EPFO New Rules: નોકરી બદલનારા કર્મચારીઓ માટે ખુશખબર, પરિવારને પણ મળશે આ લાભ
EPFO New Rules: કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) દ્વારા કરોડો નોકરિયાતો અને તેમના આશ્રિતો માટે એક અત્યંત રાહતજનક નિર્ણય લેવામાં આવ્યો છે. EPFOએ એક નવો પરિપત્ર (Circular) જારી કરીને નોકરી બદલતી વખતે સર્જાતી 'સર્વિસ બ્રેક'ની સમસ્યાનો કાયમી ઉકેલ લાવી દીધો છે. હવે રજાના દિવસોને કારણે કર્મચારીઓના વીમા કે પેન્શનના લાભો અટકશે નહીં.

વીકેન્ડ અને રજાઓ હવે નડતરરૂપ નહીં બને
અત્યાર સુધીના નિયમો મુજબ, જો કોઈ કર્મચારી એક કંપની છોડીને બીજી કંપનીમાં જોડાય અને તે દરમિયાન શનિવાર-રવિવાર કે જાહેર રજા આવતી હોય, તો ઘણીવાર તેને 'સર્વિસ બ્રેક' તરીકે ગણવામાં આવતી હતી. આ ટેકનિકલ કારણોસર કર્મચારીના મૃત્યુ બાદ પરિવારને મળતા વીમા (EDLI) ના દાવાઓમાં મુશ્કેલી પડતી હતી.
પરંતુ નવા નિયમ મુજબ, જો બે નોકરીઓ વચ્ચે માત્ર સાપ્તાહિક રજા (Weekly Off), રાષ્ટ્રીય રજા કે રાજ્ય સરકારની રજા આવતી હોય, તો તેને 'કન્ટીન્યુ સર્વિસ' (સતત સેવા) જ ગણવામાં આવશે.
શા માટે લેવો પડ્યો આ નિર્ણય?
EPFOના ધ્યાને આવ્યું હતું કે અનેક કિસ્સાઓમાં કર્મચારીના અવસાન બાદ તેના પરિવારના 'એમ્પ્લોઈઝ ડિપોઝિટ લિંક્ડ ઇન્શ્યોરન્સ' (EDLI) ક્લેમ માત્ર નાની ટેકનિકલ ખામીઓને કારણે નકારી દેવામાં આવતા હતા. અધિકારીઓ દ્વારા સેવાની ગણતરીમાં થતી ભૂલોને કારણે આશ્રિતોને મળવાપાત્ર રકમ મળતી નહોતી. આ વિસંગતતા દૂર કરવા માટે આ નવો ફેરફાર કરાયો છે.
નવા નિયમની મુખ્ય વિશેષતાઓ
- 60 દિવસનો ગેપ: નોકરી બદલતી વખતે જો મહત્તમ 60 દિવસનો અંતર હોય, તો પણ તેને ચોક્કસ શરતો હેઠળ સતત સેવા ગણવામાં આવશે.
- રજાઓની ગણતરી: ગેઝેટેડ હોલિડે કે પ્રતિબંધિત રજાઓને હવે સર્વિસમાં અવરોધ માનવામાં આવશે નહીં.
- EDLI ક્લેમમાં રાહત: પરિવારના સભ્યોને વીમાની રકમ મેળવવામાં હવે કોઈ કાયદાકીય ગૂંચવણનો સામનો કરવો પડશે નહીં.
નોમિની માટે લઘુત્તમ ચુકવણીમાં વધારો
EPFOએ પરિવારોને આર્થિક સુરક્ષા આપતા EDLI યોજનાના નિયમમાં પણ સુધારો કર્યો છે. હવે જો કર્મચારીએ 12 મહિનાની સતત સેવા પૂર્ણ ન કરી હોય, તો પણ તેના નોમિની કે કાયદેસરના વારસદારને ઓછામાં ઓછા ₹50,000 ની ચુકવણી કરવામાં આવશે. ભલે કર્મચારીના પીએફ ખાતામાં સરેરાશ બેલેન્સ 50 હજારથી ઓછું હોય, તો પણ આ લઘુત્તમ લાભ મળવાપાત્ર રહેશે.












Click it and Unblock the Notifications
