ભારતીય ટપાલ વિભાગ અને ટીસીએસ વ્ચ્ચે 1400 કરોડના કરાર થશે

આ પ્રોજેક્ટ બે ભાગમાં વહેંચાયેલો છે જેમાં પહેલા બે વર્ષ પ્રોજેક્ટનાં અમલીકરણ માટે રહેશે જ્યારે બાકીનાં પાંચ વર્ષ મેઈન્ટેનન્સ માટેનાં કોન્ટ્રેક્ટનાં રહેશે. ભારતીય ટપાલ વિભાગનાં કાઉન્ટરોની કામગીરીનું કોર સિસ્ટમ ઈન્ટીગ્રેશન સાથે કેમ્પ્યુટરાઈઝેશન કરવામાં આવશે. જેનો પ્રોજેક્ટ ખર્ચ રૂપિયા 1400 કરોડ અંદાજવામાં આવ્યો છે તેમ ડીપાર્ટમેન્ટ ઓફ પોસ્ટનાં સેક્રેટરી પી ગોપીનાથે જણાવ્યું હતું. આ માટેનાં કરાર પર સોમવારે હસ્તાક્ષર કરવામાં આવશે.
સરકાર દ્વારા ભારતીય ટપાલ વિભાગ બેન્કિંગ કામગીરી કરી શકે તે માટે પોસ્ટ ઓફિસનું આધુનિકરણ કરવામાં આવશે. જેમાં બીજા તબક્કા માટે રૂપિયા 4,909 કરોડ ખર્ચ પેટે મંજૂર કરવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ હેઠળ રિયલ ટાઈમ કોર બેન્કિંગ સેવાઓ શરૂ કરાશે.
ભારતની આઈટી ક્ષેત્રની ટોચની કંપની ટીસીએસ ખાસ તો અમેરિકા અને યુરોપનાં દેશોમાં વિવિધ પ્રોજેક્ટ હાથ ધરીને તેની કમાણી કરે છે પણ હવે દેશનાં સરકારી પ્રોજેક્ટનો મોટો હિસ્સો મેળવવા તે પ્રયાસો કરી રહી છે. ટીસીએસને ઓક્ટોબર 2008માં વિદેશ મંત્રાલય પાસેથી મિશન મોડ ઈ-ગવર્નન્સ પ્રોજેક્ટ તેમજ પાસપોર્ટ સેવા પ્રોજેક્ટનાં કામ પણ મળ્યા હતા.
ટીસીએસ દ્વારા હવે દેશભરમાં ફેલાયેલી દોઢ લાખ પોસ્ટ ઓફિસોને બેન્કિંગ અને ઈન્સ્યોરન્સ સેવાઓ આપતી કરવા માટે પહેલા તબક્કામાં રૂપિયા 700 કરોડનો પ્રોજેકટ મળ્યો છે. પોસ્ટ ઓફિસોમાં આધુનિક કોર બેન્કિંગ સેવાઓ શરૂ કરવા આધુનિક ટેકનોલોજી અપનાવવામાં આવી છે. 31 માર્ચ સુધીમાં દેશની તમામ પોસ્ટ ઓફિસોનું કોમ્પ્યુટરીકરણ કરવામાં આવશે તેવી ગણતરી છે.
આ પ્રોજેક્ટમાં તમામ પોસ્ટ ઓફિસોનાં કોમ્પ્યુટરીકરણ ઉપરાંત કોર બેન્કિંગ સોલ્યુશન્સ પૂરા પડાશે અને 1000 એટીએમ શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત મેઈલ ટ્રેકિંગ, કસ્ટમર કોલ સેન્ટર, ઈ-કોમર્સ સોલ્યુશન્સ જેવી સેવાઓ પણ શરૂ કરાશે.












Click it and Unblock the Notifications
