણ ચાર્જ કરવામાં આવતી નથી.

ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન
નાણાની તત્કાળ જરૂરિયાત સમયે વ્યક્તિ પોતાની ફિક્સ્ડ ડિપોઝિટ સામે લોન મેળવી શકે છે. પર્સનલ લોન માટે બેંકો 16થી 25 ટકાની વચ્ચે વ્યાજ વસૂલ કરે છે. જ્યારે ફિક્સ્ડ ડિપોઝિટ સામે બેંક માત્ર 11થી 12 ટકા વ્યાજ વસૂલ કરે છે. આ કારણે ટૂંકા ગાળા માટે લોનની જરૂરિયાત સંતોષવા માટે ફિક્સડ ડિપોઝિટ સામે લોન ઉપયોગી છે.

ઇન્શ્યોરન્સ પોલિસી સામે લોન
નાણાકીય જરૂરિયાતના સમયે વ્યક્તિ પોતાની ઇન્શ્યોરન્સ પોલિસી જેમ કે એલઆઇસીની કોઇ પોલિસી સામે પણ લોન લઇ શકે છે. જો કે આ લોન મેળવવા માટે 3 વાર્ષિક પ્રિમિયમ ભરાઇ ચૂક્યા હોવા જોઇએ. આપને સરેન્ડર વેલ્યુના 90 ટકા સુધીની લોન મળે છે.

પ્રોપર્ટી સામે લોન
લોન અગેઇન્સ પ્રોપર્ટી એ પર્સનલ લોન જેવી જ લોન છે. તફાવત માત્ર એટલો છે કે તેમાં આપે જામીન તરીકે પ્રોપર્ટી મૂકવી પડે છે. તેની સામે આપને લોન મળે છે. જો આપ લોન ભરપાઇ કરવામાં નિષ્ફળ જાવ તો પ્રોપર્ટી બેંક જપ્ત કરી લે છે.

શેર્સ સામે લોન
આપ આપના શેર બજારના શેર્સ સામે પણ લોન મેળવી શકો છો. અહીં એક ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની છે કે શેર્સ લોન લેનારી વ્યક્તિના નામે હોવા જરૂરી છે. વળી બેંક કોઇ એક જ કંપનીના શેર્સ પર લોન આપતી નથી. આપે વિવિધ કંપનીઓના શેર્સ ગિરવે મૂકવા પડે છે. કારણ કે કોઇ એક શેરના ભાવ ઘટે તો બેંકને મોટું નુકસાન થઇ શકે છે.

પ્રોવિડન્ડ ફંડ સામે લોન
આપના પીપીએફ એકાઉન્ટમાં કેટલું બેલેન્સ છે તેના આધારે આપને લોન મળે છે. આપ પીપીએફ એકાઉન્ટ ખોલાવ્યાના ત્રીજા વર્ષથી છઠ્ઠા વર્ષ સુધીમાં લોન મેળવી શકો છો.આપના પીપીએફ એકાઉન્ટમાં જેટલી રકમ હોય તેના મહત્તમ 25 ટકા સુધી આપને લોન મળી રહે છે.












Click it and Unblock the Notifications
