
FIIs સપ્ટેમ્બરમાં 7 મહિનની નીચી સપાટીએ, શેરબજાર પર કેવા પ્રત્યાઘાત પડશે?
દિવાળીનો સમય નજીક છે. નવા ચોપડાના મૂહૂર્તમાં સૌ કોઇ ઇચ્છશે કે સારો નફો નોંધાય. જો કે ભારતમાં FIIsના રોકાણના આંકડાઓએ માર્કેટ એક્સપર્ટ્સની સાથે રોકાણકારોને તેમની દિવાળી કેવી જશે એ વિશે વિચારતા કરી દીધા છે.
માર્કેટ એક્સપર્ટ્સ જણાવે છે કે ભારતીય બજાર છેલ્લા ઘણા સમયથી 'મોદી મેજિક'ના જોરે દોડી રહ્યું છે. ભારતીય શેરબજારની તેજી ગતિ પાછળ સૌથી મોટું યોગદાન વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)નું રહ્યું છે. સપ્ટેમ્બર 2014માં એફઆઇઆઇનું રોકાણ 7 મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું છે.
અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વૃદ્ધિને પગલે ભારત સહિતનાં ઊભરતા બજારોમાં રોકાણ પાછું ખેંચાવાની આશંકાએ એફઆઇઆઇએ સપ્ટેમ્બરમાં ભારતીય બજારમાં માત્ર 84.5 કરોડ ઠાલવ્યા છે, જે ચાલુ વર્ષે ફેબ્રુઆરી પછીનું સૌથી નીચો આંકડો છે. ફેબ્રુઆરીમાં તેમણે 22.8 કરોડ ડોલરનું રોકાણ કર્યું હતું.
આ કારણે આગામી સમયમાં ભારતીય શેરબજાર કઇ દિશામાં દોડશે તે અંગે અનેક ધારણાઓ લગાવવામાં આવી રહી છે. આ અંગે કેટલીક ધારણાઓ આ મુજબ છે...

FIIsની વેચવાલીનું કારણ
ગેસનો ભાવવધારો પાછો ઠેલવાના સરકારના નિર્ણય અને કોલ બ્લોક રદ કરવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ એફઆઇઆઇને શેરો વેચવાનું કારણ આપ્યું છે.

વિકાસશીલ દેશોના બજારોની સંખ્યામાં ભારતમાં રોકાણ વધ્યું
છેલ્લા બે મહિનામાં એફઆઇઆઇ રોકાણ ધીમું પડ્યું છે. સપ્ટેમ્બર અને ઓગસ્ટનો સરેરાશ રોકાણ પ્રવાહ 86.5 કરોડ ડોલર રહ્યો છે, જે માર્ચથી જુલાઈના પાંચ મહિનાની 2.3 અબજ ડોલરની સરેરાશનો ત્રીજો ભાગ છે. ચાલુ વર્ષે ભારતમાં વિદેશી રોકાણ 13.85 અબજ ડોલર રહ્યું છે, જે વિવિધ ઊભરતા બજારોમાં સૌથી વધુ છે.

ભારતીય માર્કેટમાં વોલેટિલિટી વધશે
અમેરિકન ફેડરલ રિઝર્વ નાણાનીતિ વધુ ચુસ્ત બનવાની આશંકાથી રોકાણકારો ચિંતિત છે. આગામી સમયમાં રોકાણકારો ને બજારમાં વોલેટિલિટી વધવાની શક્યતા જણાય છે અને તેમાં ભારત કંઈ કરી શકે તેમ નથી.

ભારતીય શેરબજારનું પરફોર્મન્સ બેસ્ટ
ચાલુ વર્ષે સેન્સેક્સ 26 ટકા વધ્યો છે, જે ટોચના 10 વૈશ્વિક બજારોમાં સૌથી વધુ છે. ભારતીય બજાર 16.5ના એક વર્ષના ફોરવર્ડ પી/ઇ પર ટ્રેડ થઈ રહ્યું છે. જેની તુલનામાં ચીનના શાંઘાઈ કોમ્પોઝિટ ઇન્ડેક્સનો પી/ઇ 9.9 બ્રાઝિલના બોવેસ્પાનો 11.8 અને રશિયાના MICEXનો 5.1 છે. ભારતીય અર્થતંત્ર અને કંપનીઓના નફામાં રિકવરી હજુ થોડી દૂર હોવાના અંદાજને લીધે સ્થાનિક બજારનું વેલ્યુએશન ઊંચું હોવાની આશંકા છે.

માર્કેટમાં તેજી જળવાઇ રહેશે
ભારતીય શેર બજારની તેજીને કારણે પણ વેલ્યુએશનની ચિંતા ઊભી થઈ છે, પરંતુ ફંડ મેનેજર્સને આગામી સમયમાં મોટી વેચવાલીની શક્યતા જણાતી નથી.