આકાશ અંબાણી અને જય અનમોલે પારિવારિક બિઝનેસમાં ઝંપલાવ્યું
મુંબઇ, 8 ઓગસ્ટ : પોતાના પરિવારના વારસાને આગળ વધારવા માટે અંબાણી પરિવારની ત્રીજી પેઢીએ પારંપરિક વ્યવસાયમાં ઝંપલાવી દીધું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને એમડી મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી કંપની સાથે જોડાઇ ચૂક્યા છે.
આ અંગે એક અંગ્રેજી બિઝનેસ ન્યુઝ પેપરે આપેલા અહેવાલ અનુસાર આકાશ અંબાણી ટેલિકોમ ક્ષેત્રમાં રિલાયન્સ જીઓની સાથે આરઆઇએલને ટેલિકોમ ક્ષેત્રમાં પુન:પ્રવેશ માટે મદદ કરશે.

રિલાયન્સ જિયો ઇન્ફોકોમ એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની સહાયક ટેલિકોમ કંપની છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ પોતાના ટેલિકોમ સાહસમાં રૂપિયા 33,000 કરોડનું રોકાણ કર્યું છે. મુકેશ અંબાણીએ આવતા વર્ષ સુધીમાં તેની સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે.
આ દરમિયાન રિલાયન્સ એડીએજીના ચેરમેન અનિલ અંબાણીના મોટા દીકરા જય અનમોલ આવનારા વર્ષોમાં પોતાની કંપનીમાં મોટી ભૂમિકા ભજવતા જોઇ શકાશે. જય અનમોલ એડીએજી ગ્રુપની કંપની રિલાયન્સ કેપિટલમાં એક મહિના પહેલા જોડાયા છે.
નોંધનીય છે કે મુકેશ અંબાણાના દીકરી ઇશા અંબાણી પણ બિઝનેસમાં જોડાઇ ગયા છે. ઇશાએ અમેરિકન કંપની મેકેન્સીમાં એક કન્સલ્ટન્ટ તરીકે પોતાના કામની શરૂઆત કરી છે. એવી ધારણા છે કે આવનારા દિવસોમાં ઇશા પોતાના પિતાના બિઝનેસમાં જોડાઇ શકે છે.












Click it and Unblock the Notifications
