નવા વર્ષથી રેલવે ટિકિટ બુકિંગમાં મોટા ફેરફાર, હવે આ લોકો બુક નહીં કરી શકે
ભારતીય રેલવેએ ટિકિટ રિઝર્વેશન સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે.2026 માટે અમલી બનાવાયેલા નવા નિયમો હેઠળ, 5 જાન્યુઆરીથી એડવાન્સ ટિકિટ બુકિંગ માટે આધાર કાર્ડ ફરજિયાત બન્યું છે. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ્ય બુકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા વધારવાનો છે.

5 જાન્યુઆરીથી અમલમાં આવેલા આ નિયમ મુજબ, જો IRCTC એકાઉન્ટ આધાર સાથે લિંક ન હોય તો સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 4 વાગ્યા સુધી ટિકિટ બુક નહીં કરી શકાય. આ ખાસ કરીને એડવાન્સ ટિકિટ બુકિંગ વિન્ડો ખુલવાના પ્રથમ દિવસ માટે લાગુ પડે છે, જે 60 દિવસ અગાઉથી શરૂ થાય છે.
આ નિયમ એડવાન્સ ટિકિટ વિન્ડોના પ્રથમ દિવસે જ લાગુ પડશે. તબક્કાવાર કડકાઈ વધારાઈ છે. 29 ડિસેમ્બરથી આધાર વિનાના યુઝર્સ માટે સવારે 8 થી 12 વાગ્યા સુધી બુકિંગ બંધ હતું. 5 જાન્યુઆરીથી તે સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી લંબાવાયું અને 12 જાન્યુઆરીથી સવારે 8 થી રાત્રિના 12 વાગ્યા સુધીનો કરવામાં આવશે. આ પગલું દલાલોની ગેરરીતિઓ રોકવા માટે છે.
આનો અર્થ છે કે, આધાર લિંક ન હોય તેવા યુઝર્સ ફક્ત રાત્રિના સમયે જ ઓનલાઈન ટિકિટ બુક કરી શકશે. જો કે, આ નિયંત્રણો ફક્ત ઓનલાઈન બુકિંગ પર લાગુ પડે છે, ઓફલાઈન ટિકિટ બુકિંગ રાબેતા મુજબ ચાલુ રહેશે. રેલવેએ ટિકિટ બુકિંગમાં થતી ગેરરીતિઓ અને નકલી એકાઉન્ટ્સ પર અંકુશ લગાવવા આ પગલું ભર્યું છે.
આધાર લિંકિંગથી લાખો નકલી એકાઉન્ટ્સ બંધ કરાયા છે. આ નિર્ણયથી એડવાન્સ ટિકિટના શરૂઆતના દિવસે સામાન્ય નાગરિકોને કન્ફર્મ ટિકિટ મેળવવામાં સરળતા રહેશે. જે યુઝર્સ પાસે આધાર લિંક એકાઉન્ટ નથી, તેઓ ઓફલાઈન ટિકિટ બુક કરાવી શકે છે અથવા તો પ્રતિબંધિત સમયગાળો પૂરો થયા બાદ ઓનલાઈન બુકિંગ કરી શકશે.












Click it and Unblock the Notifications
